Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રીબડા પાસે કારખાનામાં ચડ્ડી-બનીયાનધારી ટોળકી ત્રાટકીઃ ૧૪.૫૮ લાખની ચોરી

રાજકોટના પિયુષભાઇ રાણીપાના કારખાનામાંથી રોકડની ચોરી કરી બાજુના કારખાનામાં પણ ચોરીનો પ્રયાસઃ ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ

રીબડા પાસે કારખાનામાં ચડ્ડી-બનીયાનધારી ટોળકી ત્રાટકી : રીબડા પાસે પાઇપના કારખાનામાં ચડ્ડી-બનીયાનધારી ટોળકીએ ત્રાટકી લાખોની રોકડ રકમની ચોરી કરી હતી તે દ્રશ્‍યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. તે નજરે પડે છે. (તસ્‍વીરઃ કમલેશ વસાણી, શાપર-વેરાવળ)
રાજકોટ, તા., ૧૦: ગોંડલના રીબડા પાસે ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોનના પાઇપના કારખાનામાં ચડ્ડી-બનીયાનધારી ટોળકીએ ત્રાટકી ૧૪.૫૮ લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતા.
પ્રાપ્‍ત વિગતો મુજબ ગોંડલના રીબડા ગામ પાસે આવેલ ઉમીયા ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોન-૧૦ના પ્‍લોટ નં. ર૧૧-૧ર માં આવેલ ટેરા ફલોપાઇપ તથા મારૂતી રબ્‍બર નામના કારખાનામાં મોઢે બુકાની બાંધેલ ચડ્ડી-બનીયાનધારી ટોળકી રાત્રે ત્રાટકી હતી.  ચડ્ડી-બનીયાનધારી ટોળકીએ સૌ પ્રથમ ટેરાફલો પાઇપ નામના કારખાનાના પાછળના ભાગે આવેલ બારીની લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ્‍યા હતા અને બાદમાં ઓફીસમાં પ્રવેશી ટેબલના ખાનામાં પડેલ ૧૪,૫૮,૯૦૦ની રોકડ રકમ ચોરી કરી ગયા હતા. ત્‍યાર બાદ આજ ચડ્ડી-બનીયાધારી ટોળકી બાજુમાં આવેલ દિનેશભાઇના મારૂતી રબ્‍બર નામના કારખાનામાં બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી ચોરી કરવાની કોશીષ કરી હતી. પણ કંઇ હાથ લાગ્‍યું ન હતું.
બીજે દિ' સવારે આવેલ કારખાનાના માલીક પિયુષભાઇ સુભાષભાઇ રાણીપા (રહે. મવડી-કણકોટ રોડ, ડ્રીમ સીટી, બી-૩૦૧, રાજકોટ) ને ઓફીસમાંથી રોકડ રકમની ચોરી થયાની જાણ થતા તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઇ મહેન્‍દ્રસિંહ પરમાર સહિતનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો.
પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ ચોરી કરનાર ચડ્ડી-બનીયાનધારી ટોળકીના પાંચથી વધારે વ્‍યકિતઓ કે જેની ઉંમર ૨૫ થી ૩૫ છે. તેણે મોઢા પર બુકાની બાંધેલ છે. આ ચડ્ડી-બનીયાનધારી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે પણ મોં પર બુકાની બાંધેલ હોય ઓળખ કરવી મુશ્‍કેલ છે. ચડ્ડી-બનીયાનધારી ટોળકીના બે સાગ્રીતો કારખાનામાં ચોરી કરવા પ્રવેશે છે અને બાકીના બહાર ઉભા છે તે સીસીટીવીમાં નજરે પડે છે. તેમજ ચોરી કર્યા બાદ આ ટોળકી ખેતર માર્ગે નાસી ગયાનું માલુમ પડે છે.
જયા ચોરી થઇ છે તે કારખાનું રાત્રે બંધ રહે છે અને ત્‍યાં બે મજુરો રાત્રે સુવે છે. રાત્રે મજુરોને સુતા રાખી ચડ્ડી-બનીયાનધારી ટોળકી રોકડ રકમ ચોરી કરી ગઇ હતી.
આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે કારખાનેદાર પિયુષભાઇ રાણીપાની ફરીયાદ ઉપરથી અજાણ્‍યા ચડ્ડી-બનીયાનધારી પાંચ શખ્‍સો સામે ગુન્‍હો દાખલ કર્યો હતો. પોલીસે ડોગ સ્‍કવોડ અને ફિંગર પ્રિન્‍ટ નિષ્‍ણાંતોની મદદ લઇ તપાસ શરૂ કરી છે. વધુ તપાસ તાલુકાના પીએસઆઇ મહેન્‍દ્રસિંહ પરમાર ચલાવી રહયા છે.

 

(2:39 pm IST)