Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ત્રણ ટ્રેકટર ટ્રોલીની ચોરીના બે આરોપીના અદાલત દ્વારા જામીન મંજૂર

રાજકોટ તા. ૧૧ : શહેરમાં ત્રણ ટ્રેક્‍ટર ટ્રોલી ઉઠાવી જઇ બારોબાર વેચી દેવાના ગુનામાં પકડાયેલા બે આરોપીઓની જામીન અરજી અદાલત દ્વારા મંજૂર કરવામાં આવી છે.વિગત મુજબ શહેરના રાધા મીરા ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયા, ભાવનગર રોડ ગંજીવાડા કોકાકોલા ના કારખાના પાસેથી તેમજ સ્‍વાતિ પાર્ક શેરી નંબર ૫ માંથી ત્રણ સ્‍થળે રાખવામાં આવેલા જુદા જુદા ત્રણ ટ્રેક્‍ટરોની ટ્રોલી સાથે ચોરી થયા અંગે જે તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનમાં જુદી-જુદી ત્રણ ફરિયાદ નોંધાઇ હતી.

ત્રણેય ફરિયાદની તપાસ દરમિયાન પોલીસે ઉપરોક્‍ત ત્રણેય ગુન્‍હા રાજકોટમાં આજીડેમ સામે આવેલ માંડા-ડુંગર વિસ્‍તારમાં રહેતા (૧) બિપિનભાઈ રાજુભાઇ સાટીયા અને (૨) ગણપતભાઈ જગાભાઈ મીરની ધરપકડ કરી રિમાન્‍ડ મેળવી વિસ્‍તૃત તપાસ કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. તેમાં જે.એમ.એફ.સી. કોર્ટે બંનેને જયુડિશ્‍યલ કસ્‍ટડીમાં લઈ જેલહવાલે કર્યા હતા. બાદમાં બંને આરોપીઓએ તેમના વકીલ મારફત રાજકોટની  સેશન્‍સ કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજીનાં કામે તેમના વકીલ અશ્વિન એ. મહાલિયા દ્વારા કરવામાં આવેલ ધારદાર અને સચોટ દલીલો ધ્‍યાને લઈને બંને આરોપીઓને જામીન ઉપર મુક્‍ત કરવાનો સેશન્‍સ કોર્ટે હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી અશ્વિન એ. મહાલિયા રોકાયા હતા.

(4:39 pm IST)