Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

મહાત્મા ગાંધીજી કે અહિંસા સ્વભાવ પર જૈન સંતો કા પ્રભાવ કાર્યક્રમઃ હજારો ભાવિકોએ જૈન સંતત્વ પ્રત્યે ગૌરવની અનુભૂતિ કરી

યુવાચાર્ય પૂ.શ્રી મહેન્દ્રઋષિજી મ.સા, ઉપાધ્યાયપ્રવર પૂ શ્રી પ્રવીણઋષિજી મ.સા., રાષ્ટ્રસંત પૂ શ્રી નમ્રમુનિ મ.સા, પૂ શ્રી જ્ઞાનપ્રભાજી મ. અને પૂ શ્રી પ્રીતિસુધાજી મ. એ જૈનત્વને ગૌરવ બક્ષતી ઇતિહાસની ઘટનાને તાદ્રશ્ય કરી : ઢાલ અને તલવાર વગર ગાંધીજી એ અહિંસાના શસ્ત્રથી સ્વતંત્રતા મેળવી :પૂ મહેન્દ્રઋષિજી મ. સા. : યુગપુરુષોના જીવનના દરેક પૃષ્ઠમાં એક એક યુગ સમાએલો હોય છેઃ પૂ. શ્રી પ્રવિણઋષિજી મ.સા.: સંત એક એવા કૃષિકાર હોય છે જે ભવ્યજીવોની હદયધરા પર સંસ્કારોના બીજ વાવતાં હોય છેઃ પૂ. નમ્રમુનિ મ.સા.

રાજકોટ,તા. ૨: અહિંસાના આધારે ભારતને સ્વતંત્રતા અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મતિથિ -અહિંસા દિનના અવસરે 'મહાત્મા ગાંધીજી કે અહિંસા સ્વભાવ પર જૈન સંતોકા પ્રભાવ' કાર્યક્રમનું આયોજન શ્રમણસંઘીય યુવાચાર્ય પૂજય શ્રી મહેન્દ્રઋષિજી મહારાજ સાહેબ, ઉપાધ્યાય પ્રવર પૂજય શ્રી પ્રવિણઋષિજી મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, સાધ્વીરત્ન પૂજય શ્રી ઉજ્જવલકુમારીજી મહાસતીજીના શિષ્ય પરિવારના પૂજય શ્રી જ્ઞાનપ્રભાજી મહાસતીજી તેમજ પૂજય શ્રી પ્રીતિસુધાજી મહાસતીજી, પૂજય શ્રી અનુપમાજી મહાસતીજી અને પૂજય શ્રી મધુસ્મિતાજી મહાસતીજીના સાંનિધ્યે કાર્યક્રમ લાઈવ પ્રસારણના માધ્યમે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવની પ્રેરણાથી આયોજિત કરવામાં આવેલ.

મહાત્મા ગાંધીજીને માંસાહાર, મદિરપાન અને પરસ્ત્રીસંગ ન કરવાની અમોઘ પ્રતિજ્ઞા આપીને એમના અંતરમાં અહિંસા, સંયમ અને સત્યના બીજનું વાવેતર કરનારા ગોંડલ સંદ્યાણી સંપ્રદાયના મહાન સંત પૂજય શ્રી બેચરજી મહારાજ સાહેબ અને ૧૯ દિવસ સુધી ગાંધીજીએ જેમના પાવન સાંનિધ્યમાં અમૂલ્ય માર્ગદર્શન પામી પ્રેરણા પ્રાપ્ત કરી એવા શ્રમણ સંદ્યીય મહાસાધ્વી પૂજય શ્રી ઉજ્જવલકુમારીજી મહાસતીજીની ઐતિહાસિક ઘટના પર પ્રકાશ પાડીને આ અવસરે, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે કહ્યું હતું કે, મહાપુરુષોના મહાનતાનો જન્મ, જન્મથી નહીં પરંતુ કર્મથી થતો હોય છે. જેમના સાંનિધ્યની એક પળ પણ જન્મ - જન્મના સુસંસ્કારોને પ્રગટ કરનારી પળ બની જાય તે એક સંત હોય છે. સંત એ જ હોય છે જેના અંતરમાં સત્ હોય. એક ઋષિ એટલે કે સંત, એક એવા કૃષિકાર હોય છે જે ભવ્ય જીવોની હૃદયધરા પર સંસ્કારોના બીજનું વાવેતર કરી દેતા હોય છે. એવાં જ સંસ્કારોના બીજનું મહાત્મા ગાંધીજીના હૃદયમાં વાવેતર કરનારા પૂજય શ્રી બેચરજી સ્વામી અને પૂજય શ્રી ઉજ્જવલકુમારીજી મહાસતીજીના યોગદાનની સ્મૃતિ કરીને પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, મહાપુરુષોનું સત્વ એટલું પ્રબળ હોય કે તે શ્રેષ્ઠતાનું સર્જન કરી દેતું હોય છે. સ્વયં શ્રેષ્ઠ હોવા પર શ્રેષ્ઠ નથી બનાતું પરંતુ શ્રેષ્ઠતાનું સર્જન કરનારા શ્રેષ્ઠ હોય છે. દરેક મહાપુરુષના સર્જનમાં અનેક અનેક મહાન આત્માઓનું યોગદાન સમાયેલું હોય છે.

