Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

નિવૃત એસટી કર્મચારીની લાખોની જમીનમાં ઘુસી ૧૨ ઓરડી અને વોટર પ્‍લાન્‍ટ બનાવી લેવાયાઃ ખાલી કરવા ૨૦ લાખ મંગાયા!

રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે તુલસી બાગ નજીક હરિનગરના પ્‍લોટમાં ૨૦૦૬માં શખ્‍સો ઘુસી ગયા'તાઃ લેન્‍ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો : કલેક્‍ટરમાં અરજી થતાં પાંચ ઘુસણખોરો જગ્‍યા છોડી ગયાઃ બાકીના ચાર જણા સિંધા સભાડ, અમરા, ગીતા અને રવિ ઉર્ફ વાંકાએ જગ્‍યા ખાલી કરવાના ૮ લાખ માંગી ધમકી દીધીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી બેને સકંજામાં લીધા : મવડીમાં આવેલી કિશોરભાઇ પરમારની લાખોની જમીન ચાર ઓરડી, બે મકાન બની ગયાઃ મિલન ઉર્ફ લાલો, ધનજી મકવાણા અને બાવા બાંભવા વિરૂધ્‍ધ તાલુકા પોલીસમાં ફરિયાદ : ત્રીજા કિસ્‍સામાં મધુવન સોસાયટીનો સાર્વજનિક પ્‍લોટ પચાવી પાડનારા બે ભાઇઓને માલવીયાનગર પોલીસે પકડયા

રાજકોટ તા. ૨૮: પારકી જમીનમાં ઘુસણખોરી કરી માથે જતાં જગ્‍યા ખાલી કરવાના રૂપિયા માંગી મારી નાખવાની ધમકી આપવાના કિસ્‍સામાં વધુ એક બનાવ ઉમેરાયો છે. એસટીના નિવૃત કર્મચારી વૃધ્‍ધ અને તેમના પરિવારની માલિકીનો કિંમતી પ્‍લોટ રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે હરિનગરમાં આવેલો છે. આ પ્‍લોટમાં ૯ જેટલા ભરવાડ શખ્‍સોએ તાર ફેન્‍સીંગ તોડી ઘુસણખોરી કરી ૧૨ ઓરડીઓ બનાવી મીનરલ વોટર પ્‍લાન્‍ટ ચાલુ કરી દીધો હતો. કલેક્‍ટરમાં અરજી કરતાં અને પોલીસ તપાસ શરૂ થતાં પાંચ જણા પ્‍લોટ ખાલી કરી ભાગી ગયા હતાં. બાકીના એક પરિવારના ચાર લોકો પ્‍લોટ ખાલી કરવાના ૮ લાખ માંગી ધમકી આપતાં હોઇ ફરિયાદ નોંધાવાઇ છે. લેન્‍ડગ્રેબીંગના અન્‍ય બે બનાવોમાં પણ મવડીમાં લાખોની જમીન અને લક્ષ્મીનગર પાસે મધુરમ સોસાયટીમાં સાર્વજનિક પ્‍લોટમાં ઘુસણખોરી થયાની ફરિયાદ દાખલ થઇ છે.

કલેક્‍ટરને અગાઉ થયેલી અરજી સંદર્ભે ગુનો નોંધવા આદેશ થતાં આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ ૧૫૦ રીંગ રોડ પર મોદી સ્‍કૂલ પાછળ જ્ઞાનજીવન સોસાયટી-૪માં રહેતાં રહેણાંક ધરાવતાં તેમજ હાલમાં ગોકુલ મથુરા પાછળ યોગરાજનગરમાં રહેતાં તથા નિવૃત જીવન જીવતાં દિપકગીરી કિશોરગીરી ગોસ્‍વામી (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે તુલસી બાગ સામે હરિનગર મેઇન રોડ પર રહેતાં સિંધા બાથાભાઇ સભાડ, અમરા સિંધાભાઇ સભાડ, ગીતાબેન અમરા સભાડ અને અમરાના મોટા દિકરા રવિ ઉર્ફ વાંકો વિરૂધ્‍ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદા હેઠળ ગુનો નોંધ્‍યો છે.

