Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કારોબારી સમિતિમાં કામોની મુદત વધારાના મુદ્દે ગરમાવો,અધ્યક્ષ અને ડી.ડી.ઓ. આમનેસામને

કુલ ૪.૧૭ કરોડના વિકાસ કામોને બહાલી : પોતે બોલાવે ત્યારે શાખાધિકારીઓ આવતા ન હોવાની કે.પી. પાદરિયાની રાવ

રાજકોટ, તા. ૪ :  જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની ખાસ બેઠક આજે અધ્યક્ષ કે.પી. પાદરિયાની અધ્યક્ષતામાં મળેલ જેમાં ૪.૧ ૭ કરોડના વિકાસ કામોને બહાલી અપાઇ હતી. પંચાયતના કામોની મુદત વધારવા સરકારને જેની મંજુરી આપી છે તેને બહાલી આપવાના મુદ્દે ચર્ચામાં ગરમાવો આવી ગયેલ. એક તબક્કે અધ્યક્ષ પાદરિયા અને ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા શાબ્દીક રીતે આમનેસામને આવી ગયા હતા. ખેંચતાણના અંતે બહાલી આપવામાં આવી હતી.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને લગતા ૪.૧૭ કરોડના કામો મંજુર કરવામાં આવેલ. જિલ્લા પંચાયતના એડવોકેટ પેનેલ માટે હાઇકોર્ટના એડવોકેટ ઉત્સવ રાવલ, દિપક અલોરીયા અને અભિષેક ઠાકરની પસંદગીને બહાલી આપવામાં આવેલ. ર૦૦૯ પછી પંચાયતના વકિલોની ફીમાં વધારો કરાયો ન હોવાથી તે વધારીને બમણી કરવાનું ઠરાવાયું હતું. અંદાજે રૂ. ર૦ લાખના ખર્ચે સોલાર રૂફટોપ પંચાયતની કચેરીમાં લગાવવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

પંચાયત કચેરીમાં સફાઇ, વિંછીયા તાલુકામાં ગ્રામ્ય પંચાયત કચેરીનું કામ, જસદણ તાલુકામાં એ જ પ્રકારનું કામ તેમજ જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતેથી બાયોમેડીકલ વેસ્ટનાં નીકાલ માટેની દરખાસ્તની મંજુરી આપવામાં આવી હતી. આ દરખાસ્તોને સરકારે મંજુરી આપ્યા પછી કારોબારી તરફ મોકલવામાં આવી હતી.  અધ્યક્ષે દરખાસ્તનો અભ્યાસ કરીને મંજુર કરવાનો આગ્રહ રાખેલ. કારોબારી શુ માત્ર  બહાલી માટેની જ સમિતિ છે ?  મુદત વધી જવાનું કારણ શું ?  વગેરે સવાલ અધ્યક્ષે ઉઠાવ્યા હતાં. તેમણે આ દરખાસ્તો પડતર રાખવા વલણ અપનાવતા ડી.ડી.ઓ.એ દલીલ કરી સરકારે બહાલી આપેલ દરખાસ્તને કારોબારી રોકી શકે નહીં. રોકે તો મારે વિકાસ કમિશનરને અહેવાલ આપવો પડે તેમ જણાવી બહાલી આપવાની તરફેણ કરેલ.

આ મુદ્દે સામસામી ઘણી દલિલ થયેલ. ચંદુભાઇ શીંગાળાએ  બહાલી આપવાની તરફેણ કરેલ. લાંબી દલીલ બાદ આખરે અધ્યક્ષ સ્થાનેથી મંજુરી આપવામાં આવી હતી. હવે પછી આ પ્રકારની દરખાસ્તો પહેલા કારોબારીની મંજુરીમાં આવશે પછી સરકારમાં જશે તેમ ડી.ડી.ઓ.એ જણાવ્યું હતું.

(3:55 pm IST)