Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

બનાવટી ચલણી નોટો છાપવા અંગે પકડાયેલ અરવિંદ અકબરીને ૧૦ વર્ષની સજા

રૂ. ૨૦૦૦ - ૫૦૦ અને ૨૦૦ના દરની બનાવટી નોટોનું છાપકામ કરતા પોલીસે આરોપીને ઝડપી લઇને કોર્ટમાં ચાર્જશીટ કર્યુ હતુ : રાસાયણીક પરિક્ષણમાં આરોપીએ છાપેલી નોટો :બનાવટી હોવાનું પુરવાર થાય છે : જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને સજા ફટકારતી કોર્ટ : અધિક સેસન્સ જજ પી.એમ.ત્રિવેદીનો ચુકાદો

રાજકોટ તા. ૧૨ : રાજકોટના એડી. સેશન્સ જજ પી.એમ. ત્રીવેદી મેડમે ભારતીય ચલણની રૃા.ર૦૦૦, રૃા.પ૦૦ અને રૃા.ર૦૦ની બનાવટી ચલણી નોટોના છાપકામ વખતે પકડાયેલ આરોપી અરવિંદ ધીરૃભાઈ અકબરી, ઉ.વ. ૪ર ને ૧૦વર્ષની સખ્ત કેદની સજા અને રૃા.ર૭,૦૦૦નો દંડ ફરમાવેલ છે. 

 આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, તા.૧૬/૦૬/ર૦૧૯ ના રોજ રાત્રીના ૧૦૩૦ કલાકે એસ.ઓ.જી. પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ આસ્થા રેસીડેન્સીની પાછળ આવેલ મકાનમાં અરવિંદ અકબરી નામનો ઈસમ ભારતીય ચલણની બનાવટી નોટોનુ છાપકામ કરી આ નોટોને ખરી નોટો તરીકે ઉપયોગમાં લે છે. આ મુજબની બાતમી મળતા એસ.ઓ.જી. પોલીસે બે પંચોને તાત્કાલીક બોલાવી પ્રાથમિક પંચનામુ તૈયાર કરી આરોપી અરવિંદ અકબરીના ઘરે રાત્રીના ૧૧૩૦ કલાકે રેઈડ કરેલ. રેઈડ દરમ્યાન આરોપીના ઘરે ઝેરોક્ષ મશીન તથા ચલણી નોટોના છાપકામ માટે અનુરૃપ હોય તેવા કોરા કાગળો તથા સાહીની બોટલો મળી આવેલ. આ સમયે ઝેરોક્ષ મશીનની પાસે રૃા.ર૦૦૦, રૃા.પ૦૦ અને રૃા.ર૦૦ ના દરની છપાયેલ બનાવટી નોટો મળી આવેલ હતી.

એસ.ઓ.જી.ના પી.આઈ.શ્રી આર.વાય. રાવલે મોબાઈલ એફ.એસ.એલ. અધિકારીને બોલાવીને આ નોટો બનાવટી હોવાનો પ્રાથમિક અભિપ્રાય મેળવેલ. એફ.એસ.એલ. અધિકારીનો અભિપ્રાય હકારાત્મક મળતા પંચો તથા એફ.એસ.એલ. અધિકારીની હાજરીમાં તમામ મુદામાલ જપ્ત કરી તેને સીલ કરવામાં આવેલ અને આરોપી અરવિંદ અકબરીની ધરપકડ કરી એસ.ઓ.જી. પોલીસે તેઓ સામે ફરીયાદ નોંધેલ. જપ્ત થયેલ મુદામાલને ગાંધીનગર ખાતે રસાયણીક પરીક્ષણ માટે મોકલતા આ મુદામાલવાળી નોટો બનાવટી હોવાનો હકારાત્મક રીપોર્ટ આવેલ, જેથી તપાસનીશ અમલદારે આરોપી વિરૃઘ્ધ ભારતીય દંડ સંહીતાની કલમ૪૮૯(અ)(બ)(ક) અને (ડ) મુજબ ચાર્જશીટ રજુ કરેલ હતું.

આ કેસ ચાલવા પર આવતા બચાવ પક્ષે મુખ્યત્વે તેવી તકરાર લીધેલ કે, આ કેસમાં ફરીયાદી પોલીસ અધિકારી છે અને તેઓ ફરીયાદી હોવા છતા પોલીસ તપાસ કરી આરોપી વિરૃઘ્ધ ચાર્જશીટ રજુ કરેલ છે. આ કારણે તપાસનીશ અમલદારની તપાસ નિષ્પક્ષ કહી શકાય નહી. આ ઉપરાંત તેમ પણ બચાવ લેવામાં આવેલ કે, રેઈડ દરમ્યાન જપ્ત કરવામાં આવેલ મુદામાલ ઉપર જે માર્ક લખાયેલા હતા તેનાથી જુદા માર્ક એફ.એસ.એલ. ગાંધીનગરને મોકલવામાં આવેલ મુદામાલમાં લખાયેલ છે, તેથી રસાયણીક પરીક્ષણનો અહેવાલ શંકાસ્પદ છે. 

શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, આ કેસમાં ફરીયાદી પોલીસ અમલદારે ગુનાની તપાસના અંતે ચાર્જશીટ કરેલ છે તે કોઈ અમાન્ય કૃત્ય નથી કારણ કે, આરોપીની ધરપકડ અને મુદામાલ જપ્તીની કાર્યવાહી તેમજ મોબાઈલ એફ.એસ.એલ. અધિકારીનો પ્રાથમિક અહેવાલ આરોપીના ઘરે કરવામાં આવેલ રેઈડ દરમ્યાન થયેલ છે. ત્યારબાદ ''પોલીસ તપાસ'' કહી શકાય તેવી કોઈ કાર્યવાહી થયેલ નથી, કારણ કે ફરીયાદી અમલદારે ફકત જપ્ત થયેલ મુદામાલને ગાંધીનગર એફ.એસ.એલ. ખાતે પરીક્ષણ અર્થે મોકલવા સિવાય બીજી કોઈ કાર્યવાહી કરેલ નથી.

આ પ્રકારની હકિકત હોય ત્યારે પોલીસ અમલદારે પોલીસ તપાસ કરેલ છે તેમ કહી શકાય નહી. જપ્ત થયેલ મુદામાલ ઉપર લખાયેલ માર્ક તેમજ ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ મુદામાલના માર્કની વિસંગતતા અંગે રજુઆત કરવામાં આવેલ કે, આરોપીના ઘરેથી જપ્ત થયેલ તમામ મુદામાલ ગાંધીનગર મોકલવામાં આવેલ ન હતો. ફકત બનાવટી ચલણી નોટો જ ગાંધીનગર ખાતે મોકલાયેલ હતી જે મુદામાલ સીલબંધ અવસ્થામાં જ હતો, તેથી મોકલવામાં આવેલ મુદામાલને ફકત માર્ક નવેસરથી અપાયેલા છે તેથી મુદામાલના માર્કમાં તફાવત છે જે સ્વાભાવિક છે. આ સિવાય આરોપી તરફે બીજો કોઈ જ બચાવ લેવામાં આવેલ ન હોવાથી તેઓને તકસીરવાન ઠરાવવા જોઈએ. આ રજુઆત સાથે સહમત થઈ સેશન્સ અદાલતે આરોપી અરવિંદ અકબરીને તકસીરવાન ઠરાવીને સજા અને દંડ ફરમાવેલ છે.  

 આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા તથા મદદગારીમાં અધિક પી.પી. પરાગભાઈ શાહ રોકાયેલા હતા.

(4:07 pm IST)