Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

છેલ્લા ૨ દિ'માં ૧૨ ફેરિયાઓ કોરોના પોઝિટિવ : ફફડાટ

મ્યુ. કોર્પોરેશન દ્વારા ફેરિયાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે મેડીકલ કેમ્પ યોજાયો : જ્યુબેલી શાકમાર્કેટના ૧૧ અને શાકમાર્કેટ લલુડી વિસ્તારના ૧ સહિત કુલ ૧૨ ફેરિયાનો રિપોર્ટ પોઝિટિવ : ૭૬૩ ફેરિયાઓનું ચેકઅપ કરાયુ : જેમાં ૪૩૦નો કોરોના ટેસ્ટ

રાજકોટ તા. ૪ : શહેરમાં શાકભાજી વેચતા ફેરિયાઓ માટે મ્યુ. કોર્પોરેશને યોજેલા મેડીકલ કેમ્પોમાં છેલ્લા ૨ દિવસમાં ૧૨ ફેરિયાઓનો રીપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે શાકભાજી વેંચતા ફેરિયા ભાઇ-બહેનો કોરોનાના સુપર સ્પ્રેડર ન બને તે માટે આવશ્યક પગલાંઓના ભાગરૂપે તા. ૨ના રોજ જયુબિલી શાક માર્કેટ ખાતે અને તા. ૩ના રોજ લલુડી વોંકળી (કેનાલ રોડ) ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રૈયાધાર ખાતે આજે પણ ફેરિયાઓ માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કુલ ૧૫૨ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને ટેમ્પરેચર, SPO2 અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૩૬ લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી એક પણ કેસ પોઝિટિવ મળેલ નથી. તમામ ફેરિયાઓને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

જયુબિલી શાક માર્કેટ ખાતેના કેમ્પમાં કુલ ૨૮૬ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને ટેમ્પરેચર, SPO2 અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૨૧૨ લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી ૧૧ કેસ પોઝિટિવ મળતા વધુ સારવાર માટે રીફર કરાયા તેમને વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવેલ છે અને બાકીના ફેરિયાઓને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

લલુડી વોંકળી (કેનાલ રોડ) ખાતેના કેમ્પમાં કુલ ૨૨૫ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને ટેમ્પરેચર, SPO2 અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૮૨ લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી ૦૧ કેસ પોઝિટિવ મળતા વધુ સારવાર માટે રીફર કરાયા

તેમને વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવેલ છે અને બાકીના ફેરિયાઓને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

આ કેમ્પ વિશે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, શહેરમાં જે વિસ્તારોમાં ફેરીયાઓ વધુ પ્રમાણમાં રહે છે તેવા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરી કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. શાકભાજી વેંચવા માટે આ ફેરિયા ભાઈ – બહેનો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા હોય છે અનેઙ્ગ આ પ્રકારે ઘણા લોકોના આડકતરા સંપર્કમાં આવે છે. શાકભાજીના માધ્યમથી તેઓ કોરોના વાયરસના સુપર સ્પ્રેડર ન બની જાય તેવા આશય સાથે તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવાની ઝુંબેશ હાથ ધરાયેલી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, આ હેલ્થ કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકાની મેડિકલ ટીમે ફેરીયાઓનું સ્વાસ્થ્ય કેવું છે તેની પ્રાથમિક થર્મલ સ્ક્રિનિંગ અને પલ્સ ઓકિસમીટર વડે ચકાસણી કરવામાં આવેલ હતી.

(3:09 pm IST)