Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

અમેરિકા સ્‍થિત ‘ગુજરાતી સમાજ ઓફ ટેમ્‍પાબે' આવ્‍યું ગુજરાતની વ્‍હારેઃ મુખ્‍યમંત્રી રિલીફ ફંડમાં ૨૫ હજાર ડોલર અર્પણ કર્યાઃ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ માન્‍યો આભાર : રિલીફ ફંડ ચેક અર્પણ પ્રસંગમાં ‘અકિલા' બન્‍યું માધ્‍યમ

સંસ્‍થાના પ્રમુખશ્રી કેવલ બ્રહ્મભટ્ટ, સોશિયલ સેક્રેટરીશ્રી ભાવિક મોદી, ચેરમેન બોર્ડ ઓફ ગર્વનરશ્રી જીગીશા દેસાઇ અને વાઇસ ચેરમેનશ્રી ડો. જયેન્‍દ્ર ચોક્‍સી ‘અકિલા લાઇવ'માં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ સાથે જોડાયા અને ચેક અર્પણ કર્યોઃ વિખ્‍યાત દિગ્‍દર્શકશ્રી વિરલ રાચ્‍છે કર્યુ લાઇવ કાર્યક્રમનું સંચાલન : માદરે વતનની યાદમાં સોૈના સુખે સુખી, સોૈના દુઃખે દુઃખી એ ભાવનાથી આપ સોૈએ સાથે મળી ૨૫ હજાર ડોલર મોકલ્‍યા છે તે અમારા માટે ઉત્‍સાહવર્ધક અને પ્રોત્‍સાહનવર્ધક છેઃ કોરોનામાંથી આપણે ઝડપથી બહાર આવી જઇશું, કેસ ઘટયા છેઃ વેક્‍સીનેશનની કામગીરી પણ વેગલી બનાવાઇ છેઃ વાવાઝોડામાં નુકસાન થયું છે એમની મદદ પણ સરકાર કરી રહી છેઃ વિદેશમાં રહીને પણ આપ સોૈ ગુજરાતની-ગુજરાતીઓની ચિંતા કરો છો એ માટે પણ આપનો આભારઃ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી : કોવિડ-૧૯ના સમયમાં ‘અકિલા' એક અખબાર તરીકે પોતાનો ધર્મ બજાવતું રહ્યું છે, સાથો સાથ છેલ્લા દોઢ વર્ષથી ડિજીટલ પ્‍લેટફોર્મ પર ગુજરાત્રીના માધ્‍યમથી ગુજરાતીઓને સતત કંઇક નવુ, જુદુ, માર્ગદર્શન ભર્યુ, હૃદયને શાતા આપતું મનોરંજન મળી રહે તેવા પ્રયાસો કર્યા છેઃ આ વખતે ‘અકિલા' એક ઉદાહરણીય કાર્યમાં માધ્‍યમ બન્‍યું છેઃ વિરલ રાચ્‍છ : પ્રમુખશ્રી કેવલ બ્રહ્મભટ્ટે કહ્યું-૧૯૮૧થી ચાલતી ગુજરાતી સમાજ ઓફ ટેમ્‍પાબે સંસ્‍થામાં ૩૦૦૦ સભ્‍યો છેઃ આ સંસ્‍થા નવી પેઢીને ગુજરાતી સંસ્‍કૃતિ સાથે સાંકળી રાખવાનું કામ કરે છે અને જરૂર પડયે ગુજરાતીઓને મદદ પણ કરે છે : અમે દૂર બેસીને માતૃભૂમિ-જન્‍મભૂમિ માટે શું કરી શકીએ? એ વિચાર આવ્‍યો અને ગુજરાતના મુખ્‍યમંત્રી રિલીફ ફંડમાં ૨૫ હજાર ડોલર આપવાનું નક્કી કર્યુઃ ગયા વર્ષે પણ અમે સહાય કરી હતીઃ ચેરમેનશ્રી જીગીશાબેન દેસાઇ : આ કાર્યમાં ‘અકિલા' માધ્‍યમ બન્‍યું તે માટે ‘અકિલા'ના શ્રી નિમીષભાઇ ગણાત્રાનો પણ હૃદયપુર્વક આભાર વ્‍યક્‍ત કરતાં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

 ‘અકિલા ડિજીટલ' માધ્‍યમથી કોરોનાકાળમાં ગુજરાત મુખ્‍યમંત્રીશ્રીના રિલીફ ફંડમાં ૨૫ હજાર ડોલરની સહાય અમેરિકા સ્‍થિત ગુજરાતી સમાજ ઓફ ટેમ્‍પાબે દ્વારા કરવામાં આવી હતી. જેની તસ્‍વીરી ઝલક જોવા મળે છે

