Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

એઇમ્સ - હીરાસર એરપોર્ટ - જનાના હોસ્પિટલ અને ડીસ્ટ્રીકટ કોર્ટના કામો સમયસર પૂરા કરવા કલેકટરે કમ્મર કસી

તમામ વિકાસકામોની સમીક્ષા માટે બેઠક યોજી જરૂરી સુચનાઓ આવતા અરૂણ મહેશ બાબુ

રાજકોટ તા. ૮ : રાજકોટ જિલ્લાના મહત્વના માળખાકીય વિકાસ કાર્યો નિયત સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પરિપૂર્ણ થાય તે અંગેની સમીક્ષા બેઠક રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

સૌરાષ્ટ્રના આર્થિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રના હબ સમાન રાજકોટમાં સ્માર્ટ સીટી મુજબના મહત્વના  આધુનિક માળખાકિય પ્રોજેકટસ જેવા કે એઇમ્સ, ગ્રીનફિલ્ડ હિરાસર ઇન્ટરનશેનલ એરપોર્ટ, પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ, જનાના હોસ્પીટલ, ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ તથા માધાપર ઓવરબ્રિજ સહિતના વિકાસ કામો અંગે યોજાયેલી સમિક્ષા બેઠકમાં કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ સંબંધિત વિભાગો અને અમલીકરણ અધિકારીઓ પાસેથી થયેલ કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી હતી.

આ તકે કલેટકરશ્રી અરૂણ મહેશ બાબુએ આ તમામ વિકાસકામો જાહેરજનતાની સુખાકારી માટે મહત્વપૂર્ણ હોઇ આ માળખાકીય વિકાસ કામો ગુણવત્ત્।ાસભર બને તથા નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી હોવાનું ભારપુર્વક જણાવતા વિકાસ કામો બાબતે ઉપયોગી સુચનો કર્યા હતા.

આ બેઠકમાં એઈમ્સના નોડલ ઓફીસર અને પ્રાંત અધિકારી (ગ્રામ્ય) વિરેન્દ્ર દેસાઇ, હીરાસર એરપોર્ટના નોડલ ઓફીસર પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૨ ચરણસિંહ ગોહિલ, જનાના હોસ્પીટલ અંગેના નોડલ ઓફિસર ડો. કમલ ગોસ્વામી, તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી,  માર્ગ અને મકાન વિભાગ(શહેર) કાર્યપાલક ઇજનેર નીતિશ કામદાર, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર શ્રી ઝાલા તથા રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમના પ્રોજેકટ ડાયરેકટર ડો. સુમીત વ્યાસ સહીત સંબંધીત વિભાગોના  અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:00 pm IST)