Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

બાબરાના હમીરભાઇ સુસરાનું ઉજ્જૈન મહાકાલ મંદિર નજીક કારમાં જ બેભાન થઇ જતાં મૃત્‍યુ

અગાઉ રાજકોટ મવડી ચોકડીએ રહી માહી હોટેલ ચલાવતાં અને સાથે જમીન-મકાનનું કામ કરતા હતાં :આશ્રમના મહંત અને સેવકો સાથે ૨૫મીએ બાબરાથી ઉજ્‍જ્‍ૈન હવનમાં ભાગ લેવા ગયા ત્‍યારે બનાવઃ મહંતને ઉતારી નરસિંહ ઘાટ પર ગાડી પાર્ક કરવા ગયા ત્‍યારે કારમાં જ શ્વાસ થંભી ગયાનું નાના ભાઇએ જણાવ્‍યું: રાજકોટ-બાબરાથી પરિવારજનો ઉજ્જૈન પહોંચ્‍યા : મૃતક પાંચ ભાઇમાં ત્રીજા હતાં: એક ભાઇ એડવોકેટ અને એક ભાઇ રાજકોટ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છેઃ પુત્ર પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૨૮: માણસની જિંદગીની સફરનો અંત ક્‍યારે અને કેવી રીતે તેમજ કયા સ્‍થળે આવી જાય તે નક્કી હોતું નથી. અગાઉ રાજકોટ રહેતાં અને હાલ મુળ વતન બાબરામાં સ્‍થાયી થયેલા માલધારી આધેડ હમીરભાઇ રાજાભાઇ સુસરા (ઉ.વ.૪૫) મધ્‍યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિર નજીક નરસિંહ ઘાટ ખાતે કારમાં બેઠા બેઠા બેભાન થઇ જતાં મૃત્‍યુ નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. પીછવાડા આશ્રમના મહંત અને સેવકો સાથે  ઉજ્જૈન હવન કરવા માટે ત્રણ દિવસ પહેલા તેઓ બાબરાથી નીકળ્‍યા હતાં. ત્‍યાં પહોંચ્‍યા બાદ આ ઘટના બની હતી.

ઉજ્જૈનમાં શ્રી મહાકાલ મંદિરથી અંદાજે ૮૦૦ મીટર દૂર નરસિંહ ઘાટ આવેલો છે. જ્‍યાં પોલીસને એક બીનવારસી પાર્ક કરેલી કાર મળી આવી હતી. ચેક કરતા અંદર એક આધેડનો મૃતદેહ જોવા મળ્‍યો હતો. જીજે૦૩એલઆર-૯૧૮૯ નંબરની કાર ગુજરાત પાસીંગની હોઇ મહાકાલ ચોકીના સ્‍ટાફે વિશેષ તપાસ શરૂ કરી હતી. મૃતક પાસેથી મળેલા મોબાઇલ  ફોનને આધારે પોલીસે અલગ અલગ નંબરો પર કોન્‍ટેક્‍ટ કરતાં મૃતકની ઓળખ થઇ હતી. આ આધેડ અગાઉ મવડી ચોકડી રાધે હોટેલ પાછળ કિશન પાર્કમાં રહેતાં અને મવડી ચોકડીએ જ માહી હોટેલ ચલાવતાં તેમજ હાલમાં ચારેક મહિનાથી મુળ વતન બાબરામાં સ્‍થાયી થઇ ગયેલા હમીરભાઇ રાજાભાઇ સુસરા (ઉ.વ.૪૫) હોવાનું ખુલ્‍યું હતું.

ઉજ્જૈન પોલીસે જાણ કરતાં રાજકોટ, બાબરાથી હમીરભાઇના સ્‍વજનો, ભાઇઓ ત્‍યાં જવા નીકળ્‍યા હતાં. આજે ત્‍યાંથી મૃતદેહ લઇ રવાના થઇ બાબરાના નાની કુંડળ ગામે વતનમાં પહોંચી અંતિમવિધી કરવામાં આવશે. મૃત્‍યુ પામનાર હમીરભાઇ સુસરા રાજકોટમાં રહેતાં ત્‍યારે હોટેલ ચલાવવા સાથે જમીન મકાનનું કામ પણ કરતાં હતાં. તેમના એક ભાઇ વકિલ છે અને એક ભાઇ લખનભાઇ સુસરા રાજકોટ ટ્રાફિક બ્રાંચમાં હેડકોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવે છે. મુકેશભાઇ, વશરામભાઇ, હમીરભાઇ, હરિભાઇ અને લખનભાઇ એમ પાંચ ભાઇમાં હમીરભાઇ ત્રીજા નંબરે હતાં. તેમના ભાઇ લખનભાઇ સુસરાએ જણાવ્‍યું હતું કે ૨૫મીએ હમીરભાઇ પીછવારા આશ્રમના મહંત અને સેવકો સાથે અલગ અલગ બે કારમાં ઉજ્જૈન ધાર્મિક કામ-હવનના કામે જવા બાબરાથી નીકળ્‍યા હતાં.

મોડી રાતે અથવા વહેલી સવારે ત્‍યાં પહોંચ્‍યા બાદ મહંતને આશ્રમે ઉતારી હમીરભાઇ મહાકાલ મંદિર નજીક નરસિંહ ઘાટ પર કાર પાર્ક કરવા ગયા હતાં અને બાદમાં ત્‍યાં જ કદાચ ઉંઘી ગયા હતાં અને હાર્ટએટેક આવી જતાં કારમાં જ મૃત્‍યુ થયું હતું. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:23 pm IST)