Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

હયાત નથી તેવા બે ફલેટના બોગસ દસ્‍તાવેજને આધારે કરોડોની લોન લઈ લીધી !

ઈન્‍ફીનીટી હાઉસ બિલ્‍ડીંગ પ્રોજેકટમાં બિલ્‍ડરનું મહા ભોપાળું !

રાજકોટ, તા. ૧૦ : કાલાવડ રોડ ઉપર આવેલી ઈન્‍ફીનીટી હાઉસ નામના ફલેટ પ્રોજેકટમાં ફલેટ ખરીદવા માટે સોદો કરનાર વિપુલ જગજીવન લોઢીયાને ડેવલોપર અને બિલ્‍ડર ધિરેન અમૃતલાલ ધોરડાએ તેણે ખરીદેલા ફલેટ ઉપર લોનનો બોજો હોવાનું છુપાવી સંબંધિત ફલેટનો સોદો કરી સવા કરોડ વસૂલી ફલેટનો દસ્‍તાવેજ ત્રાહીત વ્‍યકિતને કરી આપવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્‍હો નોંધ્‍યો હતો. આ ઘટનાક્રમમાં આજે વિપુલ જગજીવન લોઢીયાએ વધુ કેટલાક પુરાવાઓ પોતાની લેખિત અરજી સાથે રજૂ કર્યા છે. જેમાં સ્‍થળ ઉપર ફલેટ હયાત ન હોવા છતાં બે ફલેટોના સાટાખત રજીસ્‍ટર્ડ કરાવી તેના ઉપર ૧ કરોડ ૧૩ લાખની લોન મેળવી લીધાનું કૌભાંડ આચર્યાનું જાહેર કરાયુ છે.

પોતાની લેખિત અરજીમાં વિપુલ લોઢીયાએ જણાવ્‍યુ છે કે આ સ્‍કીમના મ્‍યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડમાં મંજૂર નકશાઓમાં માત્ર ૧૦ જ ફલેટ દર્શાવાયા છે. જયારે બિલ્‍ડર અને ડેવલોપર ધિરેન ધોરડાએ દસ્‍તાવેજ ૧૩ ફલેટના કરી આપ્‍યા છે. સ્‍થળ ઉપરથી ગાયબ ૩ ફલેટના બોગસ દસ્‍તાવેજો ઉભા કરી તેના ઉપર કરોડોની લોન મેળવી લેવાયાના આક્ષેપો પુરાવા સાથે રજૂ કરાયા છે.

લેખિત અરજીમાં જણાવાયુ છે કે અમારી સાથે થયેલી છેતરપીંડીના મુખ્‍ય આરોપી બિલ્‍ડરે બેન્‍કીંગ ફ્રોડ, બોગસ રેવન્‍યુ દસ્‍તાવેજોના આધારે કર્યા છે. ફલેટ નં.૧૦૧ના સાટાખટ નં.૩૦૭૩ તા. ૧૯-૬-૨૦૧૮ના રજીસ્‍ટર મયુર ભીખાલાલના નામે કરાવી તેમના નામે આઈસીઆઈસીઆઈ બેન્‍કમાંથી લોન લઈ લેવામાં આવી છે. વાસ્‍તવિકમાં આવો કોઈ ફલેટ હયાત નથી. આવી જ રીતે ફલેટ નં.૧૦૨નું તા. ૩-૬-૨૦૨૦ના ૧૭૩૩ નંબરથી સાટાખત રજીસ્‍ટર કરવામાં આવ્‍યુ છે. અમિત ધોરડાના નામે થયેલા આ સાટાખત ઉપરથી પણ આઈસીઆઈસીઆઈ બેન્‍કની લોન લઈ લોન ચાલુ હોવા છતા સાટાખત ઓન પેપર રદ્દ કરી નાખવામાં આવ્‍યુ છે અને આ ફલેટ રવિ પ્રભુદાસ તન્‍નાને ૧૪-૬-૨૦૧૯ના દસ્‍તાવેજ કરી વેંચી નાખ્‍યો છે. કોર્પોરેશનમાં મંજૂર પ્‍લાનમાં ફર્સ્‍ટ ફલોર ઉપર પાર્કીંગ છે. અને બિલ્‍ડીંગની વાસ્‍તવિક સ્‍થિતિએ ૫+૧=૬ માળ છે. હાલમાં સ્‍થળ ઉપર ૨૦૧-૨૦૨, ૩૦૧-૩૦૨, ૪૦૧-૪૦૨, ૫૦૧-૫૦૨ અને ૬૦૧-૬૦૨ એમ ૧૦ ફલેટ હયાત છે. પણ ૧૦૧ અને ૧૦૨ નંબરના ફલેટ કે જેના સાટાખત કરી કરોડોની લોન લઈ લેવામાં આવી છે. તે સ્‍થળ પર હયાત નથી. આમ બિલ્‍ડરે બોગસ દસ્‍તાવેજોના આધારે કરોડોનો બેન્‍કીંગ ફ્રોડ કર્યાનું પ્રસ્‍થાપિત થાય છે. પોલીસ આ બારામાં વધુ તપાસ કરે તેવી માંગણી વિપુલ જગજીવનદાસ લોઢીયા રહે. શ્રી રેસીડેન્‍સી, ૬/૯, કૃષ્‍ણનગર, સ્‍વામીનારાયણ ચોક દ્વારા માંગણી કરવામાં આવી છે.

(2:02 pm IST)