Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રાજકોટ જીલ્લામાં ૪૫ વર્ષથી ઉપરના ૧૭,૧૪૫ લોકોએ વેકિસન લીધી

અત્યાર સુધીમાં કુલ ૧,૧૭,૬૨૮ નાગરીકોએ રસીનો ડોઝ લીધો : કોઇ ગામમાં સંસ્થા કેમ્પ યોજવા ઇચ્છે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તંત્રનો અનુરોધ

રાજકોટ,તા. ૨: કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અગાઉ ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના તથા તા. ૧ થી ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેકિસન આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં ગઇ કાલે તા.૧નાં સૌથી વધુ લોકોને એટલે કે ૧૭,૧૪૫ લોકોને કોરોના વેકિસન આપવામાં આવેલ હતી. તથા અત્યાર સુધીમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના કુલ ૧,૧૭,૬૨૮ લોકોને કોરોના વેકિસન આપવામાં આવેલ છે.

આ રસીકરણ મહા અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લાના કોરોના રસીકરણ તમામ અધિકારી, કર્મચારીઓ દ્વારા સતત પ્રયત્નો કરી સફળતા પ્રાપ્ત કરી છે. જે બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સૌને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

આ કામગીરીમાં તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાનિક લોક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સક્રિય રીતે ઉત્સાહ ભેર ભાગ લઇ લોક સેવાના કાર્યમાં મદદ કરી હતી તે બદલ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર તેમનો આભાર માને છે.

વધુમાં જણાવવાનું કે કોઇ પણ ગામમાં કે કોઇ સમાજ સેવી સંસ્થા અથવા કોઇ લોક આગેવાન પોતાના વિસ્તારમાં સોસાયટીમાં મોટા કેમ્પ યોજવા માંગતા હોય તો તેઓ સ્થાનિક કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અથવા તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

(3:22 pm IST)