Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઠંડીનો મુખ્ય રાઉન્ડ પૂર્ણ : કાલે મોજથી પતંગ ઉડાડજો

મકરસંક્રાંતિએ ઉત્તર પૂર્વ દિશામાંથી ૧૨ થી ૨૦ કિ.મી. તો કયારેક ૨૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે: બે દિવસમાં ન્યુનતમ અને મહત્તમ તાપમાનમાં આંશિક વધારો થશે, ૧૬મીથી ક્રમશઃ ઠંડીમાં ઘટાડો આવશે, ૧૯મી સુધીમાં તાપમાન ૧૩ થી ૧૫ ડિગ્રીએ આવી જશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૩ : છેલ્લા કેટલાક દિવસોથી રાજયભરમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં જ જોવા મળી રહ્યો છે. દરમિયાન વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે આજથી ઠંડીનો મુખ્ય રાઉન્ડ પૂર્ણ થયો છે. બે દિવસમાં ન્યુનતમ અને મહત્તમ તાપમાનમાં આંશિક વધારો થશે. ૧૬મીથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થતો જશે. ૧૯મી સુધીમાં તો તાપમાન નોર્મલથી ૫ થી ૭ ડિગ્રી જેટલુ ઉંચુ આવી જશે. આમ, ઠંડીમાં ઘટાડો જોવા મળશે.

તેઓએ જણાવેલ કે હાલમાં ઠંડીનો રાઉન્ડ ચાલુ છે. ગત આપેલ આગાહી મુજબ ઘણા સેન્ટરોમાં તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં જોવા મળેલ. આજે સવારે કેશોદ ૭.૮ ડિગ્રી, ગાંધીનગર ૮.૨ ડિગ્રી, ડીસા ૮.૪ ડિગ્રી, રાજકોટ ૮.૫ ડિગ્રી, કંડલા એરપોર્ટ ૯.૪ ડિગ્રી, વડોદરા ૯.૬ ડિગ્રી, અમદાવાદ ૯.૭ ડિગ્રી અને અમરેલીમાં ૯.૮ ડિગ્રી તાપમાન નોંધાયેલ છે.

અશોકભાઈએ વધુમાં જણાવેલ કે ૧૫મી જાન્યુઆરી સુધીમાં ન્યુનતમ અને મહત્તમ બંને તાપમાનમાં આંશિક વધારો જોવા મળશે. જો કે તાપમાનનો મુખ્ય સુધારો તા.૧૬ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન જોવા મળશે. તાપમાન ૪ થી ૫ ડિગ્રી જેટલુ વધી જશે. પહેલા તાપમાન નોર્મલ થશે ત્યારબાદ નોર્મલથી ઉંચુ જશે. ઓવરઓલ ૬ ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો જોવા મળશે. ૧૯મી સુધીમાં ન્યુનતમ તાપમાન ૧૩ થી ૧૫ ડિગ્રીએ પહોંચી જશે.

મકરસંક્રાંતિએ પતંગ પ્રેમીઓને એવી આશા હોય છે કે પવનનું જોર હોય તો પતંગ ઉડાડવાની મજા પડી જાય. તો આ વખતે મકરસંક્રાંતિએ મોજથી પતંગ ઉડાડી શકશે. આવતીકાલે ૧૪મીના પવન સૌરાષ્ટ્રભરમાં ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે. આખો દિવસ પવનનું જોર જોવા મળશે. દિવસ દરમિયાન ૧૨થી ૨૦ કિ.મી.ના તો કયારેક કયારેક ઝાટકાના પવનની ઝડપ ૨૫ કિ.મી.એ પણ પહોંચી જશે. સવારના ભાગમાં પવનનું જોર વધુ જોવા મળશે. સૂર્યાસ્ત બાદ પણ પવનનું પ્રમાણ વધુ રહેશે. (૩૭.૮)

(2:56 pm IST)