Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

મુંબઈ મહાનગરપાલિકાએ કાંદિવલીના બગીચાને દિગ્ગજ પત્રકાર શ્રી કાન્તિ ભટ્ટનું નામ આપ્યું

પહેલી જાન્યુઆરીના દિવસે શ્રી શીલા ભટ્ટની ઉપસ્થિતિમાં વિખ્યાત અભિનેતા પદ્મશ્રી મનોજ જોશી 'પત્રકાર કાન્તિ ભટ્ટ ઉદ્યાન'નું લોકાર્પણ કરશે

મુંબઈ : દિગ્ગજ પત્રકાર સ્વ. શ્રી કાન્તિ ભટ્ટના ભાવકો માટે ખુશીના સમાચાર છે. શ્રી કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં કાંદિવલીમાં વસંત કોમ્પલેક્સ સ્થિત, પ્રમોદ મહાજન ગાર્ડનની બાજુમાં, નવા સાર્વજનિક બગીચાને મુંબઈ મહાનગરપાલિકાએ 'પત્રકાર કાન્તિ ભટ્ટ ઉદ્યાન' નામ આપ્યું છે. ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રમાં જેમનું નામ અત્યંત આદરપૂર્વક લેવામાં આવે છે એવા શ્રી કાન્તિ ભટ્ટનું વધુ એક સન્માન તમામ ગુજરાતીઓ માટે ગર્વની બાબત છે. તેઓ જ્યાં રહ્યા એ જ વિસ્તાર કાંદિવલીના આ બગીચાને તેમનું નામ આપવામાં આવી રહ્યું છે એ ખરેખર તેમના ભાવકો દ્વારા તેમને અપાતી અંજલિ છે.

કાંદિવલીમાં આ ‘પત્રકાર કાન્તિ ભટ્ટ ઉદ્યાન’નું લોકાર્પણ વિખ્યાત પત્રકાર શ્રી શીલા ભટ્ટની ઉપસ્થિતિમાં રંગમંચ અને ફિલ્મ જગતના  પ્રખ્યાત અભિનેતા પદ્મશ્રી મનોજ જોષીના હસ્તે 1 જાન્યુઆરી 2022ના દિવસે સવારે અગિયાર વાગ્યે કરાશે. આ ઉદ્યાનને પત્રકાર કાન્તિ ભટ્ટ નામ આપવામાં આવે એ માટે સઘન પ્રયાસ કરનારાં નગરસેવિકા બીનાબેન દોશી વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે.

સ્વ. શ્રી કાન્તિ ભટ્ટે તેમના અંતિમ શ્વાસ સુધી અનેક અખબારો અને સામયિકોમાં દૈનિક અને સાપ્તાહિક કોલમ લખી હતી. તેઓ એક ઉમદા વાચક પણ હતા. તેમનું મોટાભાગનું ઘર દેશ-વિદેશના પુસ્તકોથી ભરાયેલું રહેતું. તેઓ દુનિયા ફરનારા હતા. તેમણે ટ્રાવેલિંગ અને વાંચનથી અઢળક જ્ઞાન મેળવીને તેમના ગુજરાતી વાચકો સુધી પહોચાડ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ જ શ્રી કાન્તિ ભટ્ટના ઘર નજીકના માર્ગને પણ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ‘’પત્રકાર કાન્તિ ભટ્ટ’ નામ અપાયું હતું. એ રોડનું લોકાર્પણ વિખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર જે. જે. રાવલ અને શ્રી કાન્તિ ભટ્ટના ચાહક ભરત મહેતા દ્વારા કરાયું હતું.

1 જાન્યુઆરી 2022 એટલે કે નવા વર્ષની શરૂઆત ગુજરાતીઓ અને ખાસ તો શ્રી કાન્તિ ભટ્ટના વાચકો માટે ઉદ્યાનના આ નામકરણ થકી યાદગાર બની રહેવાની!

શ્રી કાન્તિ ભટ્ટનું નામ કાંદિવલીના બગીચાને અપાયું છે એ જાણીને દિગ્ગજ લેખક મધુ રાયએ તો કહ્યું હતું કે "કાંતિભાઈ એટલા લોકપ્રિય હતા કે માત્ર ઉધાન જ નહીં, કાંદિવલી આખું કાંતિવલી કહી શકાય."

(5:16 pm IST)