Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મોચી બજાર કોર્ટમાં મુદ્દતે આવેલા આરોપી અશોકનો ફરિયાદ પક્ષના એડવોકેટ હર્ષ ભીમાણી પર હુમલો

અશોક વિરૂધ્‍ધ તેના પત્‍નિએ ડોમેસ્‍ટીક વાયોલન્‍સનો કેસ ૨૦૨૧માં કર્યો હોઇ તે પુરો કરી નાંખવાનું કહી ડખ્‍ખો કર્યોઃ વકિલ બાથરૂમ ગયા ત્‍યારે પાછળ જઇ ગળાચીપ આપી ધમકી દીધીઃ એ-ડિવીઝન પોલીસમાં મામલો પહોંચ્‍યો

રાજકોટ,તા. ૧ : શહેરની મોચીબજાર કોર્ટના પાંચમા માળે ડોમેસ્‍ટીક વાયોલન્‍સના કેસમાં મુદ્‌તે આવેલ આરોપીએ ફરિયાદી પક્ષના વકીલને ગળાચીપ આપી ગાળો દઇ કેસમાંથી હટી જવાનું કહી ધમકી આપતા મામલો એ-ડીવીઝન પોલીસમાં પહોંચ્‍યો છે.

મળતી વિગત મુજબ મવડી રોડ કણકોટ ખાતે રહેતા સોનલબેન અશોકભાઇ કાવઠીયાએ તેના પતિ અશોક લક્ષ્મણભાઇ કાવઠીયા (રહે. નવા ઉજળા ગામ, તા. મોટી કુકાવાવ, અમરેલી) સામે ૨૦૨૧માં ડોમેસ્‍ટીક વાયોલન્‍સનો કેસ કર્યો હતો. આ કેસ મોચી બજાર સિવિલ કોર્ટમાં ચાલુ હોય, જેથી આજે કોર્ટના પાંચમા માળે આરોપી અશકો કાવડીયા મુદ્દતે આવ્‍યો હતો. દરમ્‍યાન થોડી વાર ફરિયાદી પક્ષના વકીલ હર્ષભાઇ અરવિંદભાઇ ભીમાણી કોર્ટના પાંચમા માળે બાથરૂમ કરવા ગયા ત્‍યારે આરોપી અશોક કાવઠીયાએ પાછળથી આવીને વકીલને પકડી ગળાચીપ આપી ગાળો દેવા લાગ્‍યો હતો. અને કહેલ કે આ ‘કે આ કેસમાંથી હટી જજે'કહી માથાકૂટ કરતા દેકારો બોલતા અન્‍ય વકીલો એકત્ર થઇ ગયા હતા અને વકીલને છોડાવ્‍યા હતા બાદ તમામ વકીલો આરોપી અશોકને પકડી કોર્ટ કમ્‍પાઉન્‍ડમાં લાવતા ત્‍યાં પણ તેણે સિનિયર વકીલો સાથે અભદ્ર વર્તન કર્યું હતુ. આ મામલો એ. ડીવીઝન પોલીસમાં પહોંચતા પી.આઇ એન.આઇ.રાઠોડ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(4:31 pm IST)