Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કોરોના મહામારી દરમ્યાન સિવિલ હોસ્પીટલમાં બેડ આપવા તોડ કરવાના ગુનામાં જામીન મંજુર

રાજકોટ તા. ૬: રાજકોટમાં તાજેતરમાં સીવીલ હોસ્પીટલમાં કોરોના દર્દીઓની સંખ્યા ખુબ વધવા લાગેલ જે અંગે ગત તા. ર૩-૦૪-ર૦ર૧ના રોજ પ્ર.નગર પો. સ્ટે. દ્વારા સીવીલ હોસ્પીટલમાં કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતા એટેન્ડેન્ટ અને સફાઇ કામદાર જગદિશભાઇ ભરતભાઇ સોલંકી તથા હિતેષભાઇ ગોવિંદભાઇ મહિડા સામે આઇ.પી.સી. કલમ-૪૦૬, ૩૩૬, ૧ર૦(બી) હેઠળ ગુન્હો નોંધાયેલ. જે અંગે પોલીસે તનપાસ કરી ચાર્જશીટ રજુ કરેલ. આરોપીએ ચાર્જશીટ રજુ થયા બાદ પોલીસ તપાસમાં ખામી હોવા અંગે નામ કોર્ટનું ધ્યાન દોરતા નામ. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે બન્ને આરોપીઓની જામીન અરજી સાંભળી આરોપીઓને જામીન પર છોડવા હુકમ ફરમાવેલ છે.

ફરીયાદની વિગત મુજબ તાજેતરમાં કોરોના વાઇરસની મહામારી ચાલતી હોય તેની સારવાર અન્વયે સીવીલ હોસ્પીટલમાં બેડ ખાલી હોય તથા સારવાર માટે બેડની લાંબી લાઇનો લાગેલી હતી. તે સમયે જામનગરના રહેવાસી અને સીવીલ હોસ્પીટલમાં એટેન્ડન્ટ અને સફાઇ કામદાર તરીકે નોકરી કરતા જગદિશ સોલંકી અને હિતેષ મહિડા દર્દીના સગા વ્હાલઓને વેઇટીંગમાંથી વચ્ચેથી લઇ દર્દીને બેડ અપાવી દેવા માટે રૂ. ૮૦૦૦/- નો તોડ કરેલ. જે અંગે શોશ્યલ મીડીયામાં સમગ્ર બનાવ અંગેનો વિડીયો વાયરલ થયેલ જે વાયરલ વિડીયો અનુસંધાને પ્ર.નગર પો. સ્ટે.નાઓએ બનાવ સ્થળે જઇ તપાસ કરી આરોપીઓની ધરપકડ કરેલ અને નામ. કોર્ટમાં રજુ કરેલ. નામ. નીચેની કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરેલ.

ત્યારબાદ પોલીસ સમગ્ર એફ.આઇ.આર. અન્વયે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ ચાર્જશીટ રજુ થયા બાદ આરોપીના એડવોકેટે નામ. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં બન્ને આરોપીઓ વતી જામીન અરજી દાખલ કરેલ.

હાલના ગુન્હામાં પોલીસ તપાસ પુર્ણ થઇ ગયેલ છે તથા ચાર્જશીટ દાખલ થઇ ગયેલ છે આરોપીઓ સામેનો ગુન્હો ગુણદોષ ઉપર નકકી કરતા ઘણો સમય લાગી શકે તેમ છે તે સંજોગોમાં જેલમાં રહેવાથી આરોપીઓના કુટુંબને ભરણપોષણ કરવામાં ઘણી તકલીફ પડે જેથી ગુન્હા સબબની ટ્રાયલ તથા કોર્ટોમાં કેસોનું ભારણ જોતા આરોપીઓ વિરૂધ્ધના કેસનો તાત્કાલીક નિકાલ આવે તેવી કોઇ શકયતા જણાતી નથી. જેથી આરોપીઓને શરતોને આધીન જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

કામમાં આરોપીઓ જગદિશભાઇ સોલંકી તથા હિતેષભાઇ મહિડા વતી યશસ્વી એસોસીએટ્સના યુવા એડવોકેટ વિવેકભાઇ ધનેશા, કિશન એસ. રાજાણી, વિજય સી. સીતાપરા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:10 pm IST)