Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ગુજરાતીઓને રમતવીર બનાવતી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ એન્ટ્રન્સ માટેની પ્રુવન ટેસ્ટનો પ્રારંભ

રાજકોટની બે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં તાલીમ લેતા ૨૧૮ રમતવીર છેલ્લા બે વર્ષમાં મેળવ્યા ૭૭ મેડલ્સ

રાજકોટ :રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ અંતર્ગત ખેલાડીઓ માટે રમતગમત ક્ષેત્રે કારકિર્દી ઘડવાની  ઉત્તમ તક રાજ્ય સરકારની ડી.એલ.એલ.એસ. યોજના અંતર્ગત મળી શકે છે. જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરેલ વિદ્યાર્થીઓ તેમજ વિજેતા ખેલાડીઓ મટે જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન માટેની પ્રુવન ટેસ્ટનો આવતીકાલ તા. ૨ માર્ચથી તા. ૫ માર્ચ દરમ્યાન અમદાવાદ, ભાવનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, વડોદરા, દાહોદ, આનંદ સહીત  રાજ્યના વિવિધ  શહેરોમાં પ્રારંભ થવા જઈ રહ્યો  છે. 

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ અંતર્ગત શાળાઓમાં ફૂટબોલ, બાસ્કેટ બોલ, વોલી બોલ, હેન્ડ બોલ ટેબલ ટેનિસબેડમિન્ટનએથ્લેટીક્સ, હોકી, જુડો, કુશ્તી , કબડ્ડી, ખોખોજિમ્નાસ્ટિક, આર્ચરી, શૂટિંગ સહિતની રમતો માટે શિક્ષણ સાથે કોચિંગ આપવામાં આવે  છે.

જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાના  જણાવ્યા અનુસાર રાજકોટમાં જય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાસ્કેટ બોલ, ફૂટબોલ તેમજ રાયફલ શૂટિંગ ગેમ માટે ૧૦૮ તેમજ ધોળકિયા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે જુડો અને આર્ચરી ખેલ અર્થે ૧૦૮ ખેલાડીઓ મળી ૨૧૮ બાળકો સઘન તાલીમ મેળવી રહ્યા છે. જેનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે.

રાજકોટના ખેલાડીઓની સિદ્ધિ અંગે માહિતી આપતા રમા મદ્રા જણાવે છે કે વર્ષ ૨૦૨૧-૨૨ માં રાજ્ય કક્ષાએ ૪૦ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ૪ અને વર્ષ ૨૦૨૨-૨૩ માં રાજ્ય કક્ષાએ ૩૦ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ૩ મેડલ્સ સાથે  કુલ ૭૭ મેડલ મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યું છે.

ડી .એલ.એસ.એસ. સ્કૂલમાં પ્રવેશ માટે આ ઉપરાંત ખેલ મહાકુંભ સ્પર્ધામાં અન્ડર ૯ અને અન્ડર ૧૧ કક્ષામાં વિજેતાઓ અને ખાસ ૮ પ્રકારની ટેસ્ટ દ્વારા યંગ ટેલેન્ટેડ બાળકો પસંદ કરવામાં આવે છે. સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે નિ:શુલ્ક જે તે ખેલની સઘન તાલીમ તેમજ તે જ સ્કૂલમાં અભ્યાસ પી.પી.પી. ધોરણે કરાવવામાં આપે છે. તેમનું લોજીંગ, બોર્ડિંગ, કીટ, ડ્રેસ, રમતના સાધનો સહિતની તમામ જવાબદારી, સ્ટાઈપેન્ડ તેમજ વીમો રાજ્યસરકાર દ્વારા આપવામાં આવે છે. 

 ખેલ મહાકુંભ થી ખેલે ગુજરાત અને ખેલે ઇન્ડિયા મિશન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાનામાં નાના કુટુંબમાંથી આવતી ગુજરાતની છેવાડાની પ્રતિભાને પણ યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને ટ્રેનિંગના વાંકે કોઈ પ્રતિભા પાછળ ના રહી જાય તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રયત્નશીલ છે. આવનારો સમય ગુજરાતી ખેલાડીઓનો હશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

(1:08 am IST)