Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મનપાના આરોગ્‍ય કેન્‍દ્રોમાં ૨.૧૯ કરોડના ખર્ચે મેડીકલ સાધનો ખરીદાયા

શહેરના આરોગ્‍ય કેન્‍દ્રો માટે બાયનોક્‍યુલર માઇક્રોસ્‍કોપ, ઓટોમેટડ સેલ કાઉન્‍ટર, હિમોગ્‍લોબીન મીટર, બ્‍લડ પ્રેશર યુનિટ, ઇસીજી મશીન, એક્‍સ-રે મશીન વિગેરેની ખરીદી કોર્પોરેટરોની ગ્રાન્‍ટમાંથી કરાયેલ

રાજકોટ તા. ૧ : નાણાકીય વર્ષના અંતિમ મહિને કાલે મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટિ મળનાર છે. સંભવતઃ આ સ્‍ટેન્‍ડીંગ ચાલુ નાણાકીય વર્ષની છેલ્લી સ્‍ટેન્‍ડીંગ બની રહેશે. કાલની સ્‍ટેન્‍ડીંગ કમિટિની બેઠકમાં કુલ ૬૬ દરખાસ્‍તો રજુ થનાર છે. જેમાં શહેરના વિવિધ વિસ્‍તારોમાં વિકાસ કાર્યોને બહાલી આપવાની સાથે લોકોના આરોગ્‍યના જતન માટેની સુવિધાઓમાં પણ વધારો કરાશે. જે અંતર્ગત શહેરના પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્રોમાં આધુનિક સાધનોની ખરીદીના ખર્ચને મંજુર કરવામાં આવશે.

આ દરખાસ્‍ત અંગે સ્‍ટે.કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલે વિસ્‍તૃત માહિતી આપતા જણાવ્‍યું હતું કે, મહાનગરપાલિકાના વિસ્‍તારના શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો મારફતે જુદી-જુદી આરોગ્‍ય સેવાઓ જેવી કે માતૃ અને બાળ આરોગ્‍ય સેવાઓ, રસીકરણ, પ્રાથમિક, પ્રાથમિક તપાસ, નિદાન, સારવાર અને વિનામૂલ્‍યે દવા, જુદા-જુદા લેબોરેટરી ટેસ્‍ટ વગેરે પુરા પાડવામાં આવે છે. શહેરી વિસ્‍તારોમાં આરોગ્‍ય સેવાઓ માટે લોકોને ઘરની નજીક જ ખૂબ જ સારી આરોગ્‍ય સેવાઓ તથા નિદાન આધુનિક સાધનો દ્વારા તપાસ અને નિદાન થાય તે ખૂબ જ જરૂરી છે. રાજકોટ શહેરના લોકોને અત્‍યંત આધુનિક તબીબી સાધનોથી આરોગ્‍ય સેવાઓ મળી રહે તે માટે મહાનગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં વિકાસ કામો માટે ફાળવેલ ગ્રાન્‍ટમાંથી નોવેલ કોરોના વાઇરસ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને ધ્‍યાનમાં લઇ મહાનગરપાલિકાના આરોગ્‍ય કેન્‍દ્રના જરૂરી સાધનો ખરીદવા માટે સંમતી આપેલ હોય, જે અન્‍વયે આરોગ્‍ય શાખાના ઉપયોગ અર્થે જરૂરી આધુનિક સાધનોની ખરીદી સરકારના જીઇએમ પોર્ટલ પરથી કરવામાં આવેલ છે.

શહેરના વિવિધ આરોગ્‍ય કેન્‍દ્રો માટે કોર્પોરેટરો દ્વારા રૂા. ૫.૪૦ લાખના ૨૩ નંગ બાયનોક્‍યુલર માઇક્રોસ્‍કોપ, રૂા. ૭૯.૪૬ લાખના ૨૩ નંગ ઓટોમેટેડ સેલ કાઉન્‍ટર, રૂા. ૧૦.૦૨ લાખના ૧૮૪ નંગ ૫૦ સ્‍ટ્રીપ સાથેના હિમોગ્‍લોબીન મીટર, રૂા. ૭.૦૯ લાખના ૧૮૪ નંગ બ્‍લડ પ્રેશર રેકોર્ડીંગ યુનિટ તથા રૂા. ૨૮.૭૫ લાખના ૨૩ નંગ મેડીટેક ૧૨ ચેનલ ઇસીજી મશીનની ખરીદી કરાયેલ હતી.

ઉપરાંત રૂા. ૫.૭૪ લાખના ૨૩ નંગ સીંગલ ડોર રેફ્રીજરેટર, રૂા. ૪૨.૮૧ લાખના ૬ નંગ ફુલ્લી ઓટોમેટીક બાયો કેમેસ્‍ટ્રી એનેલાઇઝર, રૂા. ૩.૯૮ લાખના ૧ ડીઝીટલ એક્‍સ-રે મશીન, રૂા. ૧૧.૧૫ લાખના ૨૩ એલસીડી પ્રોજેકટર તથા રૂા. ૫.૭૪ લાખના ખર્ચે ૨૩ નંગ પબ્‍લીક એડ્રેસ સીસ્‍ટમ વસાવવામાં આવી હતી.

આમ, સરકારની જીઇએમ પોર્ટલ ઉપરથી કુલ રૂા. ૨ કરોડથી વધુના મેડીકલના સાધનોની વિવિધ આરોગ્‍ય કેન્‍દ્ર માટે કરાયેલ ખરીદીના ખર્ચને આવતીકાલની સ્‍ટેન્‍ડીંગ કમિટિની બેઠકમાં મંજુરીની મહોર મારવામાં આવશે.

(4:05 pm IST)