Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રાજકોટ જિલ્લામાં 'પ્રજાના પ્રશ્નો' મોબાઇલ એપ.થી વાકેફ કરવા ટેકનિકલ ટીમોનો પ્રવાસ પ્રારંભ

વધુમાં વધુ લાભ લેનાર ગામોને પ્રમુખ ભૂપત બોદર તરફથી ઇનામ

રાજકોટ જિલ્લા પંચાયતની મોબાઇલ એપ.નો પ્રચાર માટેની ટેકનિકલ ટીમને સાંસદ મોહનભાઇ કુંડારિયા અને પ્રમુખ ભૂપત બોદરે પ્રસ્થાન કરાવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. : રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે દ્વારા 'ડિજિટલ ઇન્ડિયા'ના ભાગરૂપે રાજકોટ જિલ્લાના છેવાડાના લોકો સુધી સીધો સંવાદ સાધવા અને તેમને જોઇતી માહિતી અને પ્રશ્નોના જવાબ ઘેર બેઠા મળી જાય, સમય અને નાણાનો ફાયદો થાય તેવા ઉમદા હેતુથી 'પ્રજાના પ્રશ્નો' નામની મોબાઇલ એપ 'સ્વખર્ચે' બનાવવામાં આવેલ છે. ગુજરાતમાં પહેલીવાર જિલ્લા પંચાયત દ્વારા આવી એપ બનાવવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લા પંચાયત હેઠળના તમામ ૫૯૫ ગામોમાં મોબાઇલ એપનો કેવી રીતે ઉપયોગ કરવો તે પ્રત્યક્ષ સમજાવવા માટે રાજકોટ જિલ્લા પંચાયતથી પ્રમુખ બોદરના 'સ્વખર્ચે' ખાસ ૧૧ ટેકનિકલ ટીમ ૧૧ ગાડીઓમાં અઠવાડિયાના પ્રવાસ પર આજરોજ નીકળેલ છે જેને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ લીલીઝંડી બતાવી હતી. ટીમ દરેકે દરેક ગામમાં જશે અને ગ્રામ્ય લોકો અને તમામ આગેવાનો - અધિકારીઓને એપની ઉપયોગીતા સમજાવશે.

ગ્રામ્ય લોકો આ એપનો ઉપયોગ કરતા શીખે અને તેનો ફાયદો મેળવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા પ્રમુખ શ્રી બોદર દ્વારા સ્પર્ધા જાહેર કરવામાં આવેલ છે. જે ગામમાં સૌથી વધુ એપ ડાઉનલોડ થઇ હશે તે ગામને એટલે કે પ્રથમ નંબરે આવનાર ગામને પ્રમુખ બોદર પોતાના તરફથી રૂપિયા ૫૧,૦૦૦ તેમજ જિલ્લા પંચાયતની ૧,૦૦,૦૦૦ રૂપિયાની ગ્રાન્ટ ગામના વિકાસ માટે આપશે. બીજા નંબરે આવનાર ગામને પ્રમુખ બોદર પોતાના તરફથી રૂપિયા ૨૧,૦૦૦ તેમજ જિલ્લા પંચાયતની ૧,૦૦,૦૦૦ રૂપિયાની સ્વભંડોળ ગ્રાન્ટ અને ત્રીજા નંબરે આવનાર ગામને પ્રમુખ બોદર પોતાના તરફથી રૂપિયા ૧૧,૦૦૦ તેમજ જિલ્લા પંચાયતની ૧,૦૦,૦૦૦ રૂપિયાની સ્વભંડોળ ગ્રાન્ટ ગામના વિકાસ માટે આપશે. દરેક ગામના કોમ્પ્યુટર ઓપરેટરને એપ દિઠ રૂ. ૫ પ્રોત્સાહન અપાશે.

(3:14 pm IST)