દિપકગીરીએ જણાવ્‍યું છે કે હું એસટી વિભાગમાં પ્‍યુન તરીકે ૩૧/૧૦/૨૦૧૮ના નિવૃત થયો છું. મેં અગાઉ ૨૦૨૧માં કલેક્‍ટરને લેન્‍ડગ્રેબીંગ અંગે અરજી આપી હતી. તેમજ એસીપી પમિ વિભાગની કચેરીને પણ ઓનલાઇન અરજી અપાઇ હતી. આ ઉપરાંત મારા બહેન જ્‍યોતિબેન રસિકપુરી ગોસાઇ અને પુત્ર સંદિપગીરી દિપકગીરી ગોસાઇએ પણ અરજીઓ આપી હતી. અમારાો પ્‍લોટ રેવન્‍યુ સર્વે નં. ૮૨/૧માં રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે તુલસી બાગ નજીક હરિનગરમાં છે. આ પ્‍લોટની તાર-ફેન્‍સીંગ રાણા ધોળકીયા, હનુ ધોળકીયા, બચુ  સાટીયા, વાઘા સાટીયા, સિંધા સભાડ, કિરીટ મીર સહિતે કાઢી નાંખી તેમાં ૧૨ ઓરડીઓ બનાવી લીધી હતી અને મિનરલ વોટરનો પ્‍લાન્‍ટ ચાલુ કરી દઇ અમારા પ્‍લોટમાં કબ્‍જો કરી પચાવી પાડયો હતો.

મેં આ પ્‍લોટ ૨૦૦૫માં દિલીપભાઇ જેશંકર ઉપાધ્‍યાય (રહે. ગોંડલ અંબિકાનગર) પાસેથી ખરીદ કર્યો હતો. જેમાં મારી સાથે  રસિકપુરી ગોસાઇ અને મુકતાગોૈરી ગોસ્‍વામી ભાગીદાર હતાં. દસ્‍તાવેજ ૩૨-કમાં જતાં નિયમ અનુસાર સ્‍ટેમ્‍પ ડયુટી ભરી દસ્‍તાવેજ પણ કરાવ્‍યો હતો. એ પછી સબ પ્‍લોટ પણ ભરતકુમાર ઉપાધ્‍યા પાસેથી મારા નાના ભાઇ સુરેશગીરી ગોસ્‍વામી તથા દિકરા સંદિપગીરી ગોસ્‍વામીએ સંયુક્‍તમાં ખરીદ કર્યો હતો. તેમજ અન્‍ય એક પ્‍લોટ હીમાંશુભાઇ ઉપાધ્‍યાય પાસેથી મારા નાના ભાઇના દિકરા રાકેશગીરી અને મોટા બહેન જ્‍યોતિબેન ગોસાઇએ સંયુક્‍તમાં ખરીદ કર્યો હતો. તેનો દસ્‍તાવેજ પણ કરાવ્‍યો હતો. આમ આખો પ્‍લોટ અમારા પરિવારનો છે. આ પ્‍લોટ ફરથી ૨૦૦૫માં અમે તાર ફેન્‍સીંગ કરી લીધી હતી. એ પછી ચાર પાંચ મહિના સુધી અમે ત્‍યાં ગયા નહોતાં.

ત્‍યારબાદ અમારા પ્‍લોટે આટો મારવા જતાં ત્‍યાં રાણા ધોળકીયા, હનુ ધોળકીયા, બચુ સાટીયા, વાઘા સાટીયા, સિંધા સભાડ અને કિરીટ મીરે તાર ફેન્‍સીંગ ઉખેડી નાખી અમારી માલિકીના પ્‍લોટમાં ત્રણ ઓરડી બનાવી લીધાનું જણાયું હતું. તેમજ વધુ એક ઓરડીનું ચણતર કામ ચાલુ હતું. અમે તેને આ પ્‍લોટ અમારો છે, તમે શા માટે ઓરડી બનાવો છો? તેમ કહેતાં તેણે અમે પછી ઓરડી કાઢી નાખશું તેમ કહ્યું હતું. ત્‍યારબાદ બે ત્રણ મહિના પછી અમે જતાં ત્‍યાં ૧૨ કાચી ઓરડીઓ બનાવી લેવાઇ હતી. અમે ઓરડીઓ હટાવવાનું કહેતાં આ શખ્‍સોએ ઓરડીઓ હવે હટશે નહિ તમારો પ્‍લોટ જોઇતો હોય તો ૨૦ લાખ આપવા પડશે તેમ કહેતાં મેં અને મારા બનેવી રસિકપુરીએતેને સમજાવતાં બધાએ ભેગા થઇ જેમ તેમ બોલવાનું ચાલુ કર્યુ હતું અને અંદરો અંદર વાતો કરતાં હતાં કે આને અંદર લઇ લ્‍યો અને ટાંટીયા ભાંગી નાખો જેથી બીજીવાર આવે જ નહિ.

