Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

યુવાને દેણું ઉતારવા ૩૬ કિલો ચાંદીની ચોરીનું તૂત રચ્‍યું

અલગ અલગ વેપારીઓ પાસેથી દાગીના બનાવવા લીધેલી લાખોની ચાંદી ચાંઉ કરી કરજ ઉતારવાનો પ્‍લાન થોરાળા પોલીસે ઉંધો વાળ્‍યોચુનારાવાડમાં રહેતાં ઇમિટેશનના ધંધાર્થી અમિત રાઠોડને કોરોના કાળમાં ધંધો ચાલ્‍યો ન હોઇ દેણામાં આવી ગયો હતોઃ ઇન્‍ચાર્જ જી.એસ.ગઢવી અને ટીમે ભેદ ઉકેલ્‍યોઃ ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમ પણ દોડી ગઇ હતી:અગાઉ એક યુવાને મકાનના રૂપિયા ભરવા માટે લાખોની લૂંટની ખોટી સ્‍ટોરી ઘડી હતી

ચુનારાવાડ શેરી નં. ૧માં રહેતાં અમિત રાઠોડ નામના યુવાને પોતાના ઘરના ઉપરના માળે દરવાજો તોડી આશરે અઢારથી વીસ  લાખની ૩૬ કિલો ચાંદી ચોરાઇ ગયાની પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. જ્‍યાં ચોરી થયાનું કહેવાયું હતું તે સ્‍થળ અને તૂટેલો દરવાજો તથા ચોરીની ખોટી સ્‍ટોરી ઉભી કરનાર અમિત રાઠોડ નામનો યુવાન જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૧૦)

રાજકોટ તા. ૨૮: શહેરમાં થોડા સમય પહેલા એક યુવાને ભરબપોરે મિલપરામાં પોતાના પર હુમલો કરી રોકડની લૂંટ કરવામાં આવ્‍યાની વાત જાહેર કરી હતી. પરંતુ ભક્‍તિનગર પોલીસની તપાસમાં ગણતરીના સમયમાં જ આ વાત ખોટી હોવાનું અને મકાનના પૈસા ચુકવી શકાયા ન હોઇ એ યુવાને લૂંટની ખોટી કહાની ઘડી કાઢયાનું ખુલ્‍યું હતું. ત્‍યાં આજે બીજી એક આવી ઘટના બની છે. જેમાં ચુનારાવાડમાં રહેતાં ઇમિટેશનના ધંધાર્થી યુવાને પોતાના ઘરના ઉપરના માળેથી આશરે અઢારથી વીસ લાખની કિંમતની ૩૬ કિલો ચાંદી ચોરાઇ ગયાની જાણ પોલીસને કરતાં થોરાળા પોલીસે દોડધામ શરૂ કરી હતી. જો કે ગણતરીના કલાકોમાં જ આ ઘટના ખોટી હોવાનું સ્‍પષ્‍ટ થઇ ગયું હતું અને ઇમિટેશનના ધંધાર્થી યુવાને લાખોનું દેણું ઉતારવા વેપારીઓની ચાંદી બારોબાર ખાઇ જવાં ચોરી થયાનું તૂત રચ્‍યાનું ખુલ્‍યું હતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ચુનારાવાડ શેરી નં. ૧માં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં અમિત રમેશભાઇ રાઠોડ નામના યુવાને પોલીસમાં જાણ કરી હતી કે પોતાના મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં પોતે ઇમિટેશન અને ચાંદીનું કામ કરે છે. રાત્રીના સમયે પોતે અને પરિવારજનો નીચેના રૂમમાં સુતા હતાં ત્‍યારે ઉપરના રૂમનો દરવાજો તોડી તસ્‍કરો આશરે ૩૬ કિલો ચાંદી ચોરી ગયા છે.

