Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

કાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો

મુળ કોડીનાર પંથકના મહંત સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસ ૧૭ વર્ષથી ખોડિયારધામ આશ્રમમાં રહેતા'તાઃ કોટુંબીક ભત્રીજા અને ભત્રીજાના બનેવી તથા એક સેવક વિરૂધ્ધ ૨૦ પાનાની સ્યુસાઇડ નોટ લખી ૧ જુને આપઘાત કર્યો'તોઃ કુદરતી મોત ગણાવી અંતિમવિધી પણ કરી નાંખવામાં આવી હતી : કુવાડવા પોલીસે ટ્રસ્ટી મંડળના રામજીભાઇ લીંબાસીયાની ફરિયાદ પરથી મહંતના કુટુંબી ભત્રીજા કોડીનાર પેઢાવાડાના અલ્પેશ સોલંકી, અલ્પેશના બનેવી પ્રશ્નાવડાના હિતેષ જાદવ અને અવાર-નવાર ગાયો જોવા આશ્રમે આવતાં ગાંધીગ્રામના વિક્રમ ભરવાડ સામે ફરિયાદ દાખલ કર્યોઃ આરોપીઓની શોધખોળ

ઘટનાની માહિતી આપી રહેલા ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલ અને પીઆઇ એન. એન. ચુડાસમા : પોલીસે એક આરોપી વિક્રમ ભરવાડની તસ્વીર જાહેર કરી છે : અંતે મહંતના મોતનું રહસ્ય ખુલ્યું: મરવા મજબૂર થયા હતાં: તસ્વીરમાં મહંતનો નિષ્પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને તેઓ શ્રીરામચરણ પામ્યા તેની માહિતી સાથેનું લખાણ જોઇ શકાય છે. સ્યુસાઇડ નોટને આધારે પોલીસે ગુનો દાખલ કરતાં મહંતના મોતનું રહસ્ય ખુલી ગયું છે. તેમણે કુટુંબી ભત્રીજા સહિતના બ્લેકમેઇલીંગ અને ત્રાસને લીધે આપઘાત કરી લીધાનું હાલ બહાર આવ્યું છે.

રાજકોટ તા. ૯: રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા કાગદડીના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંત સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસના મોતનું રહસ્ય અંતે પોલીસે ઉકેલી નાંખ્યું છે. મહંતનું મોત કુદરતી નહોતું પણ તેમને કોડીનાર પંથકમાં રહેતો કુટુંબી ભત્રીજો, ભત્રીજાનો બનેવી અને રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો અને આશ્રમે સેવક તરીકે આવતો ભરવાડ શખ્સ બ્લેકમેઇલ કરી પૈસા પડાવતાં હતાં એ કારણે તેમણે કંટાળી જઇ સ્યુસાઇડ નોટ લખી ઝેર પી આપઘાત કરી લીધાનું ખુલતાં કુવાડવા પોલીસે હાલ તુર્ત આશ્રમના ટ્રસ્ટી મંડળમાં સામેલ કાગદડીના ખેડૂતની ફરિયાદ પરથી ત્રણેય તથા તપાસમાં ખુલે એ તમામ સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહંતના બે યુવતિ સાથેના અલગ અલગ છ વિડીયો બનાવી લઇ તેના આધારે તેમને બ્લેકમેલ કરી પૈસા પડાવાતાં હતાં, ત્રાસ ગુજારાતો હતો. આ કારણે તેઓ ૨૦ પાનાની સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરવા મજબૂર થયાનું હાલ સામે આવી રહ્યું છે.

