Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

રાજકોટમાં કોરોનાએ પતંગ ચગાવી : બપોર સુધીમાં અ..ધ..ધ.. ૧૧૦ કેસ

ગઇકાલે મે મહિના બાદ એક જ દિ'ના સૌથી વધુ ૩૧૯ દર્દી નોંધાયા : હાલ ૧૬૬૮ દર્દીઓ સારવાર હેઠળ : કુલ આંક ૪૫,૦૨૧એ પહોંચ્‍યો

રાજકોટ તા. ૧૩ : શહેરમાં પણ અન્‍ય મહાનગરોની જેમ કોરોના સંક્રમણ વધવા લાગ્‍યું છે. ગઇકાલે તા. ૧૧ જાન્‍યુઆરીના મે મહિના બાદ સૌથી વધુ ૩૧૯ કેસ નોંધાતા મનપાના આરોગ્‍ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
આ સાથે આજે બપોર સુધીમાં અ...ધ..ધ... ૧૧૦ કેસ સાથે હાલ સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્‍યા ૧૬૬૮એ પહોંચી છે.
ગત મે મહિના બાદ જુનથી કોરોના થોડો શાંત પડવા લાગ્‍યો હતો. તા. ૧૬ મે ૨૦૨૧ના રોજ રાજકોટમાં એક સાથે ૩૭૨ કેસ નોંધાયા હતા તે બાદ ગઇકાલનો આંકડો સૌથી મોટો છે. રાજકોટમાં ૨૫૮ માઇક્રો કન્‍ટેનમેન્‍ટ ઝોન છે. આજે સાંજે પણ કોરોનાનો આંકડો વધુ મોટો થાય તેવો ભય રહેલો છે.
મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં ૧૧૦ કેસ નોંધાયા છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૪૫,૦૨૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૪૨,૮૮૨  દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૪૬૪૮ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૩૧૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૬.૮૬ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૫,૭૦,૯૮૯ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૪૫,૦૨૧ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૫ ટકા થયો છે. રિકવરી રેટ ૯૫.૩૭ ટકાએ પહોંચ્‍યો છે.

 

(3:27 pm IST)