ચોરીના બનાવની જાણ થતાં જ થોરાળાના ઇન્‍ચાર્જ જી. એસ. ગઢવી અને ડી. સ્‍ટાફની ટીમે પહોંચી તપાસ શરૂ કરી હતી. લાખોની ચોરી જાહેર થઇ હોઇ ક્રાઇમ બ્રાંચ અને એલસીબીની ટીમ પણ પહોંચી હતી. જો કે એ પહેલા જ થોરાળાના ઇન્‍ચાર્જ જી. એસ. ગઢવી અને તેમની ટીમોએ ચોરીની ઘટનામાં મહત્‍વની કડી શોધી કાઢી હતી. તેના કારણે સ્‍પષ્‍ટ થયું હતું કે ખરેખર કોઇ ચોરી થઇ જ નહોતી. ચોરીની જાહેરાત કરનાર અમિત રાઠોડે જ દેણું ઉતારવા લાખોની ચાંદી ચોરાઇ ગયાની ખોટી સ્‍ટોરી ઘડી કાઢયાનું ખુલ્‍યું હતું.

અમિત પંદરેક વર્ષથી ઇમિટેશનનું અને ચાંદીના દાગીનાનું કામ ઘરે બેઠા કરે છે. કોરોના કાળમાં કામમાં મંદી આવી હોઇ તેના કારણે તેણે અલગ અલગ ચાર પાંચ વેપારીઓને નાણા ચુકવવાના રહી ગયા હતાં. લાખોના દેણામાં આવી ગયો હોઇ અમિતે એક પ્‍લાન ઘડયો હતો. તે મુજબ તેણે અલગ અલગ ચાર-પાંચ વેપારીઓ પાસેથી મળી આશરે ૩૬ કિલો ચાંદી એકઠી કરી હતી. જેમાંથી દાગીના બનાવીને પરત આપવાના હતાં. પરંતુ આટલી ચાંદી ભેગી થઇ ગયા બાદ પ્‍લાન મુજબ અમિતે આજે સવારે પોલીસને જાણ કરી હતી કે તેના ઘરમાં ઉપરના માળે દરવાજો તોડીને તસ્‍કરો છત્રીસ કિલો ચાંદી ચોરી ગયા છે.

પોલીસે ઘટના સ્‍થળે નિરીક્ષણ કરતાં અનેક બાબતો શંકાસ્‍પદ જણાઇ હતી. જી. એસ. ગઢવી અને ટીમની પુછતાછમાં ખુદ ફરિયાદી અમિત જ શંકાના દાયરામાં આવી જતાં તેની વિશીષ્‍ટ ઢબની પુછતાછ શરૂ કરવામાં આવતાં જ તેણે કોઇ ચોરી નહિ થયાનું અને ચાંદી પોતાની પાસે જ હોવાનું કબુલી લીધુ હતું. અમિતે ચાંદી મિત્ર કે પરિચીત પાસે મુક્‍યું હોઇ તે કબ્‍જે કરવા તજવીજ કરવામાં આવી હતી. લાખોની ચોરીની વાતે પ્રારંભે પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પણ તપાસને અંતે ઘટના એક નર્યુ તૂત હોવાનું સ્‍પષ્‍ટ થતાં પોલીસે રાહતનો દમ લીધો હતો.

પોલીસ કમિશનર, સંયુક્‍ત પોલીસ કમિશનર, ડીસીપી, એસીપીની રાહબરીમાં થોરાળા પોલીસના જી. એસ. ગઢવી, એએસઆઇ જે. પી. નિમાવત, હેડકોન્‍સ. વી. બી. ધાણજા, ધીરૂભાઇ અઘેરા, નરસંગભાઇ ગઢવી, કિરણભાઇ પરમાર, વિક્રમભાઇ લોખીલ, જયદિપભાઇ ધોળકીયા, પ્રદ્યુમનસિંહ ઝાલા, રમેશભાઇ માલકીયા, નરેશભાઇ ચાવડા સહિતની ટીમે ભેદ ઉકેલ્‍યો હતો. ચોરીની ખોટી સ્‍ટોરી ઘડનારા અને તેમાં મદદરૂપ થનારા સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

(3:26 pm IST)