વિગતો એવી છે કે કાગદડીમાં રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા શ્રી ખોડિયારધામ આશ્રમના મહંત સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસનું તા. ૧/૬/૨૦ના રોજ અવસાન થયું હતું. તેમનું કુદરતી મૃત્યુ થયાનું ગામલોકો-સેવકોને જણાવી તેમના અગ્નિ સંસ્કાર પણ કરી નાંખવામાં આવ્યા હતાં.  જો કે અંતિમવિધી થઇ ગયાના બે દિવસ પછી મહંતના ઉપરના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ ટ્રસ્ટીને મળી આવી હતી. તેમાં જે લખાણ હતું તે આ બનાવ કુદરતી મૃત્યુનો નહિ પણ આપઘાતનો હોવા તરફ ઇશારો કરતું હોઇ પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્યુસાઇડ નોટમાં જે નામો હતાં તે મહંતના જ કુટુંબી ભત્રીજા સહિતના હતાં. આશ્રમના ટ્રસ્ટી મંડળે પોલીસને જાણ કરતાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ બી. પી. મેઘલાતર, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સારદીયા તથા ડી. સ્ટાફની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સ્યુસાઇડ નોટને આધારે થયેલી તપાસને અંતે પોલીસે કાગદડીમાં રહેતાં ખેડૂત અને શ્રી ખોડિયારધામ આશ્રમના ટ્રસ્ટી મંડળ સાથે સંકળાયેલા રામજીભાઇ જેશાભાઇ લીંબાસીયા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી પોલીસે સોમનાથ ગીરના કોડીનાર તાબેના પેઢાવાડા ગામે રહેતાં મહંત સાધુ જયરામદાસબાપુના કુટુંબી ભત્રીજા અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, અલ્પેશના બનેવી સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે રહેતાં હિતેષ લક્ષમણભાઇ જાદવ અને રાજકોટ ગાંધીગ્રામમાં રહેતાં વિક્રમ દેવજીભાઇ સોહલા (ભરવાડ) તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ આઇપીસી ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી હાલ ત્રણેય મુખ્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ત્રણેય ફોન બંધ કરીને ગાયબ થઇ ગયા છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસ કાગદડી આશ્રમમાં છેલ્લા સત્તર વર્ષથી રહીને સેવાપૂજા કરતાં હતાં. તેઓ મુળ કોડીનાર પંથકના વતની હતાં. મહંત જયરામદાસબાપુ પર આરોપીઓ અલ્પેશ, હિતેષ અને વિક્રમે અવાર-નવાર માનસિક ત્રાસ ગુજાર્યો હતો. મહંતના બે યુવતિ સાથે જુદા જુદા છ વિડીયો બનાવી લેવાયા હતાં.  એ વિડીયો કલીપને આધારે મહંતને બ્લેકમેલ કરી ત્રણેયએ આર્થિક લાભ મેળવ્યો હતો અને હજુ પણ આ લાભ મેળવવાનો ચાલુ રાખ્યો હતો.

આ કૃત્યમાં અલ્પેશ અને તેના બનેવી હિતેષને ગાંધીગ્રામનો વિક્રમ પુરેપુરો સપોર્ટ કરતો હતો. વિક્રમ ભરવાડે તો મહંતને વારંવાર મારકુટ પણ કરી હતી. આ ત્રાસ આરોપીઓ દ્વારા શરૂ થયો હોઇ જેથી મહંત ખુબ કંટાળી ગયા હતાં અને તા. ૧/૬/૨૧ના રોજ સ્યુસાઇડ નોટ લખ્યા બાદ ઉપરના રૂમમાં જઇ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ત્રણેયએ તથા તપાસમાં ખુલે તેણે મહંતને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપી મરી જવા મજબૂર કર્યા હોઇ તેમણે આપઘાત કરી લીધાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસ સીસીટીવી કેમેરા પણ ચેક કરશે. તેમજ મહંત જે રૂમમાં હતાં ત્યાં ચાદર-કપડા ઉપર ઉલ્ટી જેવા નિશાન હતાં. તેના સેમ્પલ મેળવવા તજવીજ થશે અને ફોરેન્સિક નિષ્ણાંતની મદદ લઇ મહંતે કઇ દવા પીધી હતી તે જાણવા પ્રયાસ કરાશે.

ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલ, પીઆઇ એન. એન. ચુડાસમાએ બનાવની વિગતો જણાવી હતી. ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં પીઆઇ એન. એન. ચુડાસમા અને ટીમ વધુ તપાસ કરે છે.

