Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

માસ્કનો દંડ નહીં ભરવા દંપતી રોડ ઉપર બેસી ગયું

રાજકોટનો વીડિયો વાયરલ થયો : દંપતીનો વીડિયો ઉતારનાર યુવકને પોલીસે માર માર્યો, યુવકે પણ પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો

રાજકોટ,તા.૯  : સામાન્ય લોકો પાસેથી જ્યારે દંડ વસૂલવાની વાત આવે ત્યારે નાગરિકો એમ માને છે કે, દંડ માત્ર પોલીસ પાસેથી તેમની પાસેથી જ વસૂલાય છે. ત્યારે હવે ગુસ્સામાં આવેલા લોકો પણ આકરા પાણીએ આવી જાય છે. રાજકોટમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આમ્રપાલી બ્રિજ પાસે માસ્કનો દંડ ભરવા બાબતે દંપતીએ રોડ પર બેસીને વિરોધ કર્યો હતો. દંપતીનો આ વીડિયો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. લોકોને કામકાજથી નીકળવાનો ટાઈમ થાય ત્યારે જ પોલીસ દંડ વસુલતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ પ્રજાને હેરાન કરી રહી હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વીડિયો મંગળવારનું હોવાનું સામે આવ્યું છે.

          જેમાં આમ્રપાલી બ્રિજ પાસેથી એક દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે ત્યાં ઉભેલા પોલીસ જવાનોએ તેમને રોક્યા હતા. માસ્ક મામલે પોલીસે દંપતીને દંડ ભરવા કહ્યું હતુ. ત્યારે દંપતીએ તેનો વિરોધ કર્યો હતો અને બંને રસ્તા પર બેસી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો ત્યા ઉભા રહેલા લોકોએ ઉતાર્યો હતો અને વાયરલ કર્યો હતો.  દંપતીની ઘટના બની તેની સાથે બીજી એક ઘટના બની હતી. દંપતીનો વીડિયો ઉતારનાર એક યુવકને પણ પોલીસ માર માર્યો હતો. આ યુવકે પણ પોલીસે માર માર્યો હોય તેવો આક્ષેપ કર્યો કે મને ઝાપટ મારી અને યુવાન પણ રડવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે,  માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ સાથે પોલીસને ઘર્ષણ પણ થતા હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. નાગરિકો પોલીસ દ્વારા હેરાનગતિની વાત કરે છે. તો બીજી તરફ પોલીસ પણ લોકો નિયમો પાળવામાં સહયોગ આપતા ન હોવાનું રટણ કરે છે.

(9:04 pm IST)