Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

દીકરી કેમ જન્મી અમારે તો દીકરો જોઇતો'તો કહી આરતીબેન સોલંકીને પતિ-સાસરિયાનો ત્રાસ

ન્યુ પરસાણાનગરમાં રહેતા પતિ વિજય, સાસુ લક્ષ્મીબેન, સસરા ધીરૂભાઇ અને દીયર પ્રકાશ અને નણંદ રસીલા સામે ગુનો

રાજકોટ,તા. ૯ : શહેરમાં વધુ એક પરણિતાએ સાસરિયાઓ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. હાલ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરણીતાએ ન્યુ પરસાણાનગરમાં રહેતા પતિ સહિતના સાસરીયાઓએ 'દીકરી કેમ જન્મી અમારે તો દીકરો જોઇતો હતો' કહી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

ગાંધીગ્રામમાં કષ્ટભંજન ચોક પાસે માવતરના ઘરે છેલ્લા પાંચ વર્ષથી રિસામણે આવેલી આરતી વિજયભાઈ સોલંકી (૩૨) દ્વારા મહિલા પોલીસ મથકમાં નોંધવવમાં આવેલી ફરિયાદમાં જામનગર રોડ પર ન્યુ પરસાણાનગર શેરી નંબર ૧૩ માં રહેતા પતિ વિજય સોલંકી, સસરા ધીરૂભાઇ સોલંકી, સાસુ, લક્ષ્મીબેન સોલંકી, દીયર પ્રકાશ સોલંકી અને નણંદ રસીલા સોલંકીના નામ આપ્યા છે. પરિણીતાના લગ્ન ગત તારીખ ૧૯/૨/૨૦૦૬ ના વિજય સાથે થયા હતા. આ લગ્નજીવન થકી સંતાનમાં ૧૧ વર્ષની પુત્રી રિદ્ઘિ ચાર વર્ષનો પુત્ર હરભમની પ્રાપ્તિ થઈ છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ લગ્નના દોઢેક વર્ષ સારી રીતે રાખ્યા બાદ પતિએ તેણે માવતર આપેલા દાગીના ગીરવે મૂકી દીધા હતા જે દાગીના માંગતા તારે દાગીના પહેરીને કયાં જવું છે તેમ કહી ઝદ્યડો કરતો હતો અને ચારિત્ર પર શંકા કરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું. દારૂ પીવાની કુટેવ ધરાવનાર પતિ ગાળો બોલી મારકૂટ કરતો હતો.

પરિણીતાએ દીકરીને જન્મ આપતા સાસરિયાઓને ગમ્યું ન હતું અને કહ્યું હતું કે તારે દીકરી કેમ આવી?દીકરો કેમ ન આવ્યો? તેમ કહી મેણાટોણા મારવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં તને દ્યરકામ નથી આવડતું રસોઈ નથી આવડતી સહિતની બાબતોએ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું.

પરિણીતા બીજી વખત ગર્ભવતી બની ત્યારે પણ તેને પિયરમાં મોકલી દીધી હતી બીજા સંતાનરૂપે પરિણીતાને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. દરમ્યાન સાસુ-સસરા તેના દ્યરે આવ્યા હતા પરંતુ તેમણે પૌત્રનું મોઢું પણ જોયું ન હતું. જેથી પરિણીતાએ પતિને વાત કરતા તેણે કહ્યું હતું કે તેમણે માનતા રાખી છે માટે મોઢું નથી જોયું, પરંતુ દિવસો પસાર થયા બાદ પણ પતિ તેડવા ન આવતા પરિણીતાએ પતિને માનતા બાબતે પૂછતાં તે ઉશ્કેરાયો હતો અને કહ્યું હતું તારે મને કંઈ કહેવું નહીં.બીજી તરફ સાસરિયા પક્ષના કોઈ તેડવા ન આવતા તેણીએ પતારીખ ૩૦/૧૦/૨૦૧૭ ના ફેમિલી કોર્ટમાં પતિ વિરુદ્ઘ ભરણપોષણનો કેસ કર્યો હતો. પરંતુ તેમાં પણ પતિ હાજર ન રહેતા કોર્ટે તેની વિરુદ્ઘ પકડ વોરંટ કાઢયું હતું આ કેસ કર્યા બાદ પણ પતિ કે સાસરીયા પક્ષના કોઈ સભ્યો પરિણીતાને તેડવા ન આવ્યા કે સમાધાનની કોઈ તૈયારી ન દર્શાવતા અંતે પરણિતાએ આ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ જે.જી.ચૌધરીએ તપાસ હાથ ધરી છે.

(4:08 pm IST)