Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમેરિકામાં યોજાયેલું ડેમોક્રેટિક પાર્ટીનું 4 દિવસીય વર્ચ્યુઅલ અધિવેશન સંપન્ન : દેશને અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જવાનો પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડનનો કોલ

વિસ્કોસીન : અમેરિકામાં 17 ઓગસ્ટથી શરૂ થયેલું  ડેમોક્રેટિક પાર્ટીનું 4 દિવસીય વર્ચ્યુઅલ અધિવેશન સંપન્ન થયું છે.જેના સમાપન સમયે પ્રેસિડન્ટ પદ માટે માન્યતા મેળવ્યા બાદ જો બીડને જણાવ્યું હતું કે દેશમાં લાંબા સમયથી છવાયેલા અંધકારને દૂર કરવા એકજૂટ થાઓ. તેમણે કહ્યું કે અમેરિકામાં અંધકારના અંતની શરૂઆત આજથી શરૂ થઈ ચૂકી છે.
હું ખૂબ જ સન્માન તથા વિનમ્રતા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન સ્વીકારી રહ્યો છું. ભલે હું ડેમોક્રેટિક પાર્ટીનો ઉમેદવાર છું પણ હું સંપૂર્ણ અમેરિકાનો રાષ્ટ્રપતિ બનીશ. જે લોકોએ સમર્થન આપ્યું નથી એ લોકો માટે પણ એટલી જ મહેનત કરીશ જેટલી સમર્થન કરનારા માટે કરીશ.
હું વાયદો કરું છું કે જો તમે મને રાષ્ટ્રપતિ બનાવ્યો તો હું સર્વશ્રેષ્ઠ કામ કરીશ, ખરાબ નહીં. રોશની લાવીશ, અંધકાર નહીં. આપણે બધાએ એકજૂટ થવાનો સમય પાકી ગયો છે. આપણે એકસાથે દેશમાં અંધારાથી બહાર નીકળી શકીએ છીએ. આપણે ડરની સામે આશા, કલ્પનાની સામે તથ્ય, વિશેષાધિકારની સામે નિષ્પક્ષતાને પસંદ કરીશું.
તેમણે ઉમેર્યું હતું કે આપણે ગુસ્સા અને ઘૃણાથી ભરેલા એ રસ્તાને પસંદ કરી શકીએ છીએ જ્યાં આશાઓ ઓછી છે, વિભાજન વધુ છે. અંધકાર અને શંકા છે. કાં પછી અલગ રસ્તો પસંદ કરી શકીએ છીએ જેમાં સુધારો થાય. આ જીવન બદલનારી ચૂંટણી છે. તેમાં નક્કી થશે કે અમેરિકાએ ભવિષ્યમાં કેવું દેખાવું છે.

 

(12:13 pm IST)