દોઢ વર્ષ પહેલા મહંતનો વિડીયો ઉતારી લેવાયો હતોઃ ભત્રીજા સહિતએ કટકે કટકે ૨૦ લાખ પડાવ્યા'તા

. પોલીસે હાલ તો સ્યુસાઇડ નોટને આધારે જ ગુનો દાખલ કર્યો છે. પોલીસને એવી માહિતી મળી છે કે દોઢેક વર્ષ પહેલા આશ્રમના મહંતનો એક સ્ત્રી સાથે તેના જ કુટુંબી ભત્રીજા અને ભત્રીજાના બનેવીએ વિડીયો ઉતારી લીધો હતો. એ પછી આ બંને ટ્રસ્ટમાંથી નીકળી ગયા હતાં અને વિડીયો કલીપને આધારે મહંતને બ્લેકમેઇલ કરી પૈસા પડાવવાનું ચાલુ કર્યુ હતું. આ બંનેએ કટકે કટકે વીસેક લાખ રૂપિયા પડાવી લીધા હતાં.

વિક્રમ ભરવાડ આશ્રમમાં ગાયોને સાચવવા સહિતનું કામ કરતો હતો. તેણે પણ અલ્પેશ અને હિતેષ સાથે મળી મહંતને મારકુટ કરી આર્થિક લાભ મેળવ્યાની શકયતા છે. આ ત્રણેય ઝડપાયા બાદ વધુ વિગતો બહાર આવશે. આશ્રમમાં સ્ત્રીને લાવી મહંત સાથે વિડીયો ઉતારી લેવાનો પહેલેથી જ પ્લાન હતો કે કેમ? એ સહિતની વિગતો આરોપીઓ પકડાયા બાદ ખુલશે.

શ્રીખોડીયારધામ આશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મહંત પ્રમુખ હતાં બીજા નવ લોકો ટ્રસ્ટમાં સામેલ હતાં: આશ્રમમાં સવા સો જેટલી ગાયો પણ છે

. પોલીસ ફરિયાદમાં કાગદડીના રામજીભાઇ લીંબાસીયાએ જણાવ્યું છે કે શ્રીખોડિયારધામ આશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પણ છે. આ ટ્રસ્ટમાં ગોૈશાળા છે અને સવાસો જેટલી ગાયો પણ છે. ટ્રસ્ટના પ્રમુખ સાધુ જયરામદાસબાપુ હતાં. આ સિવાય ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા, મંત્ર રક્ષીતભાઇ કલોલા, સહમંત્રી ફરિયાદી પોતે, ખજાનચી શૈલેષભાઇ લુણાગરીયા, ટ્રસ્ટી સુરેશભાઇ વાછાણી, જગદીશભાઇ રણછોડભાઇ વેકરીયા તથા આરોપીઓમાં સામેલ હિતેષ લખમણભાઇ જાદવ અને હિતેષ લખમણભાઇ જાદવ પણ છે. ટ્રસ્ટનો સમગ્ર વહિવટ મહંત જયરામદાસ ગુરૂપ્રેમદાસબાપુ કરતાં હતાં. તેઓ આશરે સાંઇઠ વર્ષના હતાં.

હિતેષના કહેવાથી સેવક વિક્રમ ભરવાડે મહંતને મારકુટ કરી હતીઃ તે અવાર-નવાર ગાયો જોવા મહંત સાથે જતો હતો

.એક વખત વિક્રમ ભરવાડે હિતેષ જાદવના કહેવાથી મહંતને મારકુટ કરી હતી. વિક્રમ ભરવાડ આશ્રમે સેવક તરીકે આવતો જતો હતો અને મહંત સાથે ગાયો જોવા પણ વારંવાર જતો હતો. તે ગાયોની લેતીદેતી પણ કરતો હતો. વિડીયો બનાવવામાં વિક્રમનો પણ હાથ હોવાની શકયતા છે. આરોપીઓ પકડાયા બાદ આ વિગતો બહાર આવશે.

