Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

નૈતિક અને અશ્વિન સ્પામાં રાજકોટની, બંગાળી, મરાઠી અને નેપાળી યુવતિઓને રાખી વેશ્યાવૃતિ કરાવતા'તા

ગ્રાહકો પાસેથી ૨૦૦૦ વસુલી લલનાઓને ૮૦૦-૮૦૦ અપાતા હતાં: યુનિવર્સિટી પોલીસે શુભધારા કોમ્પલેક્ષ મયુર ભજીયા ઉપર બીજા માળે લકઝરીયસ સ્પામાં દરોડો પાડ્યો

રાજકોટ તા. ૬: યુનિવર્સિટી રોડ પર શુભધારા કોમ્પલેક્ષમાં મયુર ભજીયા ઉપર બીજા માળે આવેલા લકઝરીયસ સ્પામાં કૂટણખાનુ ચાલતું હોવાની બાતમી મળતાં  યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી સંચાલક કૈલાસધારા પાર્ક-૧ પવન મકાનમાં રહેતાં નૈતિક રામજીભાઇ કાનકડ (ઉ.વ.૩૬) તથા એક પ્રોૈઢ વયના ગ્રાહકને પકડી લીધા હતાં. નૈતિકના ભાગીદાર તરીકે વૃંદાવન આવાસ યોજના કવાર્ટરના અશ્વિન કેશવજીભાઇ ચનીયારાનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી છે. પાંચ-છ દિવસથી કૂટણખાનુ ચાલુ થયાનું હાલ બહાર આવ્યું છે. જેમાં રાજકોટની, નેપાળી, બંગાલી અને મરાઠી યુવતિઓ પાસે વેશ્યાવૃતિ  કરાવવામાં આવતી હતી.

પીએસઆઇ એ. બી. જાડેજાની ફરિયાદ પરથી નૈતિક કાનકડ, અશ્વિન ચનીયારા અને પકડાયેલા ગ્રાહક વિરૂધ્ધ ધ ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫, ૬ તથા આઇપીસી ૧૮૮ તથા જીપીએકટ ૧૩૫ અને એપેડેમિક એકટની કલમ ૩ મુજબ ગુનો નોંધાયો છે. નૈતિક અને અશ્વિનને હાલ સ્પા બંધ રાખવાનો આદેશ હોવા છતાં ખુલ્લુ રાખી તેમાં કેટલાક દિવસથી વેશ્યાવૃતિ ચાલુ કરાવી હોવાની બાતમી મળતાં દરોડો પાડી તપાસ કરતાં સ્પામાં નીચેના ભાગે રૂમ નં. ૧ તથા ૨ અને ઉપરના ભાગે રૂમ નં. ૩ થી ૫ જોવા મળ્યા હતાં.

જેમાં રૂમ નં. ૩ અને ૫ બંધ હોઇ ખખડાવતાં રૂમ નં. ૩ અંદરથી એક સ્ત્રી અને પુરૂષ મળ્યા હતાં. યુવતિએ પોતે રાજકોટની જ હોવાનું અને સાથેના પુરૂષે પોતે ગ્રાહક તરીકે આવ્યાનું કહ્યું હતું. યુવતિએ પોતાને નૈતિક અને અશ્વિન સ્પામાં લાવયનું અને ગ્રાહકો સાથે શરીર સંબંધ બંધાવી આ બંને ૨૦૦૦ વસુલી પોતાને રૂ. ૮૦૦ આપતાં હોવાનું કહ્યું હતું. એ પછી પોલીસે રૂમ નં. ૫ અંદર તપાસ કરતાં ત્રણ યુવતિ મળી હતી. આ પૈકીને એક ૨૫ વર્ષની યુવતિએ પોતે મુળ બંગાળની, બીજી ૩૫ વર્ષની યુવતિએ પોતે મુળ મુંબઇની અને ત્રીજી ૨૪ વર્ષની યુવતિએ મુળ નેપાળની હોવાનું કહ્યું હતું.

આ ત્રેણેયએ એમ પણ કબુલ્યું હતું કે પોતાને અશ્વિન ચનીયારા અને નૈતિક કાનકડ અિ લાવ્યા છે અને સ્પામાં આવતા ગ્રાહકો પાસેથી ૨૦૦૦ વસુલી પોતાને સાથે શરીર સંબંધ બાંધવાનું કહી પોતાને ગ્રાહક દિઠ ૮૦૦-૮૦૦ આપે છે. કાઉન્ટર પર નૈતિક હાજર હતો. તેના ભાગીદાર અશ્વિન ચનીયારાની હાજરી ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજઅ ગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એએસઆઇ બી. ડી. ચુડાસમા, હેડકોન્સ. રાજેભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. જયંતિગીરી ગોસ્વામી, રાવતભાઇ ડાંગર, બ્રિજરાજસિંહ ગોહિલ, બલભદ્રસિંહ જાડેજા અને કોન્સ. મોનાબેન બુસાએ આ કામગીરી કરી હતી.

પોલીસે અલગ અલગ કંપનીના પાંચ મોબાઇલ ફોન રૂ. ૪૧૫૦૦ના તથા રૂ. ૨૦૦૦ રોકડા આરોપીઓ પાસેથી કબ્જે કર્યા છે.

(1:43 pm IST)