Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ભ્રષ્‍ટાચાર, મોંઘવારી, પેપરલીંક વગેરે બાબતોમાં એકતા સાથે અવાજ ઉઠાવવો જોઇએ : ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ, તા., ૧ : જસદણના પુર્વ ધારાસભ્‍ય  અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ર્ડના પુર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, ગુજરાતમાં ડબલ એન્‍જીનવાળી સરકારમાં ભાજપના ૧પ૬ ધારાસભ્‍યો વિધાનસભાના સત્ર દરમ્‍યાન પ્રથમ વખત મળ્‍યા છે. વિરોધપક્ષના સંગઠ્ઠનના અભાવે, અણઆવડત, નબળી નેતાગીરી મતદારો કે ઇવીએમની કમાલથી તેઓનું નામ-નિશાન નથી રહયું એમ કહીએ તો પણ ખોટુ નથી. વિરોધપક્ષો ધારાસભામાં  કેવીક કામગીરી કરે છે તે જોવાનું રહયું કે કેતન ઇનામદાર, હાર્દિક પટેલ, કુમાર કાનાણી, સાંસદ મનસુખ વસાવાએ સરકાર સામે રજુઆત કરવાની, આંદોલન કરવાની તથા ભ્રષ્‍ટાચાર ચાલે છે એવી વાત કરેલ છે તે ભાજપ સામે બંડ કે બળાપો ગણી શકાય નહી પણ હિંમત દાખવી છે તે બદલ  તેઓને અભિનંદન પાઠવું છું. અંગત સ્‍વાર્થ કે હિત ખાતર તેમજ ફરીને ટીકીટ નહી મળે કે બોર્ડ-નિગમમાં સમાવેશ નહી થાય એવી લાલસાથી દુર રહી બીજા ભાજપના ધારાસભ્‍યો તટસ્‍થપણે રજુઆત કરવાની હિંમત દાખવતા થાય એ જરૂરી છે.

સરકારની સારી કામગીરી બાબતે પ્રશંસા થાય કે ગુણગાન ગવાય એ વ્‍યાજબી છે પરંતુ જે કામ પ્રત્‍યે અવગણના થાય, વિવાદોસ્‍પદ નિર્ણયો લેવામા આવે, કામની અલમવારીમાં વિલંબ થાય ત્‍યારે પક્ષની શિસ્‍તના નામે મુંગા મોઢે સહન કરવુ એ (પાપ-પુણ્‍યમાં માનતા હોઇએ તો) પાપમાં ભાગીદાર  છીએ  એવુ ગણી શકાય. ભ્રષ્‍ટાચાર, મો઼ઘવારી, દુષ્‍કર્મ, મારામારી,  આપઘાત, ખેડુત, મજુર, બેરોજગારી, પેપરલીંક થવા ઉદ્યોગો કે વેપાર ધંધાના વાતાવરણમાં બધા જ પ્રશ્નોનો ઉકેલ માટે તમામ સમાજના આગેવાનો, રાજકીયપક્ષો, ધાર્મીક કે અન્‍ય સંગઠ્ઠનની સંસ્‍થાઓએ જાગૃત થઇ સામનો કરવા એકતા દાખવવાની જરૂર છે અલગ ચોકાઓથી કાંઇ વળવાનું નથી. ગુજરાતની પ્રજા ઉપર માથાદીઠ દેવાનો બોજ વધતો જાય છે ત્‍યારે સરકારે પણ સમારંભો, જાહેરાતો, ઉત્‍સવો કે મેળાવડા વિગેરે પાછળ કરવામાં આવતો બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરવાની જરૂરત છે તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(5:24 pm IST)