આ અવસરે યુવાચાર્ય પૂજય શ્રી મહેન્દ્રઋષિજી મહારાજ સાહેબે મહાત્મા ગાંધીજીએ ૧૯ દિવસ સુધી જેમનું સાંનિધ્ય મળ્યું હતું એવા શ્રમણસંઘીય સાધ્વીજી પૂજય ઉજ્જવલકુમારીજી મહાસતીજીના શ્રેષ્ઠ સંયમ જીવન પર પ્રકાશ પાડીને કહ્યું હતું કે, ઢાલ અને તલવાર વગર ગાંધીજી એ અહિંસાના શસ્ત્રથી સ્વતંત્રતા મેડવી હતી અને એવા અહિંસાના હિમાયતી મહાત્મા ગાંધીજી માત્ર પુસ્તકો વાંચીને ગાંધીજી નહોતાં બન્યાં પરંતુ સત્યના અધ્યયન અને ચિંતનથી મહાન બન્યાં હતાં.

ઉપાધ્યાય પ્રવર પૂજય શ્રી પ્રવિણઋષિજી મહારાજ સાહેબે મહાત્મા ગાંધીજી અને પૂજય ઉજ્જવલકુમારીજી મહાસતીજી વચ્ચેના વાર્તાલાપની ઐતિહાસિક ઘટનાને યાદ કરીને કહ્યું હતું કે, યુગપુરુષોના જીવનના દરેક દરેક પૃષ્ઠમાં એક એક યુગ સમાયો હોય છે. પૂજય શ્રી ઉજ્જવલકુમારીજી મહાસતીજી નામ એવા ગુણ ધરાવતાં હતા. તેઓ એક એવા સાધ્વી હતાં જેઓના શબ્દો સાંભળનારાના અંતરના અંધકાર દૂર થઈ જતાં.

સાધ્વીરત્ન પૂજય શ્રી ઉજ્જવલકુમારીજી મહાસતીજીના શિષ્ય પરિવારના પૂજય શ્રી પ્રીતિસુધાજી મહાસતીજીએ આ અવસરે ગાંધીજીને ભારતના વૈભવ સ્વરૂપે તેમજ પૂજય શ્રી ઉજ્જવલકુમારીજીને પ્રતિભાસંપન્ન, ભાગ્યવાન સાધ્વીજી તરીકે ઓળખાવીને એમના શિષ્ય પરિવારના હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયા બદલ અહોભાવ પ્રગટ કર્યો હતો. એ સાથે જ, પૂજય શ્રી જ્ઞાનપ્રભાજી મહાસતીજીએ આ અવસરે, મહાત્મા ગાંધીજીના સુક્ષ્મ અહિંસાના સંસ્કાર પ્રદાતા એવા પૂજય ઉજ્જવલકુમારીજી મહાસતીજીના ગુણો પર પ્રકાશ પાડીને ગાંધીજી સાથેના એમના ઐતિહાસિક વાર્તાલાપની સ્મૃતિ તાદૃશ્ય કરવી હતી. સુશ્રાવક અજયભાઈ શેઠે પણ ગાંધીજી અને શાસ્ત્રીજીની સ્મૃતિ કરતાં અહોભાવ પ્રગટ કર્યો હતો.

વિશેષમાં, દિલ્હી ક્ષેત્રની સ્થિરતા દરમ્યાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે શ્રી અમિતરાયજી જૈન અને દીપાંકરજીના સહયોગે ગાંધી સ્મૃતિ સ્થાનમાં પૂજય ઉજ્જવલકુમારીજી મહાસતીજીને સુપાત્રદાન અર્પણ કરતાં ગાંધીજીની ઐતિહાસિક તસવીર તેમ જ પૂજય બેચરજી સ્વામી દ્વારા ગાંધીજીને યુવાવયમાં આપવામાં આવેલી પ્રતિજ્ઞાની સ્મૃતિ કરાવતી તસવીરને સ્થાન આપવાનો પુરુષાર્થ કરીને સમગ્ર જૈન સમાજને જે ગૌરવ બક્ષ્યું છે તે બદલ દરેક સંત -સતીજીઓએ અત્યંત ઉપકારભાવ અને આભારની અભિવ્યકિત કરીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના કાર્યોની પ્રશસ્તિ કરી હતી.

આ અવસરે, મહાત્મા ગાંધી અને પૂજય શ્રી ઉજ્જવલકુમારીજી મહાસતીજી વચ્ચેના ઐતિહાસિક વાર્તાલાપનું દર્શન કરાવતી 'ગાંધી ઉજજવલ વાર્તાલાપ' પુસ્તકનું રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણા અને અજયભાઈ શેઠની ઉદારભાવનાના સહયોગે પુનઃપ્રકાશન તેમજ ઈંગ્લીશ ટ્રાન્સલેશન કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

(3:59 pm IST)