Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

લોકોના મોઢામાંથી એક જ શબ્દ નિકળે છે, બોવ ઠંડી છે ભાઇ......

ટાઇઢ.....ટાઇઢ... રાજકોટમાં ૯ ડિગ્રીઃ સિઝનનો સૌથી ઠંડો દિવસ

છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં, શહેરીજનો ધ્રુજી ઉઠયા, આવતીકાલે પણ ન્યુનતમ તાપમાન હજુ ઘટશે ?

રાજકોટઃ તા.૧૨, ઠંડીએ જમાવટ કરી છે, અસલી પરચો બતાવ્યો છે પહાડી પ્રદેશોમાં થયેલ હિમવર્ષાના લીધે તેના બર્ફીલા પવન ગુજરાત ઉપરથી પસાર થઇ રહયા હોય રાજયભરમાં ઠંડી કહેર વરસાવી રહી છે અનેક શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી પારો સિંગલ ડીજીટમાં જ ફરતો જોવા મળે છે. હવામાન વિભાગ કહે છે હજુ કાતિલ ઠંડીનો દોર હજુ જારી રહેશે.

તો રાજકોટ શહેર આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ બન્યો છે. ૯ ડિગ્રી તાપમાન નોંધાયું છેે. છેલ્લા ત્રણ દિવસથી ન્યુનતમ તાપમાન અનુક્રમે ૯.૭, ૯.૨ અને આજે ૯ ડિગ્રી નોંધાયું છે.

અસહ્ય ઠાર સાથે બર્ફીલા પવન ફુંકાઇ રહયા હોય કાતિલ ઠંડીનો વધુ અનુભવ થઇ રહયો છે. નગરજનો સતત ગરમ વસ્ત્રોમાં જ જોવા મળે છે. દિવસ દરમિયાન પણ ઠંડીની અસહ્ય અસર દેખાય છે કામ વગર ઘરની બહાર લોકો નિકળવાનું ટાળે છે.

રંગીલા રાજકોટીયનો ઠંડીથી બચવા તાપણાની સાથે ગરમ પીણાનો સહારો લઇ રહયા છે. હાલ તો ઠંડીમાં રાહત મળવાની સંભાવના દેખાતી નથી.

આ વખતે બેથી ત્રણ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરથી ઠંડી તેનો  અસલ પરચો બતાવી શકી ન હતી. માવઠુ પણ વરસી ગયુ હતુ. પરંતુ નવા વર્ષના પ્રારંભે જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં થયેલ ભારે હિમવર્ષાના પગલે દેશમાં અનેક રાજયોમાં ઠંડીનો કહેર જારી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં પણ બેફામ ઠંડી પડી રહી છે.

(3:08 pm IST)