Gujarati News

Gujarati News

News of Friday, 22nd July 2022

ગુજરાતી સીનીઅર સીટીઝન ફ્રેન્ડ્સ સર્કલના ઉપક્રમે રજાઈનામાં વયસ્ક નાગરિકોની પીકનીક યોજાઈ : સ્વાગત ,સ્વપરિચય ,રમત ગમત ,લાફિંગ યોગા ,ગરબાની રમઝટ ,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ

રજાઈના : Our Own Gujarati Senior Citizen Friends Circle , Regina , Canada દ્વારા વયસ્ક નાગરિકો માટે વાસકાના લેક નજીક કેન્ડી કેન પાર્ક માં લીલાછમ વૃક્ષ ની શીતળ છાયામાં અને નયનરમ્ય વાતાવરણમાં સમર પીકનીક યોજાઈ ગઈ .

સૌ પ્રથમ ગૃપ સ્થાપક શ્રી ઘનશ્યામ પટેલે ઉપસ્થિત સૌ સભ્યો નું હદયના ઉમળકાથી સ્વાગત કર્યું અને ગૃપ દ્વારા થતી પ્રવૃત્તિઓનો આછી ઝલક આપી . દરેક સિનિયર્સ એકબીજાને ઓળખે તે હેતુ સર દરેકે સ્વપરિચય આપ્યો . ત્યારબાદ વિવિધ રમતો શરૂ થઈ , જેમકે , ચિઠ્ઠી ઉપાડી તેમાં લખેલ વિષય પર પોતાના વિચારો રજૂ કરવા , કેટલા રે કેટલા , તમે કહો તેટલા , કપ ગોઠવી પિરામિડ બનાવવો , લાફીંગ યોગા , પ્લેકાર્ડ ની નંબર વાળી રમત , અને ગરબા ની રમઝટ તેમજ અન્ય રસપ્રદ રમતો નો આનંદ મેળવ્યો .

લાફીંગ યોગામાં સૌ સિનિયર ભાઈઓ ખૂબ હસ્યા  અને હાસ્ય ટોનિક મેળવી ખુશ થયા .ગુજરાતી સમાજ રજાઈના ના પૂર્વ પ્રમુખ ડો. શ્રી રજનીકાંત પટેલ , શ્રી દિલીપભાઈ બ્રાહ્મણીયા , શ્રીમતી ભાવિકાબેન એસ પટેલે ઉપસ્થિત રહી પીકનીક ને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું . શ્રી પ્રભુદાસભાઇ પટેલે પી ,આર .તેમજ કેનેડિયન સિટીઝનને રજાઈનામાં મળતા લાભ વિષે માર્ગદર્શન આપ્યું .

વિરામ ના સમયમાં મીઠા મધુર તડબૂચનો સ્વાદ પણ માણ્યો. સમગ્ર પીકનીકમાં શ્રી સંજય પ્રજાપતિ , શ્રી ખોડાભાઈ કોશિયા , શ્રીમતી ભાવિકાબેન એસ. પટેલ , તેમજ તંદુરી રેસ્ટોરન્ટ વાળા શ્રી રાકેશભાઈનો સહકાર અને સેવા સરાહનીય હતા . શ્રી નંદુભાઈ પ્રજાપતિ ની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી સેવા કેમ ભૂલાય ? તે દાદ માગી લે તેવી હતી . અંતમાં સૌ સ્વાદિષ્ટ ભોજન માણી છૂટા પડ્યા . સ્વચ્છ તાજી હવા અને આહલાદાયક વાતાવરણમાં યોજાયેલ પીકનીક ની યાદો વાગોળતા સૌ એ વિદાય લીધી . તેવું માહિતી શ્રી ઘનશ્યામ પટેલ ( રજાઈના , કેનેડા ) અને તસ્વિર સૌજન્ય શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(1:00 pm IST)