આ લોકો માથાભારે હોઇ અને હું નોકરીયાત હોઉ ઝઘડો કરવો ન હોઇ અમે ત્‍યાંથી નીકળી ગયા હતાં. એ પછી બે ત્રણ વખત સિંધા સભાડ સાથે વાત કરતાં તેણે પણ રૂપિયા દેવા પડશે નહિતર પ્‍લોટ ભુલી જાજો તેમ કહી દીધુ હતું. આ લોકો આધાર પુરાવા વગર અમારા પ્‍લોટમાં ઘુસી ગયા હોઇ અમે કલેક્‍ટર કચેરીમાં લેન્‍ડગ્રેબીંગની અરજી કરી હતી. ત્‍યારપછી રાણા ધોળકીયા, હનુ ધોળકીયા, બચુ સાટીયા, વાઘા સાટીયા અને કિરીટ મીરે અમારા પ્‍લોટને ખાલી કરી દીધો હતો. સિંધા સભાડ, તેનો દિકરો અમરા સભાડ અને તેના પરિવારજનો હજુ પણ રહેતાં હોઇ અને પ્‍લોટ ખાલી કરવા માટે ૮ લાખ માંગ્‍યા હતાં.

પાંચ લોકોએ અમારો પ્‍લોટ ખાલી કર્યો હોઇ તેના ફરતે અમે ફોલ્‍ડીંગ દિવાલ બનાવવાનું ચાલુ કરતાં આ કામ પણ સિંધા અને તેના દિકરા અમરા, પત્‍નિ ગીતા અને મોટા દિકરા રવિએ અટકાવી માથાકુટ કરતાં મેં પોલીસ બાોલવીશ તેમ કહેતાં આ લોકોએ અમારા મકાનની એક ઇંટ કે નળીયું તુટશે તો જીવતા નહિ રહેવા દઇએ તેમ કહી ધમકી આપી હતી તેમજ ગાળો દઇ રૂપિયા વગર આવતો જ નહિ તેવું કહ્યું હતું. આ પછી મેં વધુ એક વખત કલેક્‍ટરને અરજી કરી હતી. તેના આધારે પોલીસે બોલાવી ગુનો નોંધ્‍યો છે. તેમ વધુમાં દિપકગીરીએ જણાવતાં પીઆઇ એ. બી. જાડેજા, લક્ષમણભાઇ, બ્રિજરાજસિંહ સહિતે ગુનો નોંધી બે શખ્‍સને પુછતાછ માટે ઉઠાવ્‍યા છે.

બીજા એક બનાવમાં કાલાવડ રોડ રોયલ પેલેસ બિલ્‍ડીંગમાં રહેતાં અને ફેબ્રીકેશનનું કામ કરતાં કિશોરભાઇ દુર્લભજીભાઇ પરમાર (ઉ.વ.૬૦)ની મવડી રેવન્‍યુ સર્વેમાં આવેલી લાખોની કિંમતની જમીન મિલન ઉર્ફ લાલા કિશોર મુંધવા, ધનજી કુરજી મકવાણા અને બાવા વાછાભાઇ બાંભવાએ પચાવી પાડયાનો ગુનો તાલુકા પોલીસમાં દાખલ થયો છે.

કિશોરભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેમનું મુળ વતન કોલકત્તા  હોવાથી તેઓ રાજકોટ કોલકત્તા વચ્‍ચે આવ જા કરતાં રહે છે. તેમની માલિકીની ચારસો વાર જમીન મવડી રેવન્‍યુ સર્વેનંબરમાં ઓમનગર બસ સ્‍ટેશન પાસે છે. ૧૯૭૦માં માતા ચંપાબેન જમીનના કબ્‍જેદાર હતાં. તેમનું ૧૯૯૦માં અવસાન થયું હતું. જમીનનું પ્રબેટ કઢાવવા માટે તેણે અને નાનાભાઇ કમલભાઇએ કોર્ટમાં અરજી કરી હતી. ૨૦૧૨માં કોર્ટએ પ્રોબેટ કાઢી આપ્‍યું હતું. ત્‍યારથી બંને ભાઇઓ જમીનના માલિક છે. અવાર-નવાર પ્‍લોટ ખાતે આટો મારતાં હતાં. એ પછી કોલકત્તા ગયા હતાં અને ૨૦૨૦માં પરત રાજકોટ આવી પલોટે જઇ જોતાં ૨૦૦ વારના પ્‍લોટમાં પતરાની ચાર પાંચ ઓરડીઓ બની ગઇ હતી અને મજૂરો રહેવા માંડયા હતાં. તેને પુછતાં તેઓ ભાડેથી રહેતાં હોવાનું અને ઓરડીના માલિક મિલન ઉર્ફ લાલા હોવાનું તથા પોતે તેને ભાડુ ચુકવે છે તેવું કહ્યું હતું.

ઓરડીની બાજુમાં સો ચોરસવામાં પણ એક મકાન બનાવી લેવાયુ હતું. જેમાં ધનજી મકવાણા પરિવાર સાથે રહેતો હતો. તેની બાજુમાં અન્‍ય એક પાકા બાંધકામવાળુ મકાન હતું. જેમાં બાવા બાંભવા રહેતો હતો. બંને ભાઇઓએ પોતે જમીનના માલિક હોઇ જગ્‍યા ખાલી કરવાનું કહેતાં આ શખ્‍સોએ તમારાથી થાય તે કરી લેજો જગ્‍યા ખાલી નહિ થાય તેમ કહી ધમકી આપતાં કલેક્‍ટરમા લેન્‍ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરી હતી. તેના આધારે ગુનો દાખલ કરવાનો હુકમ થતાં તાલુકા પીઆઇ એમ.આર. ગોંડલીયાએ તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં લક્ષ્મીનગર-૮માં આવેલી મધુવન સોસાયટીના સાર્વજનીક પ્‍લોટમાં દબાણ કરી કારખાનાનો શેડ ઉભો કરી દેવામાં આવતાં સોસાયટીના પ્રમુખ ઉમેશભાઇ  હરસુખભાઇ ઠાકર (ઉ.વ.૬૫)એ કલેક્‍ટર કચેરીમાં લેન્‍ડગ્રેબીંગ હેઠળ અરજી કરી હોઇ ગુનો નોંધવા આદેશ થતાં માલવીયાનગર પોલીસે ઉમેશભાઇની ફરિયાદ પરથી નરેન્‍દ્રસિંહ ભાવસિંહ ડાભી તથા સંજયસિંહ ભાવસિંહ ડાભી (રહે. બંને ઓમ મકાન, લક્ષ્મીનગર-૮/૬) નામના બે ભાઇઓવિરૂધધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

ઉમેશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે આરોપીઓએ સોસાયટીના સાર્વજનીક પ્‍લોટમાં ૨૦૧૭ની સાલમાં બાંધકામ કરી પતરા નાખી કારખાનાનો શેડ બનાવી લીધો હતો. તેમજ શેડ ફરતે દિવાલ ઉભી કરી જમીન પચાવી પાડી હતી. એટલુ જ નહિ બાદમાં શેડ ભાડે આપી દીધો હતો.  જેમાં કારખાનુ ચાલુ થઇ ગયું હતું. બંને ભાઇઓને સોસાયટીનો પ્‍લોટ પાછો આપી દેવા અવાર-નવાર સમજાવાયા હતાં પરંતુ તેઓ માનતા નહોતાં. થોડા દિવસો પહેલા ફરીથી સોસાયટીના રહેવાસીઓએ બંનેને સમજાવ્‍યા હતાં. પરંતુ નહિ સમજતાં અંતે ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ આઇ. એન. સાવલીયા અને ટીમે આરોપીઓની ધરપકડની કાર્યવાહી કરી હતી.

 

 

(4:13 pm IST)