Gujarati News

Gujarati News

News of Sunday, 23rd August 2020

અમેરિકામાં વસતા ભારતીયોના મતો અંકે કરવાનો ટ્રમ્પનો ઓર એક પ્રયાસ : અમદાવાદની મુલાકાતનો વિડિઓ શેર કર્યો : 1.47 મિનિટના વિડિઓને એક જ કલાકમાં 66 હજાર લોકોએ જોયો

વોશિંગટન : અમેરિકામાં લઘુમતી કોમ ભારતીયોના મતો અંકે કરવા વર્તમાન રિપબ્લિકન પ્રાઈમ મિનિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન અવારનવાર જુદા જુદા પ્રયાસો કરે છે.

જે મુજબ તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પએ લીધેલી અમદાવાદની મુલાકાત વખતનો વિડિઓ શેર કર્યો છે. જેમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ  અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં એક-બીજાનો હાથ પકડીને ચાલી રહ્યાં છે અને હાથ હલાવીને લોકોનું અભિવાદન કરતા દેખાઈ રહ્યાં છે. આ વીડિયોમાં મોદી કહી રહ્યાં છે કે ટ્રમ્પને કોઈ પરિચયની જરૂર નથી, લગભગ દરેક વાતમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે.

ટ્રમ્પ કેમ્પેનના સભ્ય કિમ્બરલી ગુલફોયલે આ વીડિયોને ટ્વિટ કર્યો હતો. તેની સાથે જ તેમણે લખ્યું- અમેરિકા અને ભારતની વચ્ચે સારો સંબંધ છે અને અમારા કેમ્પેનને ઈન્ડિયન અમેરિકનોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ટ્રમ્પના પુત્ર જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ વીડિયોને રી-ટ્વિટ કર્યો છે.1.47 મિનિટના વિડિઓને સોશિયલ મીડિયા પર પોસ્ટ થયાના એક કલાકની અંદર જ 66 હજાર લોકોએ જોયો હતો.

(5:47 pm IST)