Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

સમલૈંગિક લગ્નને માન્યતા આપવા ઇન્ડિયન અમેરિકન દંપતીની દિલ્હી હાઇકોર્ટમાં અરજી : ભારત સરકારના એટર્નીએ સતત ત્રીજી વખત મુદત માંગી : નામદાર કોર્ટે મુદત આપતા 24 મે ના રોજની સુનાવણી પાછી ઠેલાઇ

ન્યુદિલ્હી : સમલૈંગિક લગ્નને માન્યતા આપવા ઇન્ડિયન અમેરિકન દંપતીએ દિલ્હી હાઇકોર્ટમાં પૂર્વ આયોજિત અરજી કરી છે. જેમાં ભારત સરકારના એટર્નીએ વધુ તૈયારી માટે સતત ત્રીજી વખત મુદત માંગી  હતી. આ કેસની સુનાવણી 24 મે ના રોજ થવાની હતી .પરંતુ નામદાર કોર્ટે મુદત મંજુર કરતા હવે સુનાવણી પાછી ઠેલાઇ છે.

અરજદારો પરાગ મહેતા અને વૈભવ જૈન યુ.એસ.થી કાર્યવાહી વર્ચ્યુઅલ રીતે નિહાળતાં હતા. નવી દિલ્હીમાં રહેતા જૈનના માતાપિતા અને ટેક્સાસમાં રહેતા મહેતાના માતા-પિતા પણ તેમના પુત્રોને ટેકો આપવા માટે સુનાવણી વર્ચ્યઅલ જોઈ રહ્યા હતા.

માસ્ટરકાર્ડના સીનીઅર વાઇસ પ્રેસિડન્ટ  મહેતાએ જણાવ્યું હતું કે, અમે ભારત સરકાર  પાસે નવો કાયદો માંગતા નથી, પરંતુ પહેલાથી અસ્તિત્વમાં છે તેવા કાયદાને લાગુ કરવા કહી રહ્યા છીએ. “ભારતીય બંધારણમાં જાતિના આધારે ભેદભાવ પર પ્રતિબંધ છે. અમે ભારત સરકારને આ કાયદાઓનો ખરા અર્થમાં  અર્થઘટન કરવા કહી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 377, કે જેમાં સમલૈંગિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો હતો, તેને વર્ષ 2018 માં દૂર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ, યુ.એસ. સહિતના 29 દેશોમાં માન્યતા ધરાવતા સમલૈંગિક લગ્નને ભારતે હજી માન્યતા આપી નથી.

મહેતા અને જૈન 1969 ના ભારતના વિદેશી લગ્ન અધિનિયમ હેઠળ તેમના લગ્નની કાનૂની માન્યતા મેળવવા માંગે છે. વિદેશી લગ્ન અધિનિયમ, વિદેશી લગ્ન કરનાર ભારતીય નાગરિકોને તેમના લગ્નને કોન્સ્યુલર અધિકારી દ્વારા પ્રમાણિત કરવાની મંજૂરી આપે છે, જેથી જીવનસાથી કાયદાકીય રીતે સ્વાસ્થ્ય નિર્દેશોમાં, વારસો અને સમાન બાબતોમાં ભાગ લઈ શકે . જૈને કહ્યું, “હું પરાગનો કાયદાકીય પતિ છું તે બાબત સાબિત કરવાની જરૂર છે જેથી હું તેના વતી નિર્ણય લઈ શકું.
પરંતુ કોન્સ્યુલ ઓફિસરે લગ્ન માન્ય કરવાની ના પાડી હતી. અને જણાવ્યું હતું કે અમે ભારતના કાયદાનું પાલન કરી રહ્યા છીએ, જે સમલૈંગિક લગ્નને માન્યતા આપતો  નથી.

ઉલ્લેખનીય છે કે સજાતીય દંપતીએ માર્ચ 2019 માં જૈન પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. ”તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:18 pm IST)