Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કોર્ષ કર્યા વગર સર્ટીફીકેટ મેળવી લેનાર ૪ ની ધરપકડ

સરકારની માન્યતા વગર ડીગ્રી-ડીપ્લોમાં અને અલગ-અલગ ટેકનીકલ ટ્રેડના સર્ટીફીકેટ વેચવાનું કૌભાંડ સૌરાષ્ટ્ર ઇલેકટ્રોનીક ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (એસ.ઇ.આઇ.ટી. એજયુકેશન) ના સંચાલક અને મુખ્ય સુત્રધાર જેંતી સુદાણી ૩ દિવસના રિમાન્ડ પરઃ રાજકોટ ઉપરાંત જુનાગઢ-જામનગર બ્રાન્ચ ઓફીસમાંથી કેટલા સર્ટીફીકેટ વાંચ્છુઓને અત્યાર સુધીમાં ૧પ હજાર મેળવી સર્ટીફીકેટ કાઢી આપ્યા? ચાલી રહેલી તપાસ

સર્ટીફીકેટનો ખુલ્લેઆમ ધંધો કરતી શૈક્ષણીક સંસ્થાઓ ચલાવતા આવા કેટલાક  કૌભાંડકારો સક્રિય ?  આવી સંસ્થાઓ  ઉપર શિક્ષણ વિભાગની કોઇ લગામ કેમ નહિ?

રાજકોટ, તા., ૧૧ઃ સૌરાષ્ટ્ર ઇલેકટ્રોનીક ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી નામની લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર ઓફીસ ખોલી ડીગ્રી-ડીપ્લોમાં અને જુદા જુદા ટેકનીકલ ટ્રેડના કોઇ પણ સરકારી માન્યતા વગર ૧પ હજાર વસુલી સર્ટીફીકેટ આપી દેનાર એસઇઆઇટી એજયુકેશનના સંચાલક અને મુખ્ય સુત્રધાર જયંતી લાલજીભાઇ સુદાણી (ઉ.વ.૬ર) (રહે. શિવદ્રષ્ટી સોસાયટી, નાનામવા મેઇન રોડ)ને ૩ દિવસના રિમાન્ડ પર ક્રાઇમ બ્રાન્ચે મેળવ્યો છે. દરમિયાન કોઇ પણ તાલીમ કે કોર્ષ કર્યા વગર સર્ટીફીકેટ  મેળવી રહયાનું જાણતા સંદીપ ગોરધનભાઇ સગપરીયા જાતે પટેલ (ઉ.વ.૩૧) (રહે. ચરખડી, તા. ગોંડલ, જી.રાજકોટ), રાહુલ ભરતભાઇ રાઠોડ (જાતે કડીયા) (ઉ.વ.૩૪) (રહે. કોઠારીયા રીંગ રોડ, સનાતન પાર્ક, રાજકોટ), રાહુલદેવ દિનેશભાઇ પરમાર (ઉ.વ.૩૬) જાતે રાવળદેવ (રહે. ગોંડલ રોડ, ખોડીયારપરા મેઇન રોડ, રાજકોટ) અને કૌશીક પ્રભુદાસ ધોરાજીયા જાતે મિસ્ત્રી (ઉ.વ.૩૧) (રહે. ચરખડી, તા. ગોંડલ, જી. રાજકોટ)ની આ પ્રકરણમાં આજે ધરપકડ કરવામાં આવી હતી.

છેલ્લા ૧પ વર્ષથી વધુ વર્ષથી એસઇઆઇટી એજયુકેશનના નામે લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર ઓફીસ ખોલી જામનગર અને જુનાગઢમાં બ્રાન્ચો ખોલનાર જયંતી સુદાણીએ આજ દિવસ સુધીમાં કોઇ પણ પ્રકારનો કોર્ષ કે તાલીમ આપ્યા વગર સર્ટીફીકેટ કેટલા વેચ્યા? તે બાબતમાં પીઆઇ  જે.વી.ધોળા, પીએસઆઇ એ.બી.વોરા, પીએસઆઇ દિગ્વીજયસિંહ, એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, એએસઆઇ ભરતભાઇ વનાણી, એએસઆઇ ભરતભાઇ કલાલ, પોલીસ હે.કો. અશોકભાઇ કલાલ, પોલીસમેન એભલભાઇ બરાલીયા, અજયભાઇ ભુંડીયા અને વિરેન્દ્રસિંહ જાડેજા તપાસ ચલાવી રહયા છે. રાજકોટ, જામનગર, જુનાગઢ બ્રાન્ચોમાંથી અત્યાર સુધીમાં આ કૌભાંડના નામે કેટલી કટકી કરવામાં આવી અને ડીપ્લોમા-ડીગ્રી સહીતના જુદા જુદા કયાં કયાં ટ્રેડની કોઇ પણ પ્રકારની તાલીમ વગર જાણતા હોવા છતા સર્ટીફીકેટ મેળવ્યા તેનો તાગ મેળવાઇ રહયો છે.

આટલા લાંબા સમયથી એજયુકેશન સંસ્થા કોઇ પણ સરકારી માન્યતા વગર ચાલતી હોવા છતાં શિક્ષણ વિભાગ કે યુનિવર્સિટીના કોઇ પણ સતાવાળાઓએ આ સંસ્થા ઉપર કેમ કોઇ પગલા લીધા નહી? તે મુ્દો મહત્વનો બની ગયો છે.

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.વી.ધોળા, પીએસઆઇ એ.બી.વોરા અને ટુકડી વધુ તપાસ ચલાવી રહી છે.

(4:05 pm IST)