Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રાયડી જૂથ કેળવણી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવી ધોરણ ૯ થી ૧૨ માં શાળાઓ શરૂ કરવા માગણી કરી

ઓનલાઇન શિક્ષણથી માત્ર 10 થી 15 ટકા જ વિદ્યાર્થીઓ ભણે છે બાકીના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની જાય છે : શામજીભાઈ દેસાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: રાયડી જુથ કેળવણી મંડળ ના સેક્રેટરી મોજ રાયડી ગામના આગેવાન શામજીભાઈ મેપાભાઇ દેસાઈ એ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાને તેમજ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી ને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને વિદ્યાર્થીઓના ભાવિ અંગે ચિંતા કરીને તાત્કાલિક અસરથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી ઓફ લાઇન શિક્ષણ ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે બધી શાળાઓ શરૂ કરવા માગણી કરી હતી
આવેદનપત્રમાં શામજીભાઈ દેસાઈ જણાવેલ કે વર્તમાન પરિસ્થિતિને અનુસાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો. ૯ થી ૧૨ માં ઓફ લાઈન શિક્ષણ શરૂ કરવાની તાતી જરૂરીયાત છે. તેવી જ રીતે પ્રાથમિક શાળાઓમાં પણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. ઓનલાઈન શિક્ષણથી ૧૦ થી ૧૫ % જેટલા બાળકોને જ શિક્ષણનો લાભ મળે છે. જયારે મોટા ભાગના બાળકો શિક્ષણથી વંચિત રહે છે.
હાલની પરિસ્થિતિ પ્રમાણે કોરોના મહામારીના કેસોમાં ખુબજ ઘટાડો જોવા મળી રહયો છે. તો વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગણી અને લાગણીને ધ્યાનમાં લઈ સમગ્ર ગુજરાતમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની ખુબજ જરૂરિયાત હોવાથી તે બાબતે યોગ્ય કરવા વિનંતી.
ઓનલાઈન શિક્ષણથી બાળકોના બૌધ્ધિકસ્તરમાં ઘટાડો થશે તેમજ આના કારણે ગુજરાત રાજયમાં યુવાધનમાં શિક્ષણની નબળાઈના કારણે બે રોજગારી ઉભી થશે જેની જવાબદારી આપણી અને આપણા તંત્રની માની શકાય તો તે બાબતે ગંભીરતા પુર્વક વિચારણા કરી ગુજરાતમાં ઓફલાઈન શિક્ષણ સત્વરે ચાલુ કરવું જોઈએ.
ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટની સુવિધાનો અભાવ તેમજ વાલીઓની આર્થિક સ્થિતિના અભાવે બાળકો પાસે એન્ડ્રોઈ મોબાઈલ ન હોય. તેથી ખુબજ ઓછા પ્રમાણમાં બાળકો ઓન લાઈન શિક્ષણમાં જોડાય છે. તો તેબાબતને ધ્યાનમાં લઈ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગે તુંરતમાં યોગ્ય નિર્ણય કરવા આવેદન પત્રમાં માગણી કરી હતી

   
(8:11 pm IST)