Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રૈયાધાર ખુન કેસમાં પકડાયેલ ત્રણ આરોપીઓનો શંકાનો લાભ આપી છુટકારો ફરમાવતી સેસન્સ કોર્ટ

બનાવને નજરે જોનારી, હથીયારો, મેડીકલ પુરાવો તદન વિરોધાભાસ છેઃ અદાલત

રાજકોટ, તા., ૬: અત્રે રૈયાધારના ખુન કેસમાં ત્રણેય આરોપીઓનો કોર્ટે છુટકારો ફરમાવેલ હતો.

અત્રેના કેસની વિગત એવી છે કે તા.રર-પ-ર૦૧૬ની રાત્રે રૈયાધારમાં રહેતા કાજલબેન ભરતભાઇ દેવીપુજકે ત્રણેય આરોપીઓ (૧) રાજુ વેલજી વાઘેલા (ર) પાચા દેવજી લીંબા (૩) પંકેસ વિનુ સોલંકી રહે. ત્રણેય આરોપીઓ રાજકોટવાળા સામે ગાંધીગ્રામ પો.સ્ટે.માં એવી ફરીયાદ આપેલ કે બનાવ રાત્રે પોતે તથા પતિ ગુ.ભરતભાઇ તથા નણંદ ભારતીબેન અને ભાઇ કરણ એમ બધા પોતાના ઘર પાસે બેઠા હતા. ત્યારે આ ત્રણેય આરોપીઓ આવી પંકસે ગુ.ભરતભાઇને માથામાં કુહાડો મારેલ અને બાકીના બન્ને આરોપીઓએ ગુ. ભરતભાઇને ધોકા પાઇપથી માર મારી ઇજા કરી ત્રણેય જણાએ ભરતભાઇનું ખુન કરેલ અને વચ્ચે ફરીયાદી કાજલબેન અને ભારતીબેન છોડાવવા પડતા તેઓ બન્નેને પણ આરોપીઓએ કુહાડાથી ઇજા કરેલ. જેથી બન્ને બનાવ નજરે જોનાર તેમજ ઇજા પામનારે સીવીલ હોસ્પીટલ રાજકોટમાં બનાવ રાત્રે સારવાર પણ લીધેલ અને ફરીયાદી પત્ની કાજલબેને ત્રણેય આરોપીઓ સામે ભરતભાઇનું ખુન કરવા તથા પોતાને અને ભારતીબેનને ઇજા કરવા અંગે ગાંધીગ્રામ પો.સ્ટે.માં ફરીયાદ આપેલ હતી.

આ કેસ મેઇન સેસન્સ કોર્ટમાં ચાલતા ફરીયાદી તથા બનાવમાં ઇજા પામનાર અને બનાવ નજરે જોનાર બધાએ આરોપીઓ સામે ફરીયાદ પક્ષના સમર્થનમાં જુબાની આપેલ. પક્ષકારોના વકીલોની કોર્ટે દલીલ સાંભળેલ. આરોપીઓના વકીલોની લેખીત દલીલ તથા વિવિધ ચુકાદાઓ ધ્યાને લઇ આ કેસમાં બનાવ નજરે જોનાર સાહેદ વિજયની  ઉલટ તપાસ જોતા આ સાહેદ બનાવ બાદ બનાવ સ્થળે પહોંચેલ છે. ગુજરનાર અને આરોપીઓ એમ બન્નેનું લોહી ગ્રુપ એક જ છે. બનાવ સ્થળે તથા બનાવ સમય અંગે બનાવ જોનારા અને બનાવમાં ઇજા પામનારાઓ સાહેદોએ જુદો જુદો પુરાવો આપેલ છે. બનાવ સ્થળે બનાવ સમયે લાઇટ ન હોવાનુ પુરાવો આવેલ છે. ફરીયાદ લેનાર તથા એફઆઇઆરનો ઉતારો કરનાર બન્ને પોલીસ અીધકારીઓએ ફરીયાદ હાથેથી લખેલી હોવાનું જણાવેલ છે. પરંતુ આ કેસમાં કોમ્પ્યુટર ટાઇપવાળી ફરીયાદ રજુ થયેલ છે. હાથેથી લખેલી ફરીયાદ ફરીયાદ પક્ષે રજુ કરેલ નથી. ફરીયાદમાં ફરીયાદીની સહી અંગે પણ જુદો જુદો પુરાવો આપે છે. ફરીયાદીએ ફરીયાદ બનાવ સ્થળે પો.સ્ટે.માં અને હોસ્પીટલે આપેલાનું જણાવેલ છે.

ફરીયાદ લેનાર અધિકારીએ ફરીયાદ હોસ્પીટલે લીધેલાનું જણાવેલ છે. આમ ફરીયાદ આપ્યાના સ્થળ અંગે જુદો જુદો પુરાવો આવેલ છે. બનાવમાં ઇજા પામનાર અને બનાવ નજરે જોનાર ફરીયાદી તથા સાહેદોએ ગુજરનારને તથા તેઓને કુહાડી, લાકડી, પાઇપ મારીને શરીરના જે ભાગમાં ઇજા કરેલાનું જણાવેલ છે. પરંતુ પી.એમ. કરનાર ડોકટરશ્રીએ તથા ઇજા પામનારાની સારવાર કરનાર ડોકટરે હથીયાર અંગે, ઇજા અંગે જુદો પુરાવો આવે છે. બનાવ નજરે જોનાર સાક્ષીઓએ ગુજરનારને શરીરના જે ભાગ ઉપર કુહાડો, લાકડી, પાઇપથી ઇજા કરેલાનું જણાવેલ છે. પરંતુ ગુજરનારનું પી.એમ. કરનાર ડોકટરે ગુજરનારનું મૃત્યુ હ્ય્દય અને લીવર પર ઇજા થતા મૃત્યુ થયેલાનું જણાવેલ છે અને મુદામાલવાળા હથીયારો, કુહાડો, લાકડી, પાઇપથી ગુજરનારને ઇજા થતા મૃત્યુ ન થયાનું જણાવેલ છે. જે અંગેના વિવિધ ચુકાદાઓ ધ્યાને લેતા તથા એફ.એલ.એલ.નો રીપોર્ટ ધ્યાને લેતા અને ઇજા પામનાર તથા બનાવ નજરે જોનારના કપડામાં લોહીના કોઇ ડાઘ નથી. બનાવ નજરે જોનાર ફરીયાદીએ બનાવ ૧૦૦ ફુટના દુરના અંતરેથી બનાવ બનાવ જોયા અંગે અને એ રીતે બનાવ સ્થળે આ સાહેદોની હાજરી હોવા અંગે અને આરોપીઓની ઓળખ વગેરે અંગેનો પુરાવો શંકાસ્પદ જણાય છે. બનાવ બન્યાના સમય અંગે તદન વિરોધાભાસી પુરાવો સાહેદોએ જણાવેલ છે વગેરે કોર્ટે ઠરાવી આ કેસના ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આરોપીઓ પૈકી આરોપી નં. ૧ તથા નં. ૩ તરફે લીગલ એડમાંથી રાજકોટના એડવોકેટ અશોક બી.ઠક્કર તથા આરોપી નં. ર વતી કમલેશભાઇ મહેતા રોકાયેલ હતા.

(3:56 pm IST)