Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

નીટ-પીજી 2021ના કાઉન્‍સેલિંગમાં વિલંબ થતા દિલ્‍હીમાં મોટી સંખ્‍યામાં રેસિડેન્‍ટ તબીબો દ્વારા વિરોધ પ્રદર્શનઃ રસ્‍તાઓ ઉપર રેલી કાઢી

પોલીસે બળપ્રયોગ કરતા અનેક ડોક્‍ટરોને ઇજાઃ પ્રમુખનો આક્રોશ

નવી દિલ્હી: NEET-PG 2021 કાઉન્સેલિંગમાં વિલંબને લઈને દિલ્હીમાં મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરોએ પ્રદર્શન કર્યું અને આ દરમિયાન રસ્તાઓ પર પોલીસ અને ડોક્ટરો વચ્ચે ઘર્ષણ થયું. બંને પક્ષોનો દાવો છે કે તેમની તરફના ઘણા લોકો ઘાયલ થયા છે. તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવતા, નિવાસી ડોકટરોએ સોમવારે પ્રતીકાત્મક રીતે તેમના લેબ કોટ્સ પરત કર્યા અને રસ્તાઓ ઉપર રેલીઓ કાઢી હતી. કેન્દ્રીય સંચાલિત ત્રણ હોસ્પિટલો સફદરજંગ, આરએમએલ અને લેડી હાર્ડિંજ હોસ્પિટલો તેમજ દિલ્હી સરકારની કેટલીક હોસ્પિટલોમાં દર્દીઓની સારવારને અસર થઈ છે કારણ કે ડોકટરોનું આંદોલન ચાલુ છે.

ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યું છે. એસોસિએશનના પ્રમુખ મનીષે દાવો કર્યો હતો કે સોમવારે મોટી હોસ્પિટલોના નિવાસી ડોકટરોએ વિરોધમાં પ્રતીકાત્મક રીતે તેમના એપ્રોન (લેબ કોટ) પરત કર્યા હતા. તેમણે કહ્યું, “અમે મૌલાના આઝાદ મેડિકલ કોલેજ (MAMC) કેમ્પસથી સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે તે શરૂ કર્યું કે તરત જ સુરક્ષાકર્મીઓએ અમને આગળ વધતા અટકાવી દીધા હતા.

મનીષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા કેટલાય ડોકટરોની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. થોડા સમય પછી તેમણે મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસે બળપ્રયોગ કર્યો જેમાં અનેક ડોક્ટરો ઘાયલ થઈ ગયા હતા.

ફોર્ડા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, મેડિકલ પ્રોફેશનના લોકોના ઈતિહાસમાં આ એક કાળો દિવસ છે. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ‘ કોરોના વોરિયર્સ કહેવાતા નિવાસી ડોકટરો NEET PG કાઉન્સેલિંગ 2021ની પ્રક્રિયાને ઝડપી બનાવવાની માંગ સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેમની સાથે ખૂબ મારપીટ કરવામાં આવી અને પોલીસે તેમની અટકાયત કરી લીધી. આજથી તમામ મેડિકલ સુવિધાઓ સંપૂર્ણપણે બંધ રહેશે.

(5:29 pm IST)