Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

શાપર-વેરાવળ ગ્રામ પંચાયત પીવાનું પાણી આપતું નથીઃ વીજ તંત્ર લાઇટ આપતું નથીઃ દાખલા મળતા નથી

આંબેડકર સેનાના કાર્યકરો દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજુઆત

શાપર-વેરાવળના આંબેડકરનગરના અગ્રણીઓએ કલેકટરને આવેદન પાઠવી રજુઆતો કરી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૧૧: શાપર-વેરાવળના આંબેડકર સેનાના અગ્રણી કાર્યકરોએ કલેકટરને આવેદન પાઠવી લાઇટ-રહેઠાણના દાખલા-પીવાના પાણી અંગે રજુઆતો કરી હતી.આવેદનમાં ઉમેર્યું હતું કે, શાપર તથા વેરાવળ ગ્રામ પંચાયતમાં રહેઠાણના દાખલા કાઢી દેવામાં આવતા ન હોય અમોને પી.જી.વી.સી.એલ.નું લાઇટ કનેકશન દાખલા વગર મળતું નથી. અમારી પાસે હાલ રહેવા માટે જગ્‍યા ના હોય સરકાર દ્વારા કોઇપણ જાતની મકાન કે પ્‍લોટની સહાય આપેલ નથી તો અમો એક નાગરિક તરીકે સરકારી જમીન પર હાલ રહીએ છીએ તો વારંવાર પી.જી.વી.સી.એલ.ના માધ્‍યમથી અમારા લાઇટના દોરડા કાપી નાખે છે તો અમો મીટર લેવા માંગીએ છીએ અને તે ગ્રામ પંચાયતના દાખલા સિવાય આપતા ના હોય તો અમોને લાઇટ માટે દાખલા ગ્રામ પંચાયત કાઢી આપે એવી આપને અરજ છે.
ગ્રામ પંચાયત તરફથી કહેવામાં આવે છે કે જીલ્લા પંચાયતના મનાય હુકમના કારણે અમે આપી શકતા નથી. ભારતનું સંવિધાન રોટી કપડા મકાન અને સારૂં ફૂડ પાણી મળે તેના માટે બંધાયેલ હોય તો, અમારા વિસ્‍તારમાં પીવાના પાણી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં નથી આવતું તો પાણીની સુવિધા થાય અને લોકો આવા તડકામાં હેરાન ન થાય. અમે લાઇટ વેરો પાણી વેરોભરવા પણ તૈયાર છીએ તેમ ઉમેર્યું હતું. આવેદન દેવામાં પ્રકાશ સિંધવ, રાહુલ ચાવડા, નરેશભાઇ બગડા વિગેરે જોડાયા હતા.

 

(3:11 pm IST)