Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રાજકોટ જિલ્લા દૂધ સંઘ (ડેરી)ના ચેરમેન ગોરધનભાઇની જાહેરાત

દૂધ ઉત્પાદકોને કિલો ફેટે રૂ. ૧૦ વધ્યાઃ ગોપાલ ઘીના ડબ્બામાં રૂ. ૧પ૦ ઘટયા

રાજકોટ તા. ૬ :.. જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (રાજકોટ ડેરી)ના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયાએ તા. ૧૧ જૂલાઇથી દૂધ ઉત્પાદકોને કિલો ફેટે રૂ. ૧૦ વધારીને રૂ. ૬૭૦ કરવાની જાહેરાત કરી છે. ડેરીના ગોપાલ ઘીના ૧પ કિલોના ડબ્બાના હાલનાં ભાવ રૂ. ૬૩૦૦ છે તેમાં ૧પ૦ ઘટાડીને રૂ. ૬૧પ૦ કરવાનું જાહેર કરાયુ છે. બેંકના ચેરમેન જયેશ રાદડિયાના માર્ગદર્શન હેઠળ ડેરી પ્રગતિના પંથે છે. તા. ર૩ જૂલાઇએ ડેરીની સાધારણ સભા છે. તે વખતે જરૂર પડે તો પશુપાલકોના હિતમાં વધુ લાભદાયી નિર્ણયો લેવાનું વિચારાશે.

ગોરધનભાઇ ધામેલીયાએ જણાવ્યું છે કે, કપાસીયા ખોળખના ઉચા ભાવો, વરસાદની અનિયમિતતા વગેરેને ધ્યાનમાં રાખીને તેમજ અમુલ પાઉચ દૂધમાં થયેલ ભાવ વધારાનો લાભ દૂધ ઉત્પાદકોને મળી રહે તે માટે દૂધ સંઘે દૂધનાં ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. ૧૦ નો વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. ૬૭૦ કરવા નિર્ણય નકકી કરેલ છે.

અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. ૬૬૦ ચુકવવામાં આવી રહ્યો છે. દૂધ સંઘ દ્વારા તા. ૧૧-૭-ર૦ર૧ થી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે રૂ. ૬૭૦ ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. ૬૬પ ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ પ૦ હજાર દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે.

(12:05 pm IST)