Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

માતૃભાષા ગૌરવ દિન! ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય

તંત્રીશ્રી અકિલા

ગુજરાત સરકાર દ્વારા માતૃભાષાની મહત્તા સમજીને શિક્ષણ ક્ષેત્રે ધોરણ ૧થી ૮ સુધી માતૃભાષા - ગુજરાતીમાં ફરજિયાત શિક્ષણ આપવાની કાનૂની જોગવાઈ કરી એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

ગુજરાતીની ભાવી પેઢી માતૃભાષાના જ્ઞાનથી વંચિત રહી નહીં તે માટે ધોરણ ૧ થી ૮ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત વિષય તરીકે ઘોષિત કર્યો છે.

સરકારના આ નિર્ણયને ગુજરાતની જનતા સહર્ષ વધાવી બાળકોને માતૃભાષાના સંસ્‍કારો અપાવશે તો ગુજરાતની અસ્‍મિતાનું જતન થતું રહેશે તેમાં કોઈ શંકા નથી.

માતૃભાષાના પાયાના શિક્ષણ વિના બાળકનો સર્વાંગિક વિકાસ સંભવ નથી.

આજના મોબાઈલ યુગમાં ગુજરાતી ભાષાને બેફામ રીતે પ્રદૂષિત કરી રહેલા લોકો માતૃભાષાનું ગૌરવ સમજી સંદેશાઓની આપલે સાવધાનીપૂર્વક કરે તે ઘણું જ અગત્‍યનું છે.

ગુજરાતીમાં મોકલાઈ રહેલ મોબાઈલ સંદેશાઓ માટે રોમન લિપિ (અંગ્રેજી ભાષાની લિપિ) માં લખાય તે દુષ્‍કૃત્‍ય સમાન છે. માતૃભાષા ગુજરાતીની પોતાની લિપિ છે. તેનો જ ઉપયોગ કરી માતૃભાષાને સન્‍માન આપવું જોઈએ.

નાદાની કે સમજદારીપૂર્વક કરેલી આવી ચેષ્ટા માતૃભાષાના સૌંદર્યને વિકૃત કરી શકે છે.  સમાજના દરેક વર્ગના સભ્‍યો આ હકીકત સમજી ગુજરાતીમાં લખતી લખતી તેની જ લિપિનો ઉપયોગ કરતા થાય તે ખૂબ જ અગત્‍યનું છે.

આપણે માતૃભાષાના વૈભવમાં વૃદ્ધિ ન કરી શકી તો કંઈ વાંધો નહીં, પણ જે છે તેને વિકૃત કરવાનો આપણને કોઈ જ અધિકાર નથી.

હવે તો ગુજરાતીમાં ટાઈપ કરવું ખૂબ સરળ બની ગયું છે. તમારા લખાણની જોડણી પણ એપની મદદથી સુધારી શકાય છે.

માટે જરૂર છે કે આપણે સાચા અર્થમાં ગુજરાતી બની માતૃભાષા ગુજરાતીના  રક્ષણની જવાબદારી પણ સ્‍વીકાર કરીએ.

-બાબુભાઈ મેનપરા

ભૂતપૂર્વ ટેલીકોમ ઓફીસર

(4:25 pm IST)