Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

મોંઘવારીએ ગૃહીણીના બજેટ વિંખી નાખ્યા

આ સરકારને હવે ભગાડી મૂકોઃ કોંગ્રેસની અપીલ : ર૦૧૪ માં ક્રુડ અત્યત મોંઘુ હતું છતાં તે વખતે કોંગ્રેસ સરકારે મોંઘવારી પર કાબુ મેળવેલઃ વર્તમાન સરકાર માત્ર વિકાસનાં બણગા ફુંકી પ્રજાને ગુમરાહ કરે છેઃ મોંઘવારી મુદ્દે ગુજરાત ભાજપ મહિલા મોરચાના પ્રભારી ચૂપ કેમ?: પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી દિપ્તીબેન સોલંકીનો આક્રોશ

રાજકોટ તા. :.. હાલમાં મોંઘવારીએ અનહદ માઝા મૂકી છે. ગૃહીણીઓનાં બજેટ વેરવિખેર કરી નાખ્યા છે. છતાં મોંઘવારી મુદ્દે ગુજરાત ભાજપ મહીલા મોરચાનાં પ્રભારી અંજલીબેન રૂપાણી મુદ્દે ચૂપ કેમ છે ? તેવો સણસણતો સવાલ પ્રદેશ મહિલા કોંગ્રેસનાં મહામંત્રી દિપ્તીબેન સોલંકીએ એક નિવેદનમાં ઉઠાવ્યો છે.

મોંઘવારી મુદ્દે આક્રોશ વ્યકત કરતા પ્રદેશ મહીલા કોંગ્રેસ મહામંત્રી દિપ્તીબેને જણાવ્યુ હતું કે, કોંગ્રેસની સરકાર વખતે ર૦૧૪ માં જે ભાવ હતા ત્યારે આજ વડાપ્રધાન લોકસભા ચૂંટણી વખતે જીતવા માટે આખા દેશમાં બેનર લગાવ્યા. મોંઘવારી કી માર અબકી બાર મોદી સરકાર, શું વાત આજે ભુલાઇ ગઇ છે...! કોંગ્રેસની સરકારમાં તેલના ડબાના ભાવ ૧૧૦૦ થી ૧૪૦૦ સુધી હતા જે આજે ર૭૦૦ જેટલો છે ગેસનાં  બાટલાના ભાવ ૪૩૦ હતા જે આજે ૮૪૦ છે દૂધના ભાવ ૩૦ રૂપિયા લીટર હતા જે આજે ૬૦ છે. અનાજ, કઠોળ તથા અન્ય જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓમાં બેફામ ભાવ વધારો સરકાર લાવી છે. ત્યારે પેટ્રોલ-ડીઝલમાં પણ હવે ૧૦૦ ની પાર થવાની તૈયારી છે જેના કારણે ટ્રાન્સપોર્ટશન અને અનેક તૈયારમાં મોંઘવારી મોઢું ફાડી સામાન્ય અને મધ્યમ વર્ગને ગળી જવાની તૈયારી કરી રહી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ર૦૧૪ માં પેટ્રોલ-ડીઝલ ૬૮ રૂપિયા હતું ક્રુડ ૧૪૯ રૂ. ડોલર હતું તો પણ કોંગ્રેસ સરકારે એકસાઇઝ વધાર્યા વગર ભાવ ટકાવી રાખવા અને મોંઘવારીને કાબુમાં રાખવા પ્રખર અર્થશાસ્ત્રી મનમોહનસિંઘ દ્વારા પુરા પ્રયત્ન કર્યા હતા ત્યારે હાલના વડાપ્રધાન મોંઘવારી વધારી રહ્યા છે.

વિકાસની વાતોથી પુરા દેશમાં પ્રજાને ગુમરાહ કરી સત્તા કબજે કરી સામાન્ય માણસનું જીવવું દોયલું કરી નાખ્યું છે. સાથે સાથે લોકોના ધંધા-રોજગાર પણ સાવ પડી ભાંગ્યા છે ત્યારે આ વિકાસમાં બણગા ફુકતી સરકારને ભગાડી મુકવા પ્રજા જાગૃત બને તેવી અપીલ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત કોળી સમાજના મહિલા અગ્રણી દિપ્તીબેન સોલંકીએ નિવેદનના અંતમાં કરી છે.

(3:16 pm IST)