Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કોરોના પૂરો થતા જમીન - મકાન - પ્લોટના દસ્તાવેજોમાં ધરખમ ઉછાળો : જૂનમાં ૧૦૮૪૧ દસ્તાવેજો થયા : ૪૨ કરોડની સ્ટેમ્પ આવક

ઝોન-૨માં સૌથી વધુ ૧૩૦૬ તો વિછીંયામાં સૌથી ઓછા ૯૦ દસ્તાવેજ : નોંધણી ફીની કરોડની આવક

રાજકોટ તા. ૬ : કોરોના કાળ પૂરો થતા અને કેસો સાવ નહિવત જેવું હોય, જમીન, મકાન, પ્લોટ, ફલેટમાં પણ તેજીના મંડાણ થયા છે, ખરીદ - વેચાણના સોદામાં જબરો ઉછાળો આવ્યાનું સબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રોએ ઉમેર્યું હતું.

સાધનોના જણાવ્યા પ્રમાણે રાજકોટના ૮ ઝોન તથા જિલ્લાના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, જસદણ, પડધરી, લોધીકા, કોટડાસાંગાણી, જામકંડોરણા, વિછીંયા થઇને કુલ ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઓનલાઇન દસ્તાવેજોની સંખ્યા જૂન મહિનામાં ૧૦૮૪૧એ પહોંચી ગઇ હતી. આમા સૌથી વધુ રાજકોટ ઝોન-૨માં ૧૧૦૬ તો સૌથી ઓછા વિંછીયા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૯૦ દસ્તાવેજ નોંધાયા છે.

કુલ ૧૦૮૪૧ દસ્તાવેજોમાં સરકારને ૪૨ કરોડ ૮૬ લાખની સ્ટેમ્પની તો નોંધણી ફીની ૭ કરોડ ૧૦ લાખની તોતીંગ આવક થઇ છે, સૂત્રોએ ઉમેર્યું હતું કે, જૂલાઇ મહિનામાં જૂન કરતા પણ દસ્તાવેજો વધશે, કારણ કે હાલ એક ડઝન સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઓનલાઇન સ્લોટનું ૮ દિ'નું વેઇટીંગ ચાલી રહ્યું છે.

(1:44 pm IST)