Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પ્રેમિકાના ભાઇએ માર મારતા મિથુન ઠાકરનું મોત નિપજતા બનાવ હત્‍યામાં પલ્‍ટાયો

ઇજાગ્રસ્‍ત પ્રેમી મિથુનને અમદાવાદ હોસ્‍પીટલમાં ખસેડાયો જ્‍યાં તેનું મોત નિપજ્‍યુ : આજે સુમૈયાએ આપઘાતનો પ્રયાસ કરતા સઘળી વિગતો બહાર આવી : ભાઇએ પ્રેમીને ઝુડી નાખતા પ્રેમિકાનો આપઘાતનો પ્રયાસઃ યુવતી સુમૈયા કડીવારએ પોતાની જાતે શરીર પર છરી ઝીંકી દેતા હોસ્‍પીટલમાં: પ્રેમિકાના ભાઇએ માર મારતા મિથુનને ગંભીર ઇજા સાથે અમદાવાદ હોસ્‍પિટલમાં ખસેડાતા ત્‍યાં તેનું મોત નિપજ્‍યુ

રાજકોટ, તા., ૧૧: જંગલેશ્વરમાં રાધા-કૃષ્‍ણ ચોકમાં પ્રેમિકાના ભાઇએ યુવાનને બેફામ માર મારતા તેને સિવિલ હોસ્‍પિટલ બાદ અમદાવાદની હોસ્‍પિટલમાં ખસેડાતા ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજતા બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. આ બનાવને પગલે આજે બપોરે પ્રેમિકાને લાગી આવતા  પોતાના શરીર ઉપર છરીના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જંગલેશ્વર રોડ, રાધાકૃષ્‍ણ ચોકમાં રહેતી સુમૈયા રફીકભાઇ કડીવાર (ઉ.વ.૧૮)એ આજે પોતાના ઘરે હાથ ઉપરછરીના ઘા ઝીંકી દઇ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્‍પીટલમાં ખસેડાયેલ છે.
આપઘાતનો પ્રયાસ કરતા સુમૈયાએ હોસ્‍પીટલના બિછાનેથી  એવી કેફીયત આપી હતી કે, તેના પ્રેમસબંધની જાણ થઇ જતા તેના ભાઇ શાકીરે બાજુમાં રહેતા તેના પ્રેમી મિથુન બિપીનભાઇ ઠાકર (ઉ.વ.૧૯)ને  ઢ઼ોર માર માર્યો હતો. પ્રેમી મિથુનને ઇજા થતા પ્રથમ રાજકોટ સિવિલ હોસ્‍પીટલ અને ત્‍યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્‍પીટલમાં ખસેડાયેલ હતો જ્‍યાં તેનું મોત નિપજતા બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. પ્રેમી મિથુન હોસ્‍પીટલમાં અગાસી પરથી પડી જતા ઇજા થયાની કેફીયત સાથે હોસ્‍પીટલમાં દાખલ થયો હતો.
પ્રેમીને ભાઇએ ઢોર માર માર્યાની જાણ થતા સુમૈયાએ આજે પોતાના હાથ પર છરીના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભક્‍તિનગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ. ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.

 

(4:43 pm IST)