૧ જુને રામજીભાઇને ફોન આવ્યો-બાપુ જાગતા નથી...તપાસ કરતાં મૃત્યુ થયાનું જણાયું...એ પછી ટ્રસ્ટી મંડળે નક્કી કરી બીજી જુને અગ્નિસંસ્કાર કર્યા'તા

. આ બનાવમાં ફરિયાદી બનેલા રામજીભાઇએ કહ્યું હતું કે-તા. ૧/૬ના સવારે પોણા સાતેક વાગ્યે મને આશ્રમના સેવક પ્રવિણભાઇનો ફોન આવેલો કે બાપુ જાગતાં નથી, કંઇક થયેલ છે તમે આવો. આથી હું ત્યાં ગયો હતો. બાપુ સેટી પર સુતા હતાં. મેં જગાડવા છતાં જાગ્યા નહોતાં. જેથી મેં બીજા સેવકો, લાગતા વળગતાઓને અને ટ્રસ્ટીઓને જાણ કરી હતી. બાપુને જોતાં તેમનું મૃત્યુ થયું હોઇ એ દિવસે જ અંતિમ દર્શન રાખી બીજા દિવસે ૨ જુને આશ્રમના પ્રાંગણમાં જ અગ્નિસંસ્કાર કર્યા હતાં. ત્યારબાદ ૩ જુને ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ , અરવિંદસિંહ, હું, જગદીશભાઇ સહિતના ગયા હતાં.

અલ્પેશ અને તેના બનેવી હિતેષે દોઢ વર્ષ પહેલા વિડીયો બનાવ્યા હતાં: એ પછી ટ્રસ્ટી મંડળમાંથી નીકળી જઇ જેસીબીનો ધંધો ચાલુ કર્યો'તો

. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ટ્રસ્ટી મંડળમાં સામેલ મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકી અને અલ્પેશના બનેવી હિતેષ જાદવે દોઢ વર્ષ પહેલા જ ટ્રસ્ટી મંડળ છોડી દીધું હતું. એ પછી તેણે જેસીબીનો ધંધો ચાલુ કર્યો હતો. મહંતના યુવતિઓ સાથેના વિડીયો બનાવી લીધા બાદ આ બંનેએ કલીપને આધારે પૈસા પડાવી ધંધો ચાલુ કર્યાની શકયતા જણાઇ રહી છે. આરોપીઓ હાથમાં આવ્યા બાદ આ અંગેની સાચી વિગતો બહાર આવશે. ટ્રસ્ટી મંડળમાં બંને હતાં ત્યારે આશ્રમ ખાતે જ બંને ત્રણ વર્ષ સુધી રહ્યા હતાં.

સેવક પ્રવિણભાઇને ખબર પડી કે મહંતે ઝેર પીધું છેઃ મૃત્યુના ચાર-પાંચ દિવસ પહેલાથી સતત સુનમુન રહેતા હતાં

ટ્રસ્ટીઓ હરિદ્વારથી આવ્યા, રૂમ ખોલ્યો ને ૨૦ પાનાની ચિઠ્ઠી મળી

.એક તરફ ટ્રસ્ટી મંડળના સભ્યો અસ્થી વિસર્જન માટે હરિદ્વાર ગયા તાં ત્યારે બીજી તરફ સેવક પ્રવિણભાઇને ખબર પડી હતી કે મહંતે કોઇ ઝેરી દવા પી લીધી હતી. એ કારણે તેમનું મૃત્યુ થયું છે. પ્રવિણભાઇએ કહ્યું હતું કે બાપુનું મૃત્યુ થયું એ પહેલા ચાર-પાંચ દિવસ તે સતત સુનમુન રહ્યા હતાં. અલ્પેશ અને હિતેષની કોઇ બાબત હતી. મેં તેમને અગાઉ ફોન કરીને પુછ્યું પણ હતું કે બાપુ તમારે શેનું ટેન્શન છે? પરંતુ તેમણે કોઇ વાત કરી નહોતી. ત્યારે તેમણે કહેલું કે જે ટેન્શન હતું એ પુરૂ થઇ ગયું છે. આ પછી ટ્રસ્ટી મંડળના સભ્યો હરિદ્વારથી પરત આવ્યા હતાં અને બાપુના રૂમની ચાવી હોઇ રૂમ ખોલીસને તપાસ કરતાં ૨૦ પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જે વાંચીને બધા ચોંકી ગયા હતાં અને પોલીસને જાણ કરી હતી.

