Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

૫ માર્ચે

કુદરતે મને સંગીત ભેટમાં આપ્‍યું છે : દેવયાની બેન્‍દ્રે

રાજકોટમાં ગુંજશે સદાબહાર ગીતો : ગાયકો મોહમ્‍મદ સલામત, દેવયાની બેન્‍દ્રે, નિરૂપમા ડે, સલીમ મલિક, મનીષા કરંદીકર જમાવટ કરશે

રાજકોટ : સંગીત ક્ષેત્રે કલાની પૂજા કરતા દિગ્‍ગજ કલાકારો રાજકોટના મહેમાન બનવાના છે. જેમાં હમ દિલ દે ચૂકે સનમ ફિલ્‍મના પ્રખ્‍યાત ગીતો આપનાર ગાયક મોહમ્‍મદ સલામત ‘ગોલ્‍ડન મેલોડીઝ' ટાઇટલ હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં તેના અનોખા અંદાજમાં અનેક સુપ્રસિધ્‍ધ ગીતો રજુ કરશે. તેમની સાથે ખુબજ જાણીતા ગાયિકા અને દેશ વિદેશમાં સંગીતના અનેક લાઇવ શો કરી ખુબજ નામના મેળવનાર ગાયિકા દેવયાની બેન્‍દ્રેએ પણ પ્‍લેબેક સિંગિંગમાં બોલિવૂડ તેમજ સંગીત જગતમાં તેમની હાજરીનો અનુભવ કરાવ્‍યો છે. તા. ૫ માર્ચના રોજ ભારતીબેન નાયકના નેજા હેઠળ ‘તાલ તરંગ'ના ઉપક્રમે રાજકોટના સરગમ સંચાલિત હેમુ ગઢવી હોલમાં સંગીત મઢ્‍યો કાર્યક્રમ યોજાવાનો છે.

સુપ્રસિધ્‍ધ ગાયિકા દેવયાની બેન્‍દ્રેની સંગીતની સફર તેમના પિતા બાલકૃષ્‍ણ ગીતધરજીએ શરૂ કરાવી હતી. સ્‍કૂલ સમયથી જ પિતાએ તેમને શાષાીય સંગીતની તાલીમ અપાવી હતી. દેવયાની બેન્‍દ્રે કહે છે, કુદરતે મને સંગીત ભેટમાં આપ્‍યું છે. તેઓ સંગીત જગતમાં ‘જૂનુન' નામનું ગ્રૂપ ચલાવે છે જે અંતર્ગત દેશ વિદેશમા અનેક કાર્યક્રમો આપ્‍યા છે. દેવયાની બેન્‍દ્રે હિન્‍દી ઉપરાંત ગુજરાતી, કાશ્‍મીરી, બંગાળી, મરાઠી, તેલગુ, અરેબીક, આફ્રિકન હિબ્રુ ભાષાનાં ગીતો પણ અદભૂત રીતે રજુ કરે છે. તેઓની સ્‍ટાઇલ સોફટ સીંગીંગ છે. તેઓએ ગરબાના પણ અઢળક પ્રોગ્રામ્‍સ કર્યા છે.

દેવયાની બેન્‍દ્રે કહે છે, ગુજરાતની હવામાં સંગીતની અનોખી લહેર છે. જે અમારા જેવા કલાકારોને એક માહોલ બનાવવા મજબુર કરી દે છે. ગુજરાતના લોકો કલાકારોને જે રીતે પ્રાધાન્‍ય આપે છે એટલે ગુજરાતમાં જે સફળ થઇ જાય તે બધી જગ્‍યાએ સફળતા મેળવે છે. ‘ગોલ્‍ડન મેલોડીઝ'ના આ લાજવાબ કાર્યક્રમમાં પ્રખ્‍યાત મોહમ્‍મદ સલામત સાથે ગાયિકા દેવયાની બેન્‍દ્રે, નિરૂપમા ડે અને સલીમ મલિક પણ સૂરમાં સાથ આપવાના છે. જયારે મુંબઇ - બોલીવુડના સુપ્રસિધ્‍ધ એન્‍કર - સીંગર મનીષા કરંદીકરનો પણ સુંદર સાથ સાંપડી રહ્યો છે.

