Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

OCI કાર્ડ ધરાવતા ભારતીયોનું ડબલ નાગરિકત્વ સમાપ્ત થશે ? : ભારતના હોમ ડિપાર્ટમેન્ટે તેઓને વિદેશી નાગરિક ગણાવ્યા : વતનના અમુક પ્રાંતોની મુલાકાત લેતા પહેલા સરકારની મંજૂરી લેવી પડશે : ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વાઇસ ચેરમેન જ્યોર્જ અબ્રાહમે વ્યક્ત કરેલી શંકા

ન્યુદિલ્હી : અત્યાર સુધી ડબલ નાગરિકત્વ ધરાવતા વીદેશોમાં વસતા ભારતીયોને દેશના હોમ ડિપાર્ટમેન્ટે હવે 4 માર્ચના રોજ જારી કરેલા બુલેટિનમાં વિદેશી નાગરિક ગણાવ્યા છે.અત્યાર સુધી તેઓને ભારતના નાગરિક સમાન દરજ્જો આપવામાં આવ્યો હતો.

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વાઇસ ચેરમેન જ્યોર્જ અબ્રાહમએ જણાવ્યું હતું કે, ઓસીઆઈ કાર્ડધારકો અને ભારતીય ડાયસ્પોરા માટે આ ખરેખર આંચકો છે. "અમને હંમેશાં એવું લાગતું હતું કે આપણે બેવડી નાગરિકતા તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ હવે સરકાર  આપણી સાથે વિદેશીઓની જેમ વર્તે છે."

આ અંગે સ્પષ્ટતા કરતા સાન ફ્રાન્સિસ્કો ખાતેના  ભારતના કોન્સ્યુલ જનરલના પ્રવક્તાએ  સમજાવ્યું હતું કે બુલેટિન 2005, 2007 અને 2009 માં સ્થાપિત નિયમોની સ્પષ્ટતા છે.જે મુજબ ઓસીઆઈ કાર્ડધારકોએ   જર્નાલિઝમ ,પર્વતારોહણ તથા કોઈપણ મિશનરી કાર્ય જેવા કે તબલીગ માટે ભારત સરકારની વિશેષ પરવાનગી લેવી આવશ્યક છે . તેમજ ભારત સરકારે “પ્રતિબંધિત”  કરેલા વિસ્તારોમાં મુસાફરી માટે પણ પરવાનગી મેળવવી આવશ્યક છે. આવા ક્ષેત્રોમાં અરુણાચલ પ્રદેશ , હિમાચલ પ્રદેશના અમુક ભાગો; જમ્મુ અને કાશ્મીરનો ભાગ , સમગ્ર  મણિપુર, મિઝોરમ, સિક્કિમ અને નાગાલેન્ડ તથા રાજસ્થાન અને ઉત્તરાખંડના અમુક ભાગનો સમાવેશ થાય છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:04 pm IST)