Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

નવો વેરિએન્ટ અને બૂસ્ટર ડોઝ વેકિસન કંપનીઓ માટે કમાણીનું મસમોટું સાધન બન્યો:અઢળક આવક

વેકિસનની ત્રણ મોટી કંપનીઓએ ફાઇઝર,મૉડર્ના અને બૉયોએનટેકે વર્ષ ૨૦૨૧માં દર સેકન્ડે ૧ હજાર ડોલરની કમાણી

લંડન :કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન અને એ પછીની સ્થિતિના કારણે મોટા ભાગના સેકટરમાં મંદી જોવા મળેલી પરંતુ ફાર્મા અને દવાઓના સંશોધનમાં તેજી જોવા મળી હતી. કોરોના વેકિસન શોધાયા પછી વેકિસન પણ વેપારનું મોટું કેન્દ્ર બની છે. થોડાક સમય પહેલા અમેરિકાના સેનેટર બર્ની સેંડર્સે બળાપો ઠાલવ્યો હતો કે ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણની વધવાની માહિતી મળવાની સાથે જ ફાઇઝર અને મૉડર્નાના ૮ રોકાણકારોએ ૭૫ હજાર કરોડ રુપિયા કમાઇ લીધા હતા.

કોરોનામાં વેકિસનએ સારો વિકલ્પ ગણાય છે તેમ છતાં નવો વેરિએન્ટ અને બૂસ્ટર ડોઝ વેકિસન કંપનીઓ માટે કમાણીનું સાધન છે એમાં શંકાને સ્થાન નથી.કોરોનાનો ડર બતાવીને વેકસિન કંપનીઓ દુનિયામાં પોતાનો કારોબાર ફેલાવી રહી છે. યુએસએમાં પીપલ્સ વેકસીનેશન એલાયન્સના એક એનાલિસિસ અનુસાર વેકિસનની ત્રણ મોટી કંપનીઓએ ફાઇઝર,મૉડર્ના અને બૉયોએનટેકે વર્ષ ૨૦૨૧માં દર સેકન્ડે ૧ હજાર ડોલરની કમાણી કરી છે. આ કંપનીઓએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને વિકસિત દેશોની સરકારો પાસેથી નફાકારક કોન્ટ્રાકટ લીધા હતા.જયારે ગરીબ દેશોના લોકોને વેકિસન આપવાની વાતને અભરાઇએ ચડાવી દેવામાં આવી હતી. ફાઇઝર અને બાયોએનટેકે પોતાની કુલ વેકિસન સપ્લાયનો ૧ ટકા જેટલો ભાગ જ ગરીબ દેશોને મોકલ્યો છે.

મૉર્ડનાનો હિસ્સો સાવ નગણ્ય ૦.૨ ટકા જેટલો રહયો છે. હાલમાં ગરીબ દેશોની ૯૮ ટકા વસ્તી વેકિસનેશનથી વંચિત રહી ગઇ છે. અવર વર્લ્ડ ઇન ડાટા અનુસાર દક્ષિણ અમેરિકામાં ૫૫ ટકા લોકો કોવિડ વેકિસનનો પૂર્ણ ડોઝ લઇ ચુકયા છે. એશિયા ખંડમાં ૪૫ ટકા લોકોને જ વેકિસનનો પુરેપુરો ડોઝ મળ્યો છે. જયારે આફ્રીકામાં તો માત્ર ૬ ટકા જ વેકિસનેટેડ છે. ઇઝરાયેલ જેવા દેશો પોતાના નાગરીકોને ચોથો ડોઝ આપવાની તૈયારી કરી રહયા છે જયારે ગરીબ દેશોની વસ્તીનો ૯૪ ટકા ભાગ પ્રથમ ડોઝથી પણ વંચિત રહી ગયો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા અને તેના નિષ્ણાતોનું માનવું છે કે જો આ પ્રકારની અસમાનતા ચાલું રહી તો કોવિડ-૧૯ સામે લડવું મુશ્કેલ બની જશે.વેકિસન કંપનીઓને અબજો ડોલરનું સરકારી ફંડ મળ્યું છે. તેમ છતાં દવા બનાવવાની ટેકનિક અને અન્ય માહિતીઓ ગરીબ દેશોને આપવાનો ઇન્કાર કરી દીધો છે. વેકિસન કંપનીઓ પોતાની પાસે જ પેટન્ટ રાખવા ઇચ્છતી હોવાથી વેકિસન ટેકનિકનું હસ્તાંતરણ અટકી ગયું છે.

જો આમ ના થયું હોતતો લાખો લોકોના જીવ બચાવી શકાયા હોત એમાં શંકાને સ્થાન નથી. એક બ્રિટીશ સમાચારપત્ર ધ ગાર્જીયનમાં પ્રગટ વિગત મુજબ ફાઇઝરને વેકિસનનો એક ડોઝસ તૈયાર કરવામાં ૧ ડોલર એટલે ૭૫ રુપિયાનો ખર્ચ થાય છે. આ ડોઝને કંપની ૩૦ ડોલરમાં વેચે છે. યૂ કે જેવા દેશો પણ ૩૦ ગણી કિંમત ચુકવીને ફાઇઝરની વેકિસન ખરીદી રહયા છે. મોનોપૉલીનો જ ફાયદો ઉઠાવીને ફઇઝરે યુકે સરકાર સાથે ડીલ કરી છે.

(12:10 am IST)