Gujarati News

Gujarati News

News of Friday, 22nd July 2022

કેનેડામાં ખાલિસ્તાન સમર્થિત આંદોલનને લઈ સરકાર એલર્ટ: સમગ્ર પરિસ્થિતિ પર સતત બાજ નજર ગોઠવાઈ

કેનેડામાં ખાલિસ્તાન સમર્થિત આંદોલનની ચળવળ એક નવા ચરણમાં શરૂ થતાં ભારતની ચિંતામાં વધારો થયો

નવી દિલ્લી તા.22 : કેનેડામાં ખાલિસ્તાન સમર્થિત આંદોલનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ થઈ રહેલ તમામ પરિસ્થિતી પર બાજ નજર ગોઠવવામાં આવી છે. કેનેડા અને ભારતમાં કાર્યરત સંગઠિત ગુનાહિત ગેંગ વચ્ચેના વધતા સંબંધોને કારણે ભારતની ચિંતામાં સતત વધારો થઈ  રહ્યો છે.

ભારતીય અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલ કેનેડામાં ઓછામાં ઓછા આવા આઠ અગ્રણી ગેંગ લીડર રહે છે અને તેઓ ત્યાંથી ગુનાહિત ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેનેડા સ્થિત કેટલાક ઉગ્રવાદીઓ અને ગેંગસ્ટરો વચ્ચેની આ સાંઠગાંઠ ભારતમાં ફુટ સોલ્જર્સની સુવિધા આપે છે, જે તે પહેલાં ન હતી.

જો કે તેમણે આ ગેંગસ્ટરોના નામ જાહેર કર્યા ન હતા, પરંતુ તેણે કહ્યું હતું કે ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ વચ્ચે ચાલી રહેલી વાતચીત દરમિયાન તેમના વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

કેનેડામાં ગેંગસ્ટરો દ્વારા ખાલિસ્તાની જૂથો સાથે સંબંધો સુરક્ષિત રાખવાની ઉભરતી વાસ્તવિકતા ભારત માટે વધુ ચિંતાનો વિષય છે. તેમાંથી મોટાભાગના ભારતની જેલોમાં અને સંયુક્ત દળોમાં મળેલા છે. દેશમાં ઈન્ડો-કેનેડિયન ગેંગની મોટી હાજરીને કારણે તેઓ ભારતમાં અને કેનેડામાં પણ તેમના ટાર્ગેટ પર નિશાન સાધવામાં સક્ષમ છે.

કેનેડામાં બ્રિટીશ કોલંબિયાના સરામાં રિપુદમનસિંહ મલિકની ઘાત લગાવીને હત્યા પાછળ હજુ સુધી કોઈ આશય સામે આવ્યો નથી. પરંતુ આ એક ગેંગલેન્ડ સ્ટાઈલમાં થયેલો હુમલો પણ હોઈ શકે છે. રિપુદમનસિંહ મલિક પર વર્ષ 1985માં ઍર ઈન્ડિયાના વિમાન કનિષ્કને ઉડાડી દેવાનો આરોપ પણ લાગી ચુક્યો છે. આ ઘટનામાં 329 લોકોના મોત થયા હતા જો કે આ મામલાં તેને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રિપુદમનસિંહને 14 જુલાઈએ સવારે 9.30 વાગ્યે મેટ્રો વાનકુવર વિસ્તારમાં સરે શહેરના એક બિઝનેસ પરિસર નજીક હત્યા કરવામા આવી હતી.

(11:17 pm IST)