રાજકોટ તા. ૨૫: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. બીજી લહેરમાં ગુજરાતની હાલત વધુ ખરાબ છે. એક તરફ કોરોનાનો કકળાટ હતો ત્‍યાં હમણા વાવાઝોડાએ પણ વિનાશ વેર્યો હતો. ગુજરાતીઓને કોરોના કાળમાં વિદેશમાં બેઠા બેઠા ગુજરાતીઓ કઇ રીતે મદદ કરી શકે? એ વિચાર અમેરિકા સ્‍થિત ‘ગુજરાતી સમાજ ઓફ ટેમ્‍પાબે' સંસ્‍થાને આવ્‍યો અને આ સંસ્‍થાએ ગુજરાતના મુખ્‍યમંત્રી રિલીફ ફંડમાં ફુલ નહિ તો ફુલની પાંખડી એ મુજબ વધુ એક વખત સહાય અર્પણ કરી છે, ૨૫ હજાર ડોલરનો ચેક ‘અકિલા'ના માધ્‍યમથી લાઇવ કાર્યક્રમમાં ગુજરાતી સમાજ ઓફ ટેમ્‍પાબેના સુત્રધારોએ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કર્યો હતો. શ્રી રૂપાણીએ સંસ્‍થાના આ ભગીરથ કાર્યને સમસ્‍ત ગુજરાત અને ગુજરાતીઓ વતી બીરદાવી તેમનો હૃદય પુર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ સમગ્ર સેવાકાર્યમાં ‘અકિલા' માધ્‍યમ બન્‍યું હોઇ મુખ્‍યમંત્રીશ્રીએ ‘અકિલા' અને અકિલા ડિજીટલના કર્તાહર્તાશ્રી નિમીષભાઇ ગણાત્રાનો પણ દિલથી આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

સમગ્ર લાઇવ કાર્યક્રમનું સંચાલન વિખ્‍યાત દિગ્‍દર્શકશ્રી વિરલ રાચ્‍છે સંભાળ્‍યું હતું. તેણે કહ્યું હતું કે અકિલાના આંગણે પ્રેરણાત્‍મક ઘટના બનવા જઇ છે. અકિલા માધ્‍યમ બન્‍યું છે એક એવા સત્‍કાર્યનું કે જે ગુજરાતની બહાર નહિ પણ ભારતની બહાર વસેલા સવાયા ગોૈરવવંતા ગુજરાતીઓએ કર્યુ છે. અમેરિકા સ્‍થિત ગુજરાત સમાજ ટેમ્‍પાબેના પ્રમુખશ્રી તેમજ સોશિયલ સેક્રેટરી, ચેરમને અને અને વાઇસ ચેરમન દ્વારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના રિલીફ ફંડમાં કોરોનાકાળમાં સહાય અર્પણ કરવામાં આવી છે. આ સત્‍કાર્યમાં ‘અકિલા' માધ્‍યમ બન્‍યું છે.

 શ્રી વિરલ રાચ્‍છે ‘ગુજરાતી સમાજ ઓફ ટેમ્‍પાબે'ના પ્રમુખ શ્રી કેવલ બ્રહ્મભટ્ટ, સોશિયલ સેક્રેટરીશ્રી ભાવિકભાઇ મોદી, ચેરમેન બોર્ડ ઓફ ગવર્નરશ્રી જીગીશા દેસાઇ અને વાઇસ ચેરમેન બોર્ડ ઓફ ગવર્નરશ્રી ડો. જયેન્‍દ્ર ચોક્‍સીનું ‘અકિલા' લાઇવના પ્‍લેટફોર્મ પર સ્‍વાગત કર્યુ હતું. જન્‍મભૂમિનું ઋણ ઉતારવા ગુજરાતીઓને વિદેશમાં બેઠા બેઠા મદદરૂપ થવા આ સંસ્‍થાએ જે સહાય કરી છે તેમના કાર્યને બીરદાવવા  મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પણ લાઇવ કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં અને દાનની રકમ ડિજીટલી જાહેરાતથી સ્‍વીકારી હતી.

વિરલ રાચ્‍છે આગળ કહ્યું હતું કે કોવિડ-૧૯ના સમયમાં ‘અકિલા' એક અખબાર તરીકે પોતાનો ધર્મ બજાવતું જ રહ્યું છે. પરંતુ  સાથો સાથ છેલ્લા દોઢ વર્ષથી અકિલાના ડિજીટલ પ્‍લેટફોર્મ પર ગુજરાત્રીના માધ્‍યમથી ગુજરાતીઓને સતત  કંઇક નવુ, જુદુ, માર્ગદર્શન ભર્યુ, હૃદયને શાતા આપતું મનોરંજન મળી રહે તેવા પ્રયાસો કર્યા છે. આ વખતે અકિલા એક સેવા કાર્યમાં માધ્‍યમ બન્‍યું છે, જે ઉદાહરીણ છે.