અલ્પેશે યુવતિ સાથેના વિડીયો ઉતાર્યા હતાં: ધીમે ધીમે ટ્રસ્ટીઓને કાઢી આશ્રમ હસ્તગત કરવાનો ઇરાદો હતો!?

. પોલીસે હાલ તો ૨૦ પાનાની સ્યુસાઇડ નોટને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં એવો ઉલ્લેખ છે કે મારા મોતનું કારણ અલ્પેશ અને હિતેષ છે. આ બંનેના કહેવાથી વિક્રમ ભરવાડે મારકુટ કરી હતી. અલ્પેશ દ્વારા બે છોકરી સાથેના છ વિડીયો ઉતારેલ છે. દબાણ કરી વિડીયો ઉતારી કબુલાત કરાવેલ છે. અલ્પેશ ધીમે ધીમે ટ્રસ્ટીઓને દૂર કરી બધુ હસ્તગત કરવાનો હતો. ચિઠ્ઠીના હસ્તાક્ષર મહંતના  હોવાનું અને તેમણે ૩૦મીએ આ ચિઠ્ઠી લખ્યાનું હાલ જાણવા મળ્યું છે.

મહંત રેલ્વેની નોકરી છોડી સન્યાસી બન્યા હતાં: ખુબ મોટા ગોૈભકત હતાં અને ૧૦૦૮ની પદવી મેળવી હતી

. જાણવા મળ્યા મુજબ જેમણે આપઘાત કર્યો એ મહંત જયરામદાસબાપુ મુળ કોડીનારના વતની હતાં અને રેલ્વેમાં નોકરી કરતાં હતા. આ નોકરી છોડીને બાદમાં તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કર્યો હતો. તેઓ પ્રખર ગોૈભકત, ધર્મ, જ્યોતિષના પણ જાણકાર હતાં. ૧૦૦૮ની પદવી પણ તેમણે મેળવી હતી. હાલમાં જ કુંભના મેળામાં ૨૫ લાખનો જમણવાર કર્યો હતો.  તેઓ દેશભરમાં સાધુ સંતો સાથે સંપર્કમાં હતાં અને તેમના મૃત્યુ બાદ રાજસ્થાનથી તેમના ગુરૂ પણ આવ્યા હતાં.

ભત્રીજા અને જમાઇને મહંતે જ ટ્રસ્ટી બનાવ્યા હતાં: એ જ મોતનું કારણ બન્યા

જાણવા મળ્યા મુજબ મહંત જયરામદાસ બાપુ સત્તર વર્ષથી કાગદડી આશ્રમમાં સેવાપુજા કરતાં હતાં. તેમણે જ કુટુંબી ભત્રીજા હિતેષ અને હિતેષના બનેવી અલ્પેશને આશ્રમના ટ્રસ્ટી મંડળમાં સામેલ કર્યા હોઇ અગાઉ આ બંને અહિ જ રહેતાં હતાં. એ પછી છેલ્લા બે વર્ષથી આ બંને ટ્રસ્ટમાંથી નીકળી ગયા હતાં અને હાલમાં હીટાચીનો ધંધો શરૂ કર્યો હતો. સ્યુસાઇડ નોટ મુજબ આ બંને જ હવે મહંતના મૃત્યુ પાછળનું કારણ બન્યા છે. જો કે બંને તથા બીજા આરોપી પકડાયા બાદ વધુ વિગતો બહાર આવશે.

(3:09 pm IST)