Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

બુધવારે ભાજપની છાતીના પાટિયા બેસી જશે !

પત્રકાર પરિષદ : ઇન્‍દ્રનીલભાઇએ કહ્યું કેજરીવાલની સભામાં એટલી જનમેદની ઉમટશે કે.... : ‘આપ'ના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ બેફામ ‘નોન ગુજરાતી સી.આર.પાટીલની વ્‍હાઇટ કોલર ગુંડાગીરીનો પાપનો ઘડો ફૂટી જશે...' : ગુજરાતમાં રબ્‍બર સ્‍ટેમ્‍પ મુખ્‍યમંત્રી છે - યાદવ : શાષાી મેદાનમાં વિરાટ સભાનું આયોજન : ૧૧મીએ રાજકોટમાં કેજરીવાલ વિવિધ ક્ષેત્રોના લોકો સાથે મીટીંગ કરશે : રાત્રી રોકાણ રાજકોટમાં

‘આપ'ની પત્રકાર પરિષદમાં ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ તથા ‘આપ'ના અગ્રણીઓ ઇન્‍દ્રનીલ રાજગુરૂ, રાજભા ઝાલા, અજિત લોખિલ, વશરામભાઇ સાગઠિયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરિયા)
બુધવારે શાષાી મેદાનમાં ‘આપ' શંખનાદ કરશે
૧૧મીએ રાજકોટના શાષાી મેદાનમાં અરવિંદ કેજરીવાલની સભા યોજાશે. આ માટે તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૯ : દિલ્‍હીના મુખ્‍યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આગામી તા. ૧૧ના રાજકોટ આવી રહ્યા છે. શાષાી મેદાનમાં સાંજે ૭ વાગ્‍યે જાહેરસભાનું આયોજન થયું છે.
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ‘આપ'ના નેતા ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂએ દાવો કર્યો હતો કે, ૧૧મીએ રાજકોટની સભામાં એટલી જનમેદની ઉમટશે કે, ભાજપની છાતીના પાટિયા બેસી જશે.
જો કે શ્રી રાજગુરૂએ કહ્યું હતું કે, સભા અંગે અમે મ્‍યુ. કમિશનર તથા પોલીસ કમિશનર પાસે વિધિવત મંજૂરી માંગી છે. રાજકીય સભાઓમાં ભાજપને જે સવલતો મળે છે, તે અમને મળવી જોઇએ. તંત્ર જરા પણ આનાકાની કરશે તો ‘આપ' નિર્ણાયક લડત આપશે. ઉપરાંત ઇન્‍દ્રનીલભાઇએ ભાજપને ઉદ્દેશીને કહ્યું હતું કે, ભાજપીઓ ‘આપ'થી ડરીને કાર્યકરોના વાહન રોકશે તો જોયા જેવી થશે.
‘આપ'માં જોડાવા અંગે શ્રી રાજગુરૂએ કહ્યું હતું કે, સમાજનું કલ્‍યાણ ઇચ્‍છતા હોય તેવા આગેવાનો - લોકોનું આપમાં સ્‍વાગત છે.
પત્રકાર પરિષદમાં ‘આપ'ના ગુજરાત પ્રભારી અને ધારાસભ્‍ય ગુલાબસિંહ યાદવે જણાવ્‍યું હતું કે, આગામી તા. ૧૧ના કેજરીવાલજી રાજકોટ આવશે. એરપોર્ટ પરથી સીધા હોટલ ઇમ્‍પીરીયલ પેલેસ જશે ત્‍યાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો સાથે પોલિટીકલ મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું છે. અરવિંદજી સાંજે સાત વાગ્‍યે શાષાી મેદાન પહોંચશે અને ત્‍યાં વિરાટ સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. સભા બાદ કેજરીવાલજી રાત્રી રોકાણ રાજકોટમાં કરશે અને સવારે દિલ્‍હી જવા રવાના થશે.
પત્રકાર પરિષદમાં ગુલાબસિંહ યાદવે બેફામ નિવેદનો કર્યા હતા. ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ તાજેતરમાં અરવિંદ કેજરીવાલને મહાઠગ કહ્યા હતા તેની પ્રતિક્રિયારૂપે શ્રી યાદવે જણાવ્‍યું હતું કે, નોન ગુજરાતી સી.આર.પાટીલ ગુજરાતમાં વ્‍હાઇટ કોલર ગુંડાગીરી ચલાવે છે. ગુજરાતના મુખ્‍યમંત્રી રબ્‍બર સ્‍ટેમ્‍પ જેવા છે, નોન ગુજરાતી સી.આર.પાટીલ સુપર મુખ્‍યમંત્રી બનીને વ્‍હાઇટ કોલર ગુંડાગીરી કરે છે તેમના પાપનો ઘડો ફૂટી જવાની તૈયારી છે. સુરતમાં ‘આપ'ના કાર્યકરો પર અત્‍યાચારનો ઉલ્લેખ કરીને શ્રી યાદવે જણાવ્‍યું હતું કે, ભાજપની ગુંડાગીરી અને પોલીસની ગેરકાનૂની કાર્યવાહી હતી. આપના કાર્યકરો પર ભાજપે અત્‍યાચાર કર્યો છતાં પોલીસે આમ આદમી પાર્ટીનાક કાર્યકરો સામે એફઆઇઆર કરી છે !
શ્રી યાદવે બહુચર્ચિત બગ્‍ગા પ્રકરણ અંગે કહ્યું હતું કે, ભાજપના નેતા બગ્‍ગાએ ખાલીસ્‍તાન અંગે કેજરીવાલજી સામે આક્ષેપો કર્યા બાદ પંજાબ પોલીસે બગ્‍ગા વિરૂધ્‍ધ કાર્યવાહી કરી તો ભાજપને આકરૂં પડી ગયું. હરિયાણામાં પંજાબ પોલીસને રોકીને તેના પર અપહરણનો કેસ કર્યો ! આ મામલે હાઇકોર્ટે દિલ્‍હી અને પંજબની પોલીસને ફટકાર લગાવી છે. હવે લોકોએ ભાજપને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું છે.

 

(2:22 pm IST)