Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કાલે રામ મંદિર શિલાન્યાસ સાથે કરોડો હિન્દુઓની શ્રધ્ધા-આસ્થાનું સ્વરૂપ મૂર્તિમંત થશે : રાજુ ધ્રુવ

રાજકોટ તા. ૪ : પાંચમી ઓગસ્ટે અયોધ્યામા રામ જન્મભૂમિ સ્થળ પર જે શીલાન્યાસ થવાનો છે એ કોઇ સામાન્ય ઘટના કે કાર્યક્રમ નથી, પરંતુ વિશ્વભરમાં વસતા કરોડો ભારતીયો-હિન્દુઓની વર્ષો જુની મનોકામનાનો એક મહત્વનો પડાવ છે. કરોડો હિન્દુઓની શ્રધ્ધા આસ્થા કાલે મૂર્તિમંત થશે. તેમ ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવેલ છે.

તેમણે જણાવ્યુ છે કે વર્ષોથી ચાલતી એક યાત્રા એક નિર્ણાયક તબક્કે આવી પહોંચી છે. જેની પ્રતીક્ષા આ દેશના સાવ સામાન્યથી લઇને તમામ વર્ગના માનવીને હતી એ કાર્યનો આરંભ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ હિન્દુ સમાજને આપેલું વચન હવે પૂર્ણ થઇ રહ્યું છે. કાનૂનના દાયરાનું જરાય ઉલ્લંઘન કર્યા વગર આવડી મોટી સિધ્ધિ નરેન્દ્રભાઇ અને કેન્દ્ર સરકાર મેળવી રહ્યા છે.

૫મી ઓગસ્ટનો સૂર્યોદય ભારત માટે વિશેષ હશે. અયોધ્યામાં રામજન્મ ભૂમિ ખાતે ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય આરંભાશે. ત્યારે લાખો કરોડો હિન્દુઓના હ્રદયના ધબકારમાં રામમંત્ર ગૂંજશે. છેક સોળમી સદીમાં હિન્દુ ધર્મ અને હિન્દુસ્તાનની ધરતી પર લાગેલું કલંક આજે ૨૦૨૦ માં દૂર થઇ રહ્યું છે. ભગવાન રામની જન્મભૂમિ પરના મંદિરનો ધ્વંશ કરીને ત્યાં મસ્જિદ બનાવનાર બાબર અને તેના સુબા પછી વર્ષો સુધી એવા લોકોએ અહીં શાસન કર્યું જેમણે કરોડો લોકોની આસ્થાનો અનાદર કર્યા.

છેક ૮૦ ના દાયકાથી ભાજપે સતત માંગણી કરી કે અહીં તો ભગવાન રામનું મંદિર હોવું જોઇ. રાજકારણથી ઉપર ઉઠીને ભારતના ઉપેક્ષિત હિન્દુ સમાજની લાગણીને ભાજપે વાચા આપી. આદરણીય લાલકૃષ્ણ અડવાણીજી, મુરલી મનોહર જોશીએ રથયાત્રાઓ કાઢી અને હજારો કારસેવકોએ આ મંદિરની મનોકામના સેવી હતી. તેવું રાજુભાઇએ જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર બની ત્યારે અને ઉત્તર પ્રદેશની કોંગ્રેસ, મુલાયમસિંહ યાદવની સરકારોએ સતત પ્રયાસ કર્યા કે આ મુદ્દો વિવાદમાં રહે.

હિન્દોની સહિષ્ણુતાની સતત પરીક્ષા થઇ. ૧૯૪૯ મા પ્રથમ કેસ આ મુદ્દે દાખલ થયો પછી તાળાં ખૂલવા, મંદિરમાં પૂજા શરુ થવી એવું બધું થયું પરંતુ એમાં બાધા નાંખવાનું જ કામ થયુ. કેન્દ્રમાં ૨૦૧૪માં નરેન્દ્રભાઇની સરકાર આવી અને રામમંદિર નિર્માણના કાર્યને પણ અગ્રતા અપાઇ. ૨૦૧૯ માં કશ્મિર માંથી કલમ ૩૭૦ નું કલંક ધોયું. ૨૦૨૦માં આ મંદિરનો શિલાન્યાસ થઇ રહ્યો છે.

ભાજપ, આરએસએસ,વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ સહિતના સંગઠનોની વર્ષોની તપશ્ચર્યા જાણે પૂર્ણ થઇ રહી છે આ દિવસ સૂવર્ણ અક્ષરે લખાશે. તેમ  ખુશી વ્યકત કરતા રાજછુભાઇ ધ્રુવે જણાવ્યુ છે.

આ તકે જનસંઘ-ભાજપના સ્થાપકો ડો.શ્યામાપ્રસાદ મુખર્જી, પં.દીનદયાળ ઉપાધ્યાય, દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરુજીની પ્રેરણાથી શરૂ થયેલ દેશની એકતા અને અખંડિતતા માટેની એક રાષ્ટ્રીય વિચારયાત્રા અને રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા શ્રી અશોક સિંઘલજી, આચાર્યશ્રી ગિરિરાજ કિશોરજી, શ્રી વિષ્ણુહરી દાલમિયાં, સાધ્વી શ્રી ઋતુંભરાજી સહિત અનેક મહાનુભાવોના ત્યાગ, તપસ્યા, બલિદાન - પ્રદાનને યાદ કરી વંદન કરું છું તેમ અંતમાં અહોભાવ વ્યકત કરતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.

(1:03 pm IST)