શ્રી રાચ્‍છે આગળ કહ્યું કે યુધ્‍ધના સમયમાં માણસના અંદરની સોૈથી ખરાબ અને સોૈથી શ્રેષ્‍ઠ બંને બાજુઓ બહાર આવતી હોય છે. જ્‍યારે ખરાબ સમય હોય ત્‍યારે જ માણસના મુળ સંસ્‍કારની ખબર પડતી હોય છે. આવો સમય ચાલી રહ્યો છે ત્‍યારે આપણામાંના સુસંકૃત લોકો, બીજાને મદદરૂપ થવા તત્‍પર હોય તેવા સેવાભાવી લોકોનું પોત અત્‍યારે જ બહાર આવે છે. સમગ્ર વિશ્વ લડી રહ્યું છે અને ગુજરાત વિશેષ પણે કોવિડ સામે લડી રહ્યું છે. ત્‍યારે ગુજરાતી સમાજ ઓફ ટેમ્‍પાબેના મેમ્‍બર્સ ભેગા થઇને ગુજરાતી હોવાના ભાગ રૂપે સીએમ રિલીફ ફંડ કોવિડમાં માતબર રકમ અર્પણ કરી રહ્યા છે તે અભિનંદનીય છે.

ગુજરાતી સમાજ ઓફ ટેમ્‍પાબેના પ્રમુખશ્રી કેવલ બ્રહ્મભટ્ટે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર વ્‍યક્‍ત કરતાં કહ્યું હતું કે- ગુજરાતી સમાજ ઓફ ટેમ્‍પાબે સંસ્‍થા ૧૯૮૧થી અહિ  ચાલે છે. ૩૦૦૦ જેટલા સભ્‍યો છે અને પારિવારીક સભ્‍યો પણ સામેલ છે. નોનપ્રોફીટ ઓર્ગેનાઇઝેશન અમેરિકન કાયદા મુજબ ચાલતી ટેમ્‍પાબે સંસ્‍થા ખુબ મોટી છે. આ સંસ્‍થા અહિની ગુજરાતી જનરેશનને  દિવાળી, ઉતરાયણ, હોળી, નવરાત્રી સહિતના કાર્યક્રમો આપીને ગુજરાતી સંસ્‍કૃતિ સાથે જોડી રાખવાનું-સાંકળી રાખવાનું કામ પણ કરે છે. તો સાથો સાથ ગુજરાતીઓને ખાસ સમયે મદદરૂપ પણ થાય છે. આ વખતે કોરોનાની બીજી લહેરમાં પણ સહાય કરવા પ્રેરીત થયા છીએ. જે આપ મુખ્‍યમંત્રીશ્રી સહર્ષ સ્‍વીકારો એવી અમારી દિલથી લાગણી છે.

એ પછી ગુજરાતી સમાજ ટેમ્‍પાબે બોર્ડ ઓફ ગર્વનર ચેરમેનશ્રી જીગીશાબેન દેસાઇએ જણાવ્‍યું હતું કે-આ ગુજરાતી સમાજે કોવિડ-૧૯ના કાળમાં શક્‍ય એટલી તમામ મદદ ગુજરાતીઓને કરી છે. ગયા વષે મે-જુન ૨૦૨૦માં આખી દુનિયા ત્રસ્‍ત હતી ત્‍યારે આ સંસ્‍થાએ ૨૦ હજાર ડોલર  લોકલ તથા ભારતમાં સીએમ રિલીફ ફંડમાં ડોનેટ કર્યા હતાં.  કોરોનાની બીજી વેવમાં બીજા વેવમાં અમારાથી અમારી માતૃભુમિ માટે આટલા દૂર રહી શું કરી શકાય? એ વિચાર્યા બાદ અમે ગુજરાતી સમાજ ઓફ ટેમ્‍પાબેએ જન્‍મભૂમિ ગુજરાતને ગુજરાત સીએમ રિલીફ ફંડમાં ૨૫ હજાર ડોલર અર્પણ કરીએ છીએ જેને આપ સ્‍વીકૃત કરો એવી વિનંતી છે.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતી સમાજ ટેમ્‍પાબેનો હૃદયપુર્વક આભાર વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે  ટેમ્‍પાબે સમાજના પ્રેસિડેન્‍ટશ્રી કેવલ બ્રહ્મભટ્ટ, સોશિયલ સેક્રેટરીશ્રી ભાવીકભાઇ મોદી, ચેરમેન બોર્ડ ઓફ ગર્વનરશ્રી જીગીશાબેન દેસાઇ તથા વાઇસ ચેરમેન ડો. જયેન્‍દ્ર ચોક્‍સી અને સમગ્ર ગુજરાતી સમાજ ટેમ્‍પાબેનો હું આભારી છું. જે લોકો વર્ષોથી અમેરિકામાં ટેમ્‍પાબે-ફલોરિડામાં વસીને ગુજરાત અને ભારતનું નામ ઉજ્જવળ કરી રહ્યા છે. તેમણે પોતાની કારકિર્દી પણ ડેવલપ કરી છે. આપ સોૈએ માતૃભૂમિ અને જન્‍મભૂમિને યાદ કરી આપત્તીના કાળમાં ૨૫ હજાર ડોલર  કોરોના સંક્રમિત લોકો માટે મોકલ્‍યા છે એ  માટે ગુજરાતની જનતા વતી હું ખુબ ખુબ આભાર માનુ છું.

ગુજરાતમાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી મુખ્‍યમંત્રી હતાં ત્‍યારથી તેમણે ગુજરાતને સજાવ્‍યું છે, વિકસીત કર્યુ છે. કોરોના કાળમાં આ બધી સુવિધાઓ કામ લાગી છે. કોરોનાના ૭ લાખથી વધુ દર્દીઓ સવા વર્ષથી નોંધાયા છે. લગભગ ૯૫ ટકાથી વધુ લોકો સાજા પણ થયા છે. પહેલી બીજી લહેરમાં સાંગોપાંગ પાર પડયા છીએ. બીજી વેવ વખતે ૧૪૬૦૦ કેસ ૨૦મી એપ્રિલે હાઇએસ્‍ટ હતાં. આજે સીધા ઘટીને ૩૨૦૦ કેસ છે. કોરોના પર કાબૂ લઇ રહ્યા છે. વેક્‍સીનેશન ડ્રાઇવ પણ મોટા પાયે ચાલી રહી છે. ૧૮ થી ૪૫ વર્ષના લોકો માટે વેક્‍સીનેશન ચાલે છે. હવેથી દરરોજ ૧ લાખથી વધુ ૧૮ થી ૪૫નાને વેક્‍સીન આપવાનું શરૂ થયું છે.  વેક્‍સીનેશન વધુમાં વધુ થાય અને કોરોનામાંથી ઝડપથી બહાર નીકળીએ એ માટે પ્રયાસ છે.

કોરોનાની વચ્‍ચે આવેલું વાવાઝોડુ  પણ ભયંકર હતું. પરંતુ આગોતરૂ આયોજન પ્‍લાનીંગ કર્યુ એ કારણે મોટી દૂર્ઘટના કે જાનહાની ન થઇ. ખેતીવાડી મકાનોને નુકસાન થયું છે તેના માટે સરકાર તમામ વ્‍યવસ્‍થા કરી રહી છે. ઝડપથી કામગીરી ચાલી રહી છે. સહાય  પેકેજ પણ આપવાની કાર્યવાહી શરૂ થઇ રહી છે. એક કપરા કાળમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ. ત્‍યારે માદરે વતનની યાદમાં સોૈના સુખે સુખી, સોૈના દુઃખે દુઃખી એ ભાવનાથી આપ સોૈએ સાથે મળી ૨૫ હજાર ડોલર મોકલ્‍યા છે તે અમારા માટે ઉત્‍સાહવર્ધક અને પ્રોત્‍સાહનવર્ધક છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ અંતમાં કહ્યું હતું કે-આ કાર્યક્રમમાં ‘અકિલા'ના શ્રી નિમિષભાઇ ગણાત્રા નિમિત બન્‍યા છે એ માટે હું એમનો પણ હૃદયથી આભાર માનુ છું. આપ સોૈ ગુજરાતની ચિંતા કરો છો, કરતાં રહેશો એવી મને શ્રધ્‍ધા છે.

અંતમાં શ્રી વિરલ રાચછે આભારવિધી કરતાં કહ્યું હતું કે- મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આપના નેતૃત્‍વમાં ગુજરાત ચોક્કસપણે આપત્તિમાંથી ઝડપથી બહાર આવશે. આપે દોર સંભાળી લીધો છે. આપના જેવા કર્મઠ અને વિચારશીલ મુખ્‍યમંત્રી ગુજરાતને મળ્‍યા છે. સોૈને તમારામાં શ્રધ્‍ધા છે. ગુજરાતી સમાજ ટેમ્‍પાબે દ્વારા જે કાર્ય થયું છે એ ખુબ સારુ છું. આખા સંસારને પોતાનું કુટુંબ સમજી આ લોકોએ ત્‍યાં બેસી ગુજરાતની ચિંતા કરી છે. આ બદલ હું ‘અકિલા' વતી સોૈનો આભાર માનુ છું. ‘અકિલા' આવા દરેક કાર્યમાં હમેંશા કાર્યરત રહેવા તત્‍પર હોય જ છે. ‘અકિલા' વતી ભાવકો, ચાહકો વતી સોૈનો આભાર અને જય જય ગરવી ગુજરાત...વંદે માતરમ. 

(7:14 pm IST)