સુપ્રસિધ્‍ધ ગાયિકા દેવયાની બેન્‍દ્રે કહે છે, હું લતાજીના ગીતો ગાવા વધુ પસંદ કરૂં છું. કારણ લોકો મારા અવાજમાં તે સાંભળવા વધુ પસંદ કરે છે. વધુમાં મેં મારી સ્‍ટાઇલમાં ગાવાનું શરૂ કર્યું છે. જેમ કે કવ્‍વાલી સ્‍ટાઇલ ગાવાની શરૂ કરી. જે શકીલાબાનું વગેરેની સ્‍ટાઇલને મેચ કરે છે. હું શેર-શાયરી કરતા કરતા ગીતો રજુ કરૂં છું. દેવયાની બેન્‍દ્રેએ ફિલ્‍મી ગીતો ઉપરાંત ગણેશજી, માતાજી, ગૌતમબુધ્‍ધ સહિત અનેક ભગવાનના ભજનો ગાયા છે. તેમજ ભારતના સંવિધાન ઉપર પણ ગીતો ગાયા છે.

દેવવ્‍યાની બેન્‍દ્રેનું સંગીતનું બેકગ્રાઉન્‍ડ ન હોય દરેક વસ્‍તુ માટે ખૂબ જ સ્‍ટ્રગલ કરવી પડી છે. તેમણે દરેક ભાષા શિખવા પણ ખૂબ જ મહેનત કરી છે તેઓ કહે છે. આજનો સંગીતનો ટ્રેન્‍ડ બદલાતો જાય છે. તેમાંય અમુક ચીજો ખૂબ સરસ આવે છે. તેને અપનાવવી જોઇએ. એક જ ટ્રેન્‍ડને લઇને ચાલવું જોઇએ નહીં. સંગીત ક્‍યાંયથી પણ આવી શકે છે. સંગીતની કોઇ જ સીમાઓ નથી.

બોલીવુડ ઇવેન્‍ટ્‍સના ભારતીબેન નાયક દ્વારા તાલ-તરંગના સથવારે સંગીતના ચાહકો-ભાવકો માટે આ અદભૂત લાઇવશોનું આયોજન કરાયું છે. જેમાં મોહમ્‍મદ સલામત અને તેમની સાથે દેવયાની બેન્‍દ્રે, નિરૂપમા ડે અને સલીમ મલિક એક એકથી ચઢિયાતા ગીતો રજુ કરશે. જેનું સંચાલન જાણીતા ગાયિકા - એન્‍કર મનીષા કરંદીકર કરશે. આ કાર્યક્રમમાં મુંબઇનું સુપ્રસિધ્‍ધ લેડીઝ ઓરકેસ્‍ટ્રા રમઝટ બોલાવશે. આ માણવા જેવા શોની ટીકિટ મેળવવા, ગ્રુપ બુકીંગ કરાવવા, શો સંપર્ક તેમજ સ્‍પોન્‍સરશીપ માટે ૯૫૮૬૬ ૧૬૬૪૫, ૯૮૯૨૬ ૨૫૭૬૮, ૬૩૫૨૮ ૪૧૪૫૧ તેમજ ૭૪૩૫૦ ૪૪૭૨૧ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

લેડીઝ આર્ટીસ્‍ટો સાથેનું ઓરકેસ્‍ટ્રા રમઝટ બોલાવશે

તાલ-તરંગના નેજા હેઠળ ૫ માર્ચના રોજ રવિવારે રાત્રે હેમુ ગઢવી હોલમાં યોજાઇ રહેલ ‘ગોલ્‍ડન મેલોડીઝ'ના કાર્યક્રમમાં મુંબઇના સુપ્રસિધ્‍ધ લેડીઝ ઓરકેસ્‍ટ્રાના મેમ્‍બરો પણ રમઝટ બોલાવશે. આમ લેડીઝ આર્ટીસ્‍ટો આ ઓરકેસ્‍ટ્રામાં સામેલ થશે. માણવાનું ભૂલવા જેવું નથી.

(5:04 pm IST)