Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સન સ્ટાર ધ કલબમાં મેમ્બર બનાવી રૂ. ૧.૭૩ લાખની ઠગાઈના ગુનામાં ફરાર રમણ પકડાયો

ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદના શખ્સને દબોચ્યોઃ અગાઉ દિલ્હી, રાજસ્થાન, હરીયાણા, અમદાવાદ અને ગાંધીનગર સીઆઈડી, વડોદરા, હિંમતનગર અને રાજકોટમાં ૧૩ ગુનામાં પકડાયો છે

રાજકોટ, તા. ૨ :. થોરાળા વિસ્તારમાં સન સ્ટાર ધ કલબ ખોલી તેમા મેમ્બર બનાવી ઈનામની વણજારવાળી જાહેરાતો આપી લોકોને  રૂ. ૧.૭૩ લાખની છેતરપીંડીના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી લીધો હતો.

 

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે. ગઢવી, પી.એમ. ધાખડા તથા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એન.ડી. ડામોર તથા હેડ કોન્સ. મયુર પટેલ, અમિતભાઈ, વિરેન્દ્રસિંહ, નગીનભાઈ, કુલદીપસિંહ, સંજયભાઈ, પ્રદીપસિંહ સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે થોરાળા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર શખ્સ રાજકોટ આવ્યો હોવાની નગીનભાઈ, પ્રદીપસિંહ અને મયુરભાઈ પટેલ સહિતે અમદાવાદના થલતેજ ઝાયડસ હોસ્પીટલ પાસે વૈભવી સોસાયટીમાં રહેતા રમણ વિજયકુમાર સાદીલાલ કપુર (ઉ.વ. ૪૪)ને પકડી લીધો હતો. રમણે ત્રણ વર્ષ પહેલા હોટલ પ્રાઈવેટ લીમીટેડના નેજા હેઠળ સન સ્ટાર ધ કલબ ખોલી તેમા મેમ્બર બનાવી અખબારોમાં જાહેરાત આપી વચન વાયદા અને ઈનામની વણજારવાળી જાહેરાતોથી લોકોને મેમ્બર બનાવી મેમ્બરશીપના નાણા ઉઘરાવી લોકો સાથે રૂ. ૧,૭૩,૮૭૦ની છેતરપીંડી કરી હતી. રમણ અગાઉ દિલ્હી, રાજસ્થાન, હરીયાણા, અમદાવાદ અને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ, વડોદરા, હિંમતનગર અને રાજકોટમાં પણ છેતરપીંડીના ગુનામાં પકડાઈ ચૂકયો છે.

(4:08 pm IST)