Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

દૂધમાં ફોરેન ફેટની ભેળસેળ : ત્રણ નમૂનાઓ ફેઇલ

આરોગ્ય વિભાગનું ખાણીપીણીના ૨૨ સ્થળે ચેકીંગ : ૪૬ કિલો વાસી ખોરાકનો નાશ : મુંજકામાં ઝડપાયેલ દૂધ અને સામાકાંઠાની શિવશકિત ડેરીના દૂધના મ.ન.પા.એ લીધેલા જેમાં ભેળસેળ ખુલી : પ્રહલાદ પ્લોટ આશાપુરા ડેરીના દૂધનો નમૂનો પણ સબસ્ટાન્ડર્ડ

રાજકોટ તા. ૧૧ : મ.ન.પા.ના આરોગ્ય વિભાગે થોડા દિવસો અગાઉ રાજ્ય સરકારની સુચનાથી છૂટક વેંચાતા દૂધના નમૂનાઓ લેવાયા હતા. જેમાંથી ત્રણ નમૂનાઓને રાજ્ય સરકારની લેબોરેટરીએ ફેઇલ કર્યા છે. કેમકે તેમાં ફોરેન ફેટની ભેળસેળ, ઓછા એસ.એન.એફ. અને વધુ પ્રમાણમાં બી.આર. રીડીંગ હોવાનું ખુલ્યું હતું.

જ્યારે ગણેશ ઉત્સવના તહેવારો દરમિયાન ખાણીપીણીના ૨૨ સ્થળોએ પણ આરોગ્ય વિભાગે ચેકીંગ કરી અને ૪૬ કિલો અખાદ્ય - વાસી ખોરાકનો નાશ કર્યો હતો. આ અંગે મ.ન.પા.ના આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેર કરેલી વિગતો મુજબ આરોગ્ય વિભાગે ગાંધીગ્રામ-૨, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (મુંજકા) ખાતે બોલેરો વાહનમાં રાખેલા મીકસ દૂધના જથ્થામાંથી લીધેલા નમૂનામાં ફોરેન ફેટની ભેળસેળ ખુલી અને બી.આર. રીડીંગ વધુ હોવાથી સરકારી લેબોરેટરીમાં આ નમૂનો નાપાસ કરાયેલ.

જ્યારે આશાપુરા રોડ પ્રહલાદ પ્લોટમાં આશાપુરા ડેરીમાંથી લેવાયેલ દૂધના નમૂનામાં એસ.એન.એફ. ઓછા હોવાથી નમૂનો નાપાસ કરાયેલ હતો.

અને સામાકાંઠે પેડક રોડ સ્વીમીંગ પુલ પાસે ગ્રીન ગોલ્ડ સોસાયટી-૧માં આવેલ શિવશકિત ડેરી ફાર્મમાંથી લીધેલા મિકસ દૂધના નમૂનામાં પણ ફોરેન ફેટની ભેળસેળ હતી અને બી.આર. રીડીંગ વધુ હોય. આ નમૂનો ફેઇલ કરાયો હતો.

૪૬ કિલોવાસી ખોરાકનો નાશ

ગણેશ ચતુર્થીના તહેવારને અનુલક્ષીને જાહેરજન આરોગ્ય હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા સંતકબીર રોડ, ભુપેન્દ્ર રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં કુલ ૨૨ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી સડેલા કુલ ૧૮ કિ.ગ્રા. બટેટા, વાસી ૦૧ કિ.ગ્રા. પનીર, ૨૧ કિ.ગ્રા. સોસ, વાસી બટેટાનો માવો ૩ કિ.ગ્રા., વાસી બાફેલા શાકભાજી ૨ કિ.ગ્રા. નો સ્થળ પર નાશ કરવામાં આવેલ. ૧ લાઇવ પફ વર્લ્ડ સંતકબીર રોડમાંથી વાસી સડેલા ૧૮ કિ.ગ્રા. બટેટા, રોયલ ચાઇનીઝ પંજાબી ભુપેન્દ્ર રોડમાંથી વાસી સોસ ૪ કિ.ગ્રા. વાસી બાફેલા શાકભાજી ૨ કિ.ગ્રા., જય સિયારામ વડાપાઉં ભુપેન્દ્ર રોડમાંથી  વાસી સોસ ૪ કિ.ગ્રા., ખેતલાઆપા વડાપાઉ ભુપેન્દ્ર રોડમાંથી વાસી સોસ ૫ કિ.ગ્રા., દિલખુશ વડાપાઉં ભુપેન્દ્ર રોડ વાસી સોસ ૫ કિ.ગ્રા., સિતારામ પાણીપુરી સંતકબીર રોડમાંથી વાસી બટેટાનો માવો ૩ કિ.ગ્રા., રામદેવ નાસ્તા સેન્ટર સંતકબીર રોડમાંથી વાસી સોસ ૩ કિ.ગ્રા., કાર્તિક ઢોસા સંતકબીર રોડમાંથી વાસી પનીર ૧ કિ.ગ્રા. વગેરે સ્થળનો સમાવેશ છે. 

(2:41 pm IST)