Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

શહેરમાં ઢોર પક્કડ ઝુંબેશ વેગવંતી બનાવવા વધુ ગ્રાન્‍ટ ફાળવવા માંગ

કાલે મનપાની જમ્‍બો સ્‍ટેન્‍ડીંગ : શહેરમાં નવી એનિમલ હોસ્‍ટેલ બનાવવા, ઢોરના નિભાવ માટે જરૂરી વ્‍યવસ્‍થાઓ અને સુવિધાઓ માટે રૂા. ૮ કરોડ ફાળવવા ખાસ દરખાસ્‍ત : રેસકોર્ષ રીંગ રોડમાં ડામર રીકાર્પેટ કરવા, હુડકો આરોગ્‍ય કેન્‍દ્ર રી-ડેવલપમેન્‍ટ કરવા, વિવિધ વિસ્‍તારમાં પેવીંગ બ્‍લોક નાંખવા સહિત કુલ ૬૬ દરખાસ્‍તો અંગે થશે નિર્ણય

રાજકોટ,તા.૧ : શહેરમાં રખડતા ઢોર પકડ ઝુંબેશ વેગવંતી બનાવવા ખાસ ૮ કરોડની ગ્રાન્‍ટ ફાળવવા, રેસકોર્ષ રીંગરોડ પર રૂા. ૩.૫૩ કરોડના ખર્ચે ડામર રી-કાર્પેટ કરવા, શહેરના વિવિધ વિસ્‍તારોમાં પેવીંગ બ્‍લોક નાખવા, વોંકળામાં સી.સી. કરવા, મનપાની વિવિધ શાખાઓ માટે ૬૦ કોમ્‍પ્‍યુટર અને પ્રિન્‍ટર ખરીદવા, ઓકટોબર માસમાં  વડાપ્રધાન રાજકોટ શહેરની મુલકાત અન્‍વયે કાર્યક્રમમાં રૂા.૫૪.૧૧ લાખ થયેલ ખર્ચ ચૂકવવા સહીતની ૬૬ દરખાસ્‍તો અંગે આવતીકાલ મળનારી સ્‍ટેન્‍ડીંગ કમીટીમાં નિર્ણય થશે.

મ્‍યુ. કોર્પોરેશનની સ્‍ટેન્‍ડીંગ કિમિટીની મીટીંગ આવતીકાલે બપોરે ૧૨ કલાકે કચેરીના પ્રથમ માળે આવેલ સ્‍ટેન્‍ડીંગ કમિટી કોન્‍ફરન્‍સ રૂમમાં સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલની અધ્‍યક્ષતામાં યોજાશે. આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કામોની ૬૬ દરખાસ્‍તો અંગે નિર્ણય થશે. જે આ મુજબ છે.

રખડતા ઢોર નિયંત્રણ

માટે ખાસ ગ્રાન્‍ટની માંગ

સ્‍વર્ણીમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સંદર્ભના ગુજરાત મ્‍યુ. ફાયનાન્‍સ બોર્ડના હુકમથી રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં રખડતા ઢોર નિયંત્રણ માટે રૂા. ૨ કરોડની ગ્રાન્‍ટ ફાળવવામાં આવેલ છે. જે અન્‍વયે રાજકોટ મનપાના પ્રાણી રંજાડ અંકુશ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ તથા વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્‍યાન ઢોર નિભાવ માટે જરૂરી વ્‍યવસ્‍થાઓ અને સુવિધાઓ માટે રૂા. ૧ કરોડ તથા એનિમલ હોસ્‍ટેલમાં જરૂરી સુવિધાઓ કરવાનું તથા નવી એનીમલ હોસ્‍ટેલ બનાવવા ૬ કરોડ તથા શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી રખડતા પશુઓને પકડી ઢોર ડબ્‍બા સુધી લાવવા માટે, પશુઓના નિભાવ માટેની સફાઇ કામગીરી, પશુોઅના પરિવહન માટે જરૂરી વાહન ખરીદ કરવા માટે ૧ કરોડ સહિત કુલ ૮ કરોડ  ફાળવવા  માટે ખાસ દરખાસ્‍ત કરવામાં આવી છે.

રેસકોર્ષ રીંગરોડ ટનાટન બનશે

મનપાના સેન્‍ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં ં૨ માં આવેલ રેસકોર્ષ રીંગરોડના રૂા. ૩.૫૩ કરોડના ખર્ચે ડામર રી-કાર્પેટ કરવામાં આવશે. આ કામ માટે ૨ એજન્‍સીઓએ રસ દાખવ્‍યો હતો. જેમાં રાજ ચાંમુડા કન્‍સ્‍ટ્રકશન દ્વારા કામના એસ્‍ટીમેન્‍ટ કરતા ૧૪.૪૦% વધુ ભાવ રજુ થયેલ. જ્‍યારે બીજી એજન્‍સી પવન કન્‍સ્‍ટ્રકશને કામના એસટીમેન્‍ટ કરતા ૧૫.૩% વધુ ભાવ રજુ કર્યા હતા.

 આ ઉપરાંત આવતીકાલે મળનાર સ્‍ટેન્‍ડીંગ કમીટી બેઠકમાં તા.૧૯ થી ૨૧ ઓકટોબર દરમ્‍યાન વડા પ્રધાનની રાજકોટ મુલાકાત અન્‍વયે રોડ શો ના આયોજનમાં થયેલ રૂા. ૫૪.૧૧ લાખનો ખર્ચ ચુકવવા, શહેરના વિવિધ વિસ્‍તારોમાં પેવિંગ બ્‍લોક નાખવા, વોર્ડનં. ૧૮માં જુદી-જુદી સોસાયટીઓમાં ડામર કરવા, વોર્ડનં.૧ના આર.સી.કે. પાર્કથી  મોચી નગર સુધી ૪૫૦ એમ.એમ. ડાયા સ્‍ટ્રોંગ વોટર પાઇપ લાઇન નાખવા, વોર્ડનં. ૧૨માં પુનિતનગર  ૨૪મ ી.ની ડીપી રોડને રીડેવલોપમેન્‍ટ કરવા, વોર્ડનં. ૧૭માં પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટર ફરીયાદનો નિકાલ કરવા તથા કોઠારીયા મેઇન રોડ પર હુડકો આરોગ્‍ય કેન્‍દ્રોમાં વધારાનો ૯૦ લાખનો રીવાઇઝ્‍ડ ખર્ચ મંજુર કરવા તથા શહેરના મુખ્‍ય માર્ગો પર આવેલ જુના હયાત સેન્‍ટર એલઇડી લાઇટીંગમાં સીસ્‍ટમ સુધારણા તથા નવીનીકરણ ૧ કરોડના ખર્ચે કરવા સહિતની ૬૬ દરખાસ્‍તો અંગે નિર્ણય લેવામાં આવશે.

